શબ્દોત્સવ – ૭: મુક્તક – મરીઝ
પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ,
શક્તિ ન હતી, અલ્પતા દેખાઈ ગઈ;
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.
*
જીવે તો અહીં સૌ છે ન કર એના વિચાર,
જોવું છે એ કે છે જનમ કે અવતાર;
મયખાનામાં યે સાચા શરાબી છે જૂજ,
મસ્જિદમાં યે છે સાચાં નમાઝી બે-ચાર.
*
શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.
-મરીઝ
ઊર્મિસાગર said,
December 12, 2006 @ 11:22 AM
આજના બધા જ મુક્તકો ખુબ જ સરસ છે.
દરિયાનું માપ કાઢવા, નાદાન નદી,
ગજ એનો લઈ નીકળી, ખોવાઈ ગઈ.
આ વાત તો ખુબ જ ગમી…
શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,
હાથે કરી તકદીરને તોડું છું હું;
માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,
તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.
…કેવું પડે, મરીઝસા’બની ખુમારીનું!
જયશ્રી કહે તેમ… લયસ્તરોની વર્ષગાંઠ વર્ષમાં માત્ર એક જ વાર કેમ આવે?
વધારે વાર આવવી જોઇએ… 🙂
જ્યશ્રી said,
December 13, 2006 @ 3:59 AM
મુક્તકોની ત્રણે પોસ્ટમાં એક જ અભિપ્રાય લખવો છે….
વાહ ઉસ્તાદ… મજા આવી ગઇ… !!
Pratik said,
August 30, 2008 @ 3:15 AM
અદભુત
sanket said,
August 18, 2009 @ 11:34 AM
mariz saab is the greatest….poet of all time. he elaborates the sorrow with ahidden joy