બે ગઝલ – શયદા
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું ;
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર, હું પોતાને નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા બાદ મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું!
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઇ પંથે પડ્યો છું.
***
હૃદય-મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે;
મળી છે દૃષ્ટિ જોવા કાજ, ને આંખો રૂદન માટે.
ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાં એનો?
અનોખા તારલા છે એ, તું રહેવા દે ગગન માટે.
યુગે યુગેથી સકળ આ વિશ્વ એનું એ જ નીરખું છું,
હવે કોઇ નવી દૃષ્ટિ મને આપો નયન માટે.
સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
હૃદય મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી?
બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે.
તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
દયા મેં દેવની માગી , તો ઉત્તર એ મળ્યો ત્યાંથી –
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.
મને પૂછો, મને પૂછો – ફૂલો કાં થઇ ગયા કાંટા?
બગીચામાં તમે આવી ઊભાં છો, ગુલબદન, માટે.
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
– શયદા ( હરજી લવજી દામાણી )
જે જમાનામાં અરબી કે ફારસી શબ્દોથી અને ચીલાચાલુ વિષયોથી ગુજરાતી ગઝલો પ્રચૂર રહેતી તે જમાનામાં શયદા નવો પ્રવાહ લઇ ને આવ્યા હતા. ( કલાપી અને મણિલાલ નભુભાઇની ગઝલો સાથે આ બે રચનાઓને સરખાવીએ તો આપણને આ વાતની પ્રતીતિ થશે. ) ગુજરાતી ગઝલના આ મહાન પ્રણેતાને ‘ગઝલ સમ્રાટ’ યોગ્ય રીતે જ ગણવામાં આવે છે.
જ્યશ્રી said,
December 31, 2006 @ 3:02 AM
Excellent Dada… મજા આવી ગઇ…!! બંને ગઝલ ખુબ જ ગમી..!!
સુધારા કે કુધારા ધોઇ નાખ્યા અશ્રુધારાએ,
ઊભો થા જીવ, આગળ સાફ રસ્તો છે જીવન માટે.
તમે જે ચાહ્ય તે લઇ જાવ, મારી ના નથી કાંઇ,
તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે.
ધવલ said,
December 31, 2006 @ 10:53 AM
વિચારી વાંચનારા વાંચશે, ને સાફ કહેશે કે,
ગઝલ ‘શયદા’ ની સાદી સાવ છે, પણ છે મનન માટે.
– ખરી વાત !
wafa said,
January 1, 2007 @ 1:51 PM
pl.go to folowing url to read the gazals of shayda and and interesting article to read about him by late shree Jyotidra Dave(The great humerist og Guj. language)
http://bazmewafa.blogspot.com/2006_06_01_bazmewafa_archive.html