સંબંધ નામના વૃક્ષની જાતકકથા – કમલેશ શાહ
તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.
તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.
હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.
– કમલેશ શાહ
કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !