મુસાફર હોઈએ એથી રૂડું શું ?
અમે રસ્તા વગર પણ ચાલવાના.
– મનહર મોદી

લાગણીની તિજોરી – સરૂપ ધ્રુવ

સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે ? આ શાનો ધખારો ?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !

– સરૂપ ધ્રુવ

જ્યારથી સળગતી હવાઓ વાંચી છે ત્યારથી સરૂપ ધ્રુવની રચનાઓ માટે મનમાં ખાસ જગા થઈ ગઈ છે. એમની રચનામાં વિચારો જ નહીં, પ્રતિકો અને શબ્દ-પસંદગી પણ અલગ જાતના જ હોય છે. અંદરનો ખાલીપો અને સંબંધોની રિક્તતા એવા બહુ ખેડાયેલા વિષય પર પણ અહીં એ પોતાની અલગ જ છાપ છોડે છે.
(ધખારો=(1)ઝંખના, મનમાં સતત ફરતી વાત (2)બાફ,ગરમી – પહેલી પંક્તિમાં પહેલો અર્થ અને બીજી પંક્તિમાં બીજો અર્થ બેસે છે. એક જ શબ્દ એક જ શેરમાં બે જુદા જુદા અર્થમાં વાપરેલો છે !, અડાબીડ=ભય ઉપજાવે તેવું મોટું)

10 Comments »

  1. Jayshree said,

    October 17, 2007 @ 11:48 PM

    વાહ ધવલભાઇ….
    ગમી જાય એવી ગઝલ…..

    અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
    ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?

    હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
    અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

    કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
    અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

    Excellent…..!!!

  2. Pinki said,

    October 18, 2007 @ 12:49 AM

    જીંદગીનો આ તે કેવો તમાશો !!

    લાગણીઓની તિજોરી ખૂટી અને મેં જ મારી લાશને ગોઠવી !!!

    ખરે જ અન્નજળ ખૂટ્યાં માણસાઈનાં કે ,

    ઈશ્વરે જ રેઢી મૂકી !!

  3. Bharat said,

    October 18, 2007 @ 8:45 AM

    સરસ ગઝલ છે. વાંચી ને મજા આવી ગઈ !!!!!

  4. pragnajuvyas said,

    October 18, 2007 @ 8:53 AM

    સરૂપ ધ્રુવના કાવ્યો સ્વભાવે વિદ્રોહી છે. એમનો એક એક શબ્દ તણખા જેવો છે. સમાજના ખયાલો, એ કદી બદલાતા નથી. એમાં કોઈ સુધારો શક્ય નથી.બીજાને વડચકાં ભરવાનો જે વારસો માનવજાતને મળ્યો છે,એના બાચકાંઓથી આખી ભાષા જ અસરગ્રસ્ત થઈ હોવાથી હવે અહીં કશો બદલાવ શક્ય નથી.
    આ કવિતા છાતીમાં તણખા ભરી અને સળગતી હવાઓનો શ્વાસ લઈને લખી છે,આ ગઝલના કોઈ એક શે’ર વિશે વાત કરવી એ બાકીના શે’રનું અવમૂલ્યન કરવા બરાબર છે.
    સમાજ મેનીએક,ઓબસેસીવ કમ્પલસીવ કે પેરેનોઈડ જેમ પૂછે છે!
    સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
    આ શાની અગન છે ? આ શાનો ધખારો ?
    અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
    ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?
    મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
    અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?
    … અને “અડાબીડ રેતી” એ સમાજને ક્લોસ્ત્રોફોબીઆ થયો છે!
    અને પછી બાઈ પોલર ડીપ્રેશનમાં સમાજ હોય તેવી પંક્તીઓ
    હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
    અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.
    કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
    અને શબ્દ આપી શક્યા ના દિલાસો.
    ચલો ! લો, ઊઠાવો આ લંગર ગઝલનું,
    અન્જળ ઊઠયાં છે, રુઠ્યો છે કિનારો !
    કવિનું કામ સમાજની રુગણતા બતાવી પૂરું થાય છે
    એ સુધારવાનો દાવો કરતો નથી.

  5. ભાવના શુક્લ said,

    October 18, 2007 @ 11:10 AM

    અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
    ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?
    ………………………………………..
    કદી નહી અટકતો આ તમાશો અવિરત ચાલ્યા કરતો, પાત્રો બદલાય, સમજશક્તિ અને મુલ્યાંકનો બદલાય પણ તેની પાછળની ભાવનાત્મતા તો કેમ બદલાય !!!!!
    અહી તો….
    સહન કરનારની સામે સિતમ કરનાર શુ કરશે?
    સિતમ કરનારની સામે જીવન કુરબાન અમારા છે.

    કારણ…
    તમને તમારા માની લીધેલા શૌર્ય (કે ઉદાસીનતા!!!!!) નુ ગુમાન છે ને અમને અમારી સહનશક્તિ સર આંખો પર…
    હો તમે મગરુર તો છોને રહ્યા, માફ કરશો અમે પણ બહુ મજબુર છીએ.

  6. વિવેક said,

    October 20, 2007 @ 10:03 AM

    સુંદર રચના… આ રચના આત્મસાત્ કરવામાં ઘણા દિવસો નીકળી ગયા. તોય અમુક શેરમાંથી અર્થ નીપજી શક્યો, અમુકમાંથી નહીં. છેલ્લા બે શેર તો તરત જ સ્પર્શી ગયા…

    ગઝલશાસ્ત્રના રસિક છે એવા મિત્રો માટે પણ બે’ક વાત… અહીં ગઝલનો મત્લા વાંચીએ તો ‘ધખારો’ શબ્દ બંને મિસરામાં વાક્યાંતે વપરાયો હોવાથી રદીફ હોવાનો ભાસ ઊભો કરે છ અને બંને મિસરામાં ધખારો શબ્દની આગળ ‘નો’ આવે છે એ આ ગઝલનો કાફિયા ‘ઓ’કારાન્ત હોવાનું મહેસૂસ કરાવે છે પણ પછી તરત જ બધા શેરોમાં રદીફ સાવ જ નીકળી જાય છે અને આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ બની જાય છે. ધખારો શબ્દને જ જો આધારભૂત કાફિયો ગણીએ તો પણ પહેલા શેરમાં ‘રો’ બંને પંક્તિના અંતે આવતો હોવાથી પછીના કાફિયા ‘વખારો’ , ‘કિનારો’ વગેરે હોવા જોઈએ પણ એ પણ આ ગઝલમાં ક્યાંય સ્થાપિત થતું નથી…

    ..એક બીજી વાત… અન્નજળ ખૂટે કે ઊઠે?

    કોઈ જ્ઞાનીજન વધુ પ્રકાશ પાડી શક્શે?

  7. Pinki said,

    October 20, 2007 @ 3:45 PM

    “સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
    આ શાની અગન છે ? આ શાનો ધખારો ?”

    ‘યાદ’ ના સંદર્ભમાં બહુ સહજતાથી આ પ્રશ્ન યોગ્ય લાગે છે.

    વળી વળીને વારંવાર આવતી યાદ માટે કહી શકાય કે,
    “અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
    ફરી કોનાં પગલાં ? ફરી શો તમાશો ?”

    ધખધખતી રેતીને ખુલાસો મળે છે બરફમાંથી

    ” મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
    અરે ! પીગળી ક્યાં બરફની વખારો ?”
    બરફના લોકો તો થીજેલા જ હોય ને તો મારી ‘યાદ’ પણ
    થીજી ગઈ !!!

    અને હવે,
    હતી ચોતરફ બસ, સફેદી-સફેદી…
    અહીં ગોઠવી’તી મેં મારી જ લાશો.

    જીંદગીનો આ જ તમાશો ખરો
    જીવીને થાકતાં લાશો ગોઠવી તો
    પીગળવા માંડી બરફની વખારો !!

    અને આ લેણદેણ પૂરા થાય તો કહીએ કે
    અન્નજળ ઊઠ્યાં પણ

    માણસાઈના અન્નજળ તો ઊઠ્યાં નહિ ખૂટ્યાં કે,
    લાશ મૂકવા ય બરફ પણ ના રહ્યો….. ????????

    આ એક ‘અજ્ઞ’ની જુર્રત……..

    જેટલું સમજાયું એ લખ્યું !!!

    અને ભાષાકીય તો કદાચ બન્ને વપરાય છે ……….?!!

  8. ઊર્મિ said,

    October 22, 2007 @ 4:26 PM

    તારા અને રઈશભાઈનાં પાઠને લીધે મારું ધ્યાન જરૂર ગયું’તુ વિવેક… પણ હજી હું શિખાઉં ગણાઉં, એમ માનીને કાફિયાની ભૂલ તરફ આંગળી ના ચીંધી…

    બંને લખી શકાય કે નહીં એ વિશે તો ખબર નથી… પણ ગઝલનાં અંતે મનમાં અન્જળ વિશે પ્રશ્ન ચોક્કસ ઉઠ્યો હતો… કે આ ‘અન્જળ ઊઠયાં’ એવું પણ કહી શકાય??

    મને ખૂબ ગમી ગયેલો શેર…

    કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
    અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

  9. ઊર્મિ said,

    October 22, 2007 @ 4:27 PM

    કવિનું ‘ધખારો’ શબ્દ એક જ શેરનાં બંને મિસરામાં જુદા જુદા અર્થમાં વાપરવું… સાચ્ચે જ મજાનું લાગ્યું!

  10. shailesh pandya BHINASH said,

    November 27, 2007 @ 8:16 AM

    good……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment