સળગતી હવાઓ – સરૂપ ધ્રુવ
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
હજારો વરસથી મસાલો ભરેલું ખયાલોનું શબ છું ને ખડખડ હસું છું,
મળ્યો વારસો દાંત ને ન્હોરનો, બસ! અસરગ્રસ્ત ભાષામાં ભસું છું હું, મિત્રો !
અરીસા જડેલું નગર આખું તગતગ, પથ્થર બનીને હું ધસમસ ધસું છું,
તિરાડો વચ્ચેનું અંતર નિરંતર, તસુ બે તસુ બસ, ખસું છું હું, મિત્રો !
સવારે સવારે હું શસ્ત્રો ઉગાડું, હથેલીમાં કરવતનું કૌવત કસું છું;
પછી કાળી રાત્રે, અજગર બનીને, મને પૂંછડીથી ગ્રસું છું હું, મિત્રો !
નથી મારી મરજી, છતાં પણ મરું છું, સતત ફાંસલામાં ફસું છું હું, મિત્રો !
પણે દોર ખેંચાય, ખેચાઉં છું હું, અધવચ નગરમાં વસું છું હું, મિત્રો !
સળગતી હવાઓ શ્વસું છું હું, મિત્રો !
પથ્થરથી પથ્થર ઘસું છું હું, મિત્રો !
– સરૂપ ધ્રુવ
સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. ડાબેરી કવયિત્રીએ એમના સંગ્રહનું નામ પણ ‘સળગતી હવાઓ’ આપેલું. પોતાની જાત માટે હજારો વરસથી મસાલો ભરેલું શબ અને અસરગ્રસ્ત ભાષામાં ભસું છું એવી વાત એમની કવિતામાં જ આવે. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. એ પોતાના અસ્તિત્વ માટે અધવચ નગરમાં વસું છું એવું રૂપક વાપરે છે. રોજ શસ્ત્રો અને શસ્ત્રો ચલાવવાની શક્તિ વધારીને માણસ પોતાને જ કરડે છે એ વાત કવિ અહીં ધાર કાઢીને રજૂ કરે છે.
આ કવિતા રમેશ પારેખની સોનલ અને પ્રિયકાંત મણિયારના કાનજીથી તદ્દન જુદી દુનિયાની કવિતા છે. આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે, એને ક્રાંતિથી ઓછું કાંઈ ખપે એમ નથી.
વિવેક said,
January 15, 2007 @ 7:59 AM
ગઝલોની ગરેડથી જરા હટીને ચાલતી આ ગઝલ તો સુંદર છે જ, પણ ધવલની બે વાત પણ એવી જ મજાની લાગી. ખયાલોનું શબ, હજારો વરસ અને મસાલા ભરીને કરવામાં આવેલી જાળવણી આ ત્રણેય વસ્તુ ખળભળાવી દે એવી ગતિશૂન્યતા અને પ્રગતિશૂન્યતા સૂચવે છે. સમાજના ખયાલો વર્ષો, દાયકાઓ કે શતકો સુધી નહીં, હજ્જારો વર્ષો લગી એમના એમ મૃતઃપ્રાય જ રહે છે, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી. બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે, એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી. બધા જ શેર સુંદર છે… પણ પ્રતિભાવમાં કંઈ નિબંધ થોડો લખાય?
ધવલ said,
January 15, 2007 @ 1:22 PM
..લખાય, લખાય.. પ્રતિભાવમાં નિબંધ કેમ ન લખાય !
કોમેંટમાંથી વધારે સારી લાગેલી વાત મેં પોસ્ટમાં ઊમેરી છે.
દિલીપ ર. પટેલ said,
January 15, 2007 @ 5:52 PM
સરૂપ ધ્રુવના સળગતા શબ્દો આતમને દઝાડી જાય એવા છે. ખૂબ સુંદર રચના.
દિલીપ ર. પટેલ said,
January 15, 2007 @ 5:55 PM
સરૂપ ધ્રુવના સળગતા શબ્દો ખરેખર આતમને દઝાડી જાય એવા છે. ખૂબ સુંદર રચના.
UrmiSaagaar said,
January 15, 2007 @ 10:57 PM
તમે નિબંધ લખો એથી તો અમને મળતો કવિતાનો આસ્વાદ કંઇ કેટલાયે ઘણો થઇ જાય છે! એટલે નિબંધ તો લખતાં જ રહેજો!!
બહુ સરસ ગઝલ છે… સાચે જ જાણે ‘સળગતી હવા’ની લહેરખી આવી હોય એવું લાગ્યું! અને ખબર નહી કેમ, કંઇ લાગતું વળગતું ન હોવા છતાં કુરુક્ષેત્રનું મેદાન યાદ આવી ગયું!!!
Tirthesh said,
January 16, 2007 @ 2:37 AM
A really fresh one.The only complaint which I have against Gujrati Ghazal is that if you eliminate three topics from it namely-
1-Back-stabbing by friends
2-Urbanization & its consequences
3-Superficial talk about love
-you hardly get anything substantial.Many DushyantKumars are needed to uplift Gujju Ghazals.More poignant thing is that this AAKROSH is coming out of a female writer which is extremely promising as it will have far reaching effects.Ghalib is still very fresh because of this reason only that his verses are coming out of profound thinking & deep suffering & frustration.
‘SAMAJ NA KHYALO’-This fact really is true as well as very difficult to accept.Just before sometime I thought that somewhere inside me are many generations.
Truly memorable Ghazal.-Tirthesh
વિવેક said,
January 19, 2007 @ 5:13 AM
પ્રિય તીર્થેશ,
ગુજરાતી ગઝલો સામેના તારા આક્રોશ સાથે હું કંઈક અંશે સહમત થાઉં છું તો ઘણી જગ્યાએ નથી પણ થતો. મિત્રદ્રોહ, શહેરીકરણ અને પ્રેમ અંગેના છીછરા ખયાલો- આ ત્રણ બાદ કરતાં ગુજરાતી ગઝલોમાં કદાચ નવું કશું નથી એ આક્ષેપ પૂર્ણતઃ સાચો નથી. ગુજરાતી ગઝલોનો જે નવોન્મેષ થઈ રહ્યો છે એમાં આ સિવાય પણ ઘણું છે.
દુષ્યંતકુમાર અને ગાલિબ દરરોજ પેદા નથી થતા અને દરરોજ પેદા થતા કવિઓ દુષ્યંતકુમાર કે ગાલિબ નથી હોતા અને એ જ કારણે દુષ્યંતકુમાર અને ગાલિબ બહુમૂલ્ય બને છે. ઝફરના દરબારમાં બધા જ કવિ ગાલિબ હોત તો ગાલિબને પૂછતે કોણ? એવરેસ્ટ એક જ હોય છે પણ એની ઊંચાઈને માપવા અને સ્વીકારવા નાના-મોટા હજારો પર્વતોનું અસ્તિત્વ આવશ્યક છે.
ટીકા કરવી સહેલી છે, લખવું અઘરૂં. ક્રિકેટ કદી રમ્યા ન હોય એવા લોકો જ આપણે ત્યાં ક્રિકેટજગતના માંધાતા પંડિતો અને વિવેચકો બની બેસે છે. કવિતા, અને તું ઈચ્છે છે એવી કવિતા દર વખતે લખવી સહેલી નથી હોતી પણ એના વિશે બોલવું અને ઘસાતું બોલવું એ દરેકના માટે અને દર વખતે સહેલું હોય છે. લાયકાત કેળવ્યા વિનાની ટીકા એ ભારતીય માનસિક્તાનો સાચો આયનો છે.
ગુજરાતી કવિ-લેખકો ઉત્કૃષ્ટ સ્તરના નથી એ વાત સાથે હું સહમત છું, પ્રશ્ન એ છે કે ઉત્કૃષ્ટતા આવે છે ક્યાંથી? મરીઝ કે ઉમાશંકર તો હજારે એક હોય છે, બાકીનાઓએ તો લાયકાત કેળવવાની હોય છે. જે દિવસે ગુજરાતી કવિ કલમના સહારે પોતાનું ગુજરાન ચલાવવા બાબત નફકરો બનશે તે દિવસે કદાચ પોતાના સ્તર વિશે વિચારવા નવરો પડશે. હેરી પોટર લખનાર કે જોનાથન લિવિંગ્સ્ટન સીગલ લખનારે વિચારવું નથી પડતું કે સાંજનો ચૂલો શેમાંથી સળગશે. ગુજરાતી કવિતાનો તો એ માહોલ છે કે આજ તારીખ લગીમાં દાયકાઓ વીત્યા છતાં મરીઝના \\\”આગમન\\\”ની પણ કુલ દસ હજાર પ્રતો આ રાજ્ય ખરીદી શક્યું નથી. બીજા કવિઓની દુર્દશાની તો શી વાત કરવી? આજે સૌથી વધુ વેચાણ ધરાવતા સુરેશ દલાલના \\\”કવિતા\\\” સામયિકમાં એક કવિતા છપાવા બદલ કવિને શું પુરસ્કાર મળે છે એ ખબર છે? રોકડા પચ્ચીસ રૂપિયા !
પચ્ચીસ રૂપિયામાં વેચાતી ગુજરાતી ગઝલના ખરીદદાર પણ કેટલા? સારી કક્ષાના કવિઓ પણ એમના કાવ્યસંગ્રહની 500 કે 1000 પ્રતોથી વધુ બહાર પાડવાનું સ્વપ્ન જોઈ શક્તા નથી અને આ પાંચસો-હજાર પ્રતો પણ માંડ પાંચ-સાત વર્ષે ભેટ આપી આપીને પૂરી થાય છે. બીજી આવૃત્તિનું સદનસીબ તો કોઈ વીરલાને જ પ્રાપ્ત થાય છે. રાવજી પટેલ જેવો સક્ષમ કવિ પણ ટી.બી. જેવી મામૂલી બિમારીમાં સારવારના પૈસાના અભાવે સરકારી દવાખાનામાં ભરજુવાનીમાં દમ તોડે એ આપણી વાસ્તવિક્તા છે. કવિ સારા નથી એ ફરિયાદ કરવી જેટલી સહેલી છે એનાથી વધુ અઘરૂં કામ છે સારા વાચકો જન્માવવાનું. ભલે આકરૂં લાગે, ભલે અઘરૂં લાગે પણ આ વિશ્વનું આજનું સત્ય એ જ છે કે – Necessity is the mother of invention…
નબળા લખાણના દાવામાં આ વાત નથી કરી રહ્યો… કદર વિના કોઈ કળા વિકસતી નથી એ હકીકત તરફ ઈશારો કરવાની નાનકડી કોશિશ કરી રહ્યો છું… ગુજરાતી ગઝલ પણ સીમાડાઓ વળોટીને આગળ વધી રહી છે, પણ બારી ખોલીને એને જોવાની કોશિશ કરીએ તો…!
Tirthesh said,
January 24, 2007 @ 3:23 AM
lack of introspection can not be defended.Nobody asks anyone to write anything.One writes & submits it to public to read it ,enjoy it & criticize it at his or her free will.Monetary considerations are secondary.There were & there are dedicated writers in Gujrati but too much work needs to be properly edited & cut to its size.If one writes only one SANGRAH like Ghalib its sufficient for his personal achivement & for greater service of literature then writing lot of gibberish.Well money was never there in literature as far as Gujrati kavita is concerned & it should not be the argument for lack of depth in work.Same problems are faced by almost all other Indian languages & there also similiar problems pertaining to quality prevailing.Most important thing is that a writer must be an extremely severe self critic -before submitting anything to the reader he or she himself or herself must scrutinize it according to well-accepted standards & must try to avoid boring repetations at all costs.Of all the species a writer must be most responsible just as a teacher.No defence is a valid defence as far as quality is concerned.
But I agree that all is not lost.Some sporadic work up to the mark is coming but it needs to be concentrated.There are good writers though they may not have received widespread acceptance & these type of blogs are a boon in that aspect.Now is the time to capitalize on these advances in publication methods.Thumbs Up to all such people with honest & clear intentions-Tirthesh
sagarika said,
March 20, 2007 @ 12:21 PM
આવી આવી તો થોડી જ ગઝલો હોય જેમાં આવા તણખા હોય.
લયસ્તરો » ગઝલ - સરૂપ ધ્રુવ said,
September 28, 2007 @ 12:56 AM
[…] સરૂપ ધ્રુવની રચનાઓમાં એક છુપો આક્રોશ વ્યક્ત થતો જોવા મળે છે, પણ શરત એટલી કે આગથી ભરપૂર આ રચનાઓને દાઝવાની પૂર્વતૈયારી સાથે નજીકથી, ખૂબ નજીકથી અદવું પડે. આ ગઝલના કોઈ એક શે’ર વિશે વાત કરવી એ બાકીના શે’રનું અવમૂલ્યન કરવા બરાબર છે એટલે વાચક પોતપોતાની ક્ષમતા મુજબ દાઝે એમ વિચારી વાત અહીં જ છોડી દઉં. (એમની આવી જ એક તેજાબી રચના -સળગતી હવાઓ- અગાઉ અહીં મૂકી હતી, એ આ સાથે વાંચવાનું ચૂક્શો નહીં એવી ખાસ ભલામણ પણ….!) […]
લયસ્તરો » લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ said,
October 18, 2007 @ 12:28 AM
[…] જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે. (ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું) […]
hanif sama said,
February 20, 2020 @ 1:10 AM
Beautiful