આ ડગમગતા શ્વાસોનો ટેકો થવા,
મરણ આવશે તે અટલ આવશે.
– અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સુધીર દવે

સુધીર દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ડરતો નથી હું – સુધીર દવે

દેખી કબરને ડરતો નથી હું.
શ્વાસો મરણના ગણતો નથી હું.

સાથી છે અંતે મૃત્યુની નગ્નતા,
વસ્ત્રો સમયના વણતો નથી હું.

ઇંટોની સાથે છે ભાઇબંધી,
ખોટી દિવાલો ચણતો નથી હું.

મારું ગગનને આપી દીધું છે,
પાંખો કપાવી ઉડતો નથી હું.

દર્પણથી આખું ઘર ઝળહળે છે,
ચ્હેરો બતાવી નડતો નથી હું.

દરિયાની સાથે દોસ્તી નિભાવી,
મરજીવા માફક તરતો નથી હું.

કાદવના ઘરમાં રહીને કમળવત્
ભમરાનું ગુંજન હણતો નથી હું.

લોકો ભલેને સીગરેટ ફૂંકે,
બંસી મહીં ધુમ્ર ભરતો નથી હું.

દુનિયા ભલે હો શતરંજનો ખેલ,
પાનાં છુપાવી છળતો નથી હું.

-સુધીર દવે

સપ્ટેમ્બર – 2006

ડલાસમાં રહેતા સુધીરભાઇ, કવિ હોવા ઉપરાંત સારા બંસીવાદક પણ છે, તે છેલ્લેથી બીજા શેરમાં જણાઇ આવે છે !

Comments (2)

નથી – સુધીર દવે

જે   છે  તે  છે,   ને  જે  નથી  તે  નથી.
નથીને છે કરવાનો વ્યર્થ કોઇ અર્થ નથી.

***

છે બધું, તત્ક્ષણ નથી,
કોઇને રક્ષણ નથી.

ઝાંઝવાને જઇ કહો,
તું નથી, હું પણ નથી.

સોનું ક્યાં સુંદર બને?
સાથ જો ઝારણ નથી.

વાત જે અધ્ધર કરે,
એ ખરો ચારણ નથી.

લોક તો કૈં પણ કહે,
વાતમાં કારણ નથી.

સત્યનું તો છે વજન,
એનું કૈં ભારણ નથી.

ભલ ભલો મનુષ્ય પણ,
કોઇનું તારણ નથી.

સુધીર દવે

ચાલીસ વર્ષથી ડલાસમાં સ્થાયી થયેલા શ્રી. સુધીર દવેના બે કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે – ‘પ્રયાસ’ અને ‘અનુભવ’. સુધીરભાઇ કવિ ઉપરાંત સારા ગાયક અને સંગીતજ્ઞ પણ છે.

Comments (4)