કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવીને,
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે.
- સંજુ વાળા

રસ્તા – રતિલાલ ‘અનિલ’

શહેરોમાં  રહે  છે,  જંગલોમાં  જાય  છે  રસ્તો;
કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા  ધામ  પાસે  કેટલો  વંકાય  છે  રસ્તો !

હું  ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોત,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,
નજરની શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

– રતિલાલ અનિલ

શુક્રવારે રતિલાલ ‘અનિલ’ની વાત નીકળી એટલે એમની આ સરસ ગઝલ યાદ આવી ગઈ. રસ્તાના પ્રતિકથી આ ગઝલમાં એમણે બહુ ઊંડી વાત કરી છે. છેલ્લો શેર તો યાદગાર શેરમાંથી એક છે. ખરી જ વાત છે, આપણે બધાને એ જ રસ્તાને તલાશ છે !

2 Comments »

  1. જ્યશ્રી said,

    December 26, 2006 @ 4:44 AM

    ખરેખર ધવલભાઇ, મજા આવી ગઇ… !!

    નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
    ‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

  2. વિવેક said,

    December 26, 2006 @ 5:27 AM

    હું કેટલાક શેર ઉમેરું?

    નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
    વિના વાંકે બિચારો વિશ્વમાં નીંદાય છે રસ્તો.

    પ્રણયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ,
    નજર સામે હવે મૃગજળરૂપે લહેરાય છે રસ્તો.

    નહિતર ખીણમાં એ સોંસરો આવી નહિ પડતે,
    મુસાફરને શું દેવો સોષ, ઠોકર ખાય છે રસ્તો !.

    મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
    બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો.

    ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની;
    કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો.

    વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
    કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો.

    ‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત એ હકીકત છે;
    રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો.

    -રતિલાલ ‘અનિલ’.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment