હરિગીત – રવીન્દ્ર પારેખ
હરિ, ચલો કે.જી. માં –
નાનામોટાં ટાબરિયાં આવ્યાં પ્હેલી, બીજીમાં –
હરિ, માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું,
એડમિશનમાં સ્કૂલો વાતેવાતે પાડે વાંકું,
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?
હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –
સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ,
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ,
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપૂંજીમાં –
હરિ, કરો કન્વેન્ટ નહીં તો ઢોર ગણાશો ઢોર,
કે.જી., પી.જી. ના કરશો તો કહેવાશો કમજોર,
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં –
હરિ, કહે કે કે.જી. કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા, કે.જી. નૈં તો વ્યર્થ ?
કે.જી. ના હો તો ય પલટતો મોહન, ગાંધીજીમાં.
-રવીન્દ્ર પારેખ
પહેલી નજરે રમત ભાસતા આ હરિગીતમાં રવીન્દ્રભાઈ સ્વભાવમુજબ કંઈ નવું અને તરત મનને અડે એવું લઈને આવ્યા છે. સ્કૂલોમાં ભણતરના નામે ફાલી નીકળેલા દૂષણોને ફક્ત દૂરથી અડી લઈને પણ એ મનને ભીનું અને હૃદયને બોજિલ કરી દે છે. ડોનેશન, મોડર્ન નામ, શેરી સંસ્કૃતિનો વિનાશ, ફાસ્ટ ફૂડ, સ્કૂલબેગનું વજન, યુનિફોર્મના જડતાભર્યા નિયમો, કન્વેન્ટનો આંધળૉ મોહ… શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે…
Denish said,
June 11, 2011 @ 3:29 AM
રવીન્દ્રકાકાનું સુન્દર હરિગીત !
“શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે… ” -ઉત્તમ અવલોકન વિવેકસર.
સાચે જ કાકાએ ગીતમાં શબ્દોને ચલક-ચલાણીની જેમ રમાડ્યા છે! પણ કાકા એક-એક શબ્દને અત્યંત ચીવટાઈથી પ્રયોજે !
દરેક બન્ધમાં એક-એક વૈશિશ્ટય .પહેલામાં સ્કૂલોની રીતિ-પદ્ધતિ પર તીવ્ર પ્રહાર તો બીજામાં મેગી, બેગી દ્વારા બાળકોની પ્રવર્તમાન આહાર-નીતિનો ઉલ્લેખ અને ‘ભાજી’ દ્વારા વિદુરની ભાજી ,ને ત્રીજામાં ભૌગોલિક દશ્ટિથી ‘ચેરાપૂંજી’નો ઉલ્લેખ !
થોડામાં ઘણું !