ગઝલ – મહેશ દાવડકર
કોઈ મને કાયમ એવું પૂછે અંદરથી,
તું જીવે છે પણ જો કૈં ખૂટે અંદરથી.
આ હોવું પોલા વાંસ સમું છે અંદરથી,
ને એ પાછું ફાંસ સમું ખૂંચે અંદરથી.
હદથી વધારે ફૂલે તો એ પણ ફૂટે છે,
ફુગ્ગો પણ અંતે કેટલું ફૂલે અંદરથી.
કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે,
કે માણસ રોજ તડાતડ તૂટે અંદરથી.
હરણા જેમ કશે હું ભાગી પણ ના શકું,
કે એક પછી એક તીર છૂટે અંદરથી.
મારું અસ્તિત્વ ખરલમાં નાખી રોજ વ્યથા,
જડીબુટ્ટીની જેમ મને ઘૂંટે અંદરથી.
-મહેશ દાવડકર
માણસ જન્મ્યો ત્યારથી જીવન વિશેની એની અવઢવ અને અટકળનો કદાપિ અંત આવ્યો નથી. કશુંક સતત અંદરથી ખૂટતું હોય એમ લાગ્યા કરે એ જ જીવતર. આપણું હોવાપણું વાંસળીની જેમ પોલું તો છે જ, વળી વાંસની ફાંસની જેમ સતત ખૂંચતું પણ રહે છે. અહીં અકબંધ રહેવાનું પણ અઘરૂં છે ને ભાગી છૂટવાનું પણ દોહ્યલું છે. વ્યથા તમને કાયમ ઘૂંટતી જ રહેવાની અંદરથી. દરેક શેર પર થોભવા માટે મજબૂર કરી દે તેવી આ સુંદર ગઝલ મારા જ શહેર સુરતના મહેશ દાવડકરની છે.
Devika Rahul Dhruva said,
January 14, 2007 @ 11:21 AM
વાહ્…વાહ્….ખુબ જ સુન્દર
સાદા,સીધા,સચોટ,સ્પર્શતા શબ્દો…
અતી સુન્દર…..
Jayshree said,
January 14, 2007 @ 11:32 AM
સાચ્ચે વિવેકભાઇ… ખૂબ જ સરસ મજાની વાત… અંદર સુઘી સ્પર્શી જાય એવી ગઝલ.જાણે પોતાના મનની વાત કરી ગઇ..
UrmiSaagar said,
January 14, 2007 @ 12:39 PM
આ ગઝલ પણ કેવી મજાની છે,
કેવી ખોલે છે બંધ વાતો, અંદરથી!
ધવલ said,
January 14, 2007 @ 8:43 PM
આ હોવું પોલા વાંસ સમું છે અંદરથી,
ને એ પાછું ફાંસ સમું ખૂંચે અંદરથી.
બહુ ઉમદા ગઝલ…
એક વધુ સુરતી ગઝલકારનો પરિચય થયો.
Suresh Jani said,
January 15, 2007 @ 10:09 AM
જવાહર બક્ષી યાદ આવી ગયા.
હું તો નગરનો ઢોલ છું , પીટો પીટો, મને ….
—
ખાલીપણું બીજા તો કશા કામનું નથી …
Sangita said,
January 18, 2007 @ 5:43 PM
Excellent!
નિઃશબ્દ said,
June 11, 2007 @ 10:15 AM
ખરેખર હ્દયસ્પર્શી રચના…