હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo

પીડિતની આંસુડાધારે-હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલાં હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !
લેજો કસુંબીનો રંગ ! – રાજo

રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ.

– ઝવેરચંદ કાળીદાસ મેઘાણી

ગાંધીજી પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામનાર મેઘાણીની લોહીના લયમાં ઘૂંટાયેલી કવિતાએ ગુજરાતી પ્રજામાં સ્વાતંત્ર્યની મોહિની લગાડેલી અને જાનફિશાની કરવાની તમન્ના જગાડેલી. જીવી જનારને જીવતર સાર્થક ભાસે અને મરનારને મોત અમૃત સમ લાગે એ રીતે એમણે કવિતામાં જીવતાના જશ ગાયા ને શહીદોને લાડ લડાવ્યા. લોકકાવ્યની પરંપરાનો સર્જનાત્મક વિનિયોગ અને લોકહૃદયની ભાવનાઓની યુગલક્ષી રજૂઆત ધ્યાનાર્હ બની રહે છે. કવિતા ઉપરાંત વાર્તા, નવલકથા, લોકસાહિત્ય સંશોધન, સંપાદન, વિવેચન અને અનુવાદ- 87 જેટલા ગ્રંથોમાં મેઘાણીની રસધાર અવિરત વહેતી રહી અને મા ગુર્જરીના ચરણ પખાળતી રહી.

જન્મ: 28-08-1896, ચોટીલા; મૃત્યુ: 09-03-1947, કાવ્યસંગ્રહ: ‘યુગવંદના’, ‘બાપુનાં પારણાં’, ‘એકતારો’.

12 Comments »

  1. જ્યશ્રી said,

    December 8, 2006 @ 1:24 AM

    ઘણી નાની હતી ત્યારથી આ ગીત ના શબ્દો કશે સાંભળ્યા હોય એમ ઘણા જાણીતા લાગતા. આખુ ગીત તો ઘણા વખત પછી વાંચવા મળ્યુ. ગજબની ખુમારી છે આ શબ્દોમાં. જેટલી વાર વાંચો કે સાંભળો એટલી વાર એક ઉત્સાહ જગાવી જાય છે.
    http://tahuko.com//?p=364

  2. ઝવેરચંદ મેઘાણી, Zaverchand Meghani « ગુજરાતી સારસ્વત પરિચય said,

    July 31, 2007 @ 9:56 PM

    […] “જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;  … રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ” […]

  3. Dipika said,

    November 7, 2007 @ 2:51 PM

    ઘણી જ સરસ કવિતા છે. પ્રાથમિક શાળા મા ભણયા હતા. તમારેી પાસે ” ચારણ કન્યા” નેી કવિતા છે?!

    Can you please send it to me if you have it on my email Address..

    Thank you

    Dipika

  4. Bharat said,

    January 9, 2009 @ 1:16 PM

    ખુબ સુન્દેર વેબ સઇત ચ્હે .નાન પાન યાદ આવિ ગાયુ.દેશ યાદ આવિ ગયો.
    કલાપિ નિ કવિતા ખુબ યાદ આવે ચ્હે.

  5. Pancham Shukla said,

    May 18, 2009 @ 4:59 PM

    યુ-ટ્યુબ પર આ ગીત સાંભળોઃ

  6. Pancham Shukla said,

    May 18, 2009 @ 5:03 PM

    અને મેઘાણી વિષે મેઘાની સાહિત્યના તજજ્ઞ પ્રો. કનુભાઈ જાનીઃ

  7. Mahendra Pandya said,

    October 21, 2015 @ 1:33 AM

    ખુબ સુન્દર ગેીત

  8. Mahendra Pandya said,

    October 21, 2015 @ 1:34 AM

    સુન્દર ગેીત

  9. Mahendra Pandya said,

    October 21, 2015 @ 1:35 AM

    very nice geet. like so very much.

  10. Viral said,

    January 23, 2016 @ 2:42 AM

    ચારણકન્યાનો પ્રસંગ અને કવિતા
    (1928) ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે. ત્યાંની હીરબાઇ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.
    “તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.” – દુલા ભાયા કાગ
    ચારણ કન્યા
    સાવજ ગરજે ! સાવજ ગરજે !
    વનરાવનનો રાજા ગરજે
    ગીરકાંઠાનો કેસરી ગરજે
    ઐરાવતકુળનો અરિ ગરજે
    કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
    મોં ફાડી માતેલો ગરજે
    જાણે કો જોગંદર ગરજે
    નાનો એવો સમદર ગરજે !
    ક્યાં ક્યાં ગરજે?
    બાવળના જાળામાં ગરજે
    ડુંગરના ગાળામાં ગરજે
    કણબીના ખેતરમાં ગરજે
    ગામ તણા પાદરમાં ગરજે
    નદીઓની ભેખડમાં ગરજે
    ગિરિઓની ગોહરમાં ગરજે
    ઊગમણો આથમણો ગરજે
    ઓરો ને આઘેરો ગરજે
    થર થર કાંપે ! વાડામાં વાછડલાં કાંપે કૂબામાં બાળકડાં કાંપે
    મધરાતે પંખીડાં કાંપે ઝાડતણાં પાંદડલાં કાંપે
    સૂતાં ને જાગંતાં કાંપે
    જડ ને ચેતન સૌ એ કાંપે
    આંખ ઝબૂકે !
    કેવી એની આંખ ઝબૂકે !
    વાદળમાંથી વીજ ઝબૂકે
    જોટે ઊગીબીજ ઝબૂકે
    જાણે બે અંગાર ઝબૂકે
    હીરાના શણગાર ઝબૂકે
    જોગંદરની ઝાળ ઝબૂકે
    વીર તણી ઝંઝાળ ઝબૂકે
    ટમટમતી બે જ્યોત ઝબૂકે
    સામે ઊભું મોત ઝબૂકે
    જડબાં ફાડે!
    ડુંગર જાણે ડાચા ફાડે!
    જોગી જાણે ગુફા ઉઘાડે!
    જમરાજાનું દ્વાર ઉઘાડે!
    પૃથ્વીનું પાતાળ ઉઘાડે!
    બરછી સરખા દાંત બતાવે
    લસ! લસ! કરતી જીભ ઝુલાવે.
    બહાદરઊઠે!
    બડકંદાર બિરાદર ઊઠે
    ફરસી લેતો ચારણ ઊઠે
    ખડગ ખેંચતો આહીર ઊઠે
    બરછી ભાલે કાઠી ઊઠે
    ઘરઘરમાંથી માટી ઊઠે
    ગોબો હાથ રબારી ઊઠે
    સોટો લઇ ઘરનારી ઊઠે
    ગાય તણા રખવાળો ઊઠે
    દૂધમલા ગોવાળો ઊઠે
    મૂછે વળ દેનારા ઊઠે
    ખોંખારો ખાનારા ઊઠે
    માનું દૂધ પીનારા ઊઠે
    જાણે આભ મિનારા ઊઠે
    ઊભો રે’જે !
    ત્રાડ પડી કે ઊભો રે’જે!
    ગીરના કુત્તા ઊભો રે’જે!
    કાયર દુત્તા ઊભો રે’જે!
    પેટભરા ! તું ઊભો રે’જે!
    ભૂખમરા ! તું ઊભો રે’જે!
    ચોર-લૂંટારા ઊભો રે’જે!
    ગા-ગોઝારા ઊભો રે’જે!
    ચારણ—કન્યા !
    ચૌદ વરસની ચારણ કન્યા
    ચૂંદડિયાળી ચારણ કન્યા શ્વેતસુંવાળી ચારણ-કન્યા
    બાળી ભોળી ચારણ-કન્યા
    લાલ હીંગોળી ચારણ-કન્યા
    ઝાડ ચડંતી ચારણ-કન્યા
    પહાડ ઘુમંતી ચારણ—કન્યા
    જોબનવંતી ચારણ-કન્યા
    આગ-ઝરંતી ચારણ-કન્યા
    નેસ-નિવાસી ચારણ-કન્યા જગદંબા-શી ચારણ-કન્યા
    ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
    ત્રાડ ગજાવે ચારણ-કન્યા
    હાથ હિલોળી ચારણ-કન્યા
    પાછળ દોડી ચારણ-કન્યા
    ભયથી ભાગ્યો
    સિંહણ, તારો ભડવીર ભાગ્યો
    રણ મેલીને કાયર ભાગ્યો
    ડુંગરનો રમનારો ભાગ્યો
    હાથીનો હણનારો ભાગ્યો
    જોગીનાથ જટાળો ભાગ્યો
    મોટો વીર મૂછાળો ભાગ્યો
    નર થઇ તું નારીથી ભાગ્યો
    નાનકડી છોડીથી ભાગ્યો!
    ઝવેરચંદ મેઘાણી

  11. Dev Mehta said,

    March 30, 2021 @ 2:21 AM

    આજે બહુજ જરુર છે આવી ખુમારી ની. ધન્ય ભુમિ સૌરાષ્ટ.
    ધન્યવાદ મેઘાણી સર.
    30/3/2021

  12. શું આપણા ગુજરાતની ઓળખ છે બાળકોને ? – Guity_writer said,

    June 14, 2022 @ 12:12 PM

    […] જ્યાં કહેવાય છે હો રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ… […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment