અંધની ગઝલ – ભગવતી કુમાર શર્મા
હા, બને ઘટનાઓ, પણ દૃષ્યો વગર;
ફૂલ મારાં ઊઘડે સૂર્યો વગર,
હું અવાજોની સપાટી પર તરું;
મારું પુસ્તક હોય છે પૃષ્ઠો વગર.
શ્વાસમાં છે ટેરવાંનું દળકટક;
પુષ્પને પામી શકું રંગો વગર.
સપ્તરંગી મારાં આકાશો નથી:
ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર.
એક નહિં, પણ સૂર્ય ડૂબ્યા બે ભલે:
રથ તો ચાલે છે અહીં અશ્વો વગર.
ક્યાં છે? શું છે? કોણ છે? કેવુંક છે?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર.
રંગ, રેખા, રૂપ, આકારોથી દૂર;
તોય હું જીવ્યા કરું સૂર્યો વગર.
આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?
– ભગવતી કુમાર શર્મા
Vihang Vyas said,
December 27, 2006 @ 3:27 AM
અરે વાહ્…….આબેહુબ અનુભૂતિની ગઝલ છે. આ ગઝલ માણીને મને ભાનુપ્રસાદ પંડ્યાનું
જાણીતું ગીત “…દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી..” સહજ યાદ આવી ગયું.
કયાં છે ? શું છે ? કોણ છે? કેવુક છે ?
જીવવાની ટેવ છે પ્રશ્નો વગર…..
વિવેક said,
December 27, 2006 @ 10:01 AM
અંધ વ્યક્તિની અનુભૂતિનું તાદ્દશ ચિત્રણ…. સુંદર ગઝલ…
ધવલ said,
December 27, 2006 @ 8:07 PM
આંખ પર છે કાળા સૂરજનો કડપ;
કિન્તુ ક્ષણ પણ ક્યાં વીતે સ્વપ્નો વગર?
સરસ !