પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2023

(મેલી સઘળી વેઠ) – નિશા નાણાવટી ‘નિશિ’

પળને મેલી, પહોરે મેલ્યા, મેલી સઘળી વેઠ,
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

આંખ્યું ભીની ટાંગી તડકે,
હૈયું નાખ્યું ભડભડ ભડકે;
હોઠ ભીડીને પાડી ચીસો,
સુક્કું રણ છાતીમાં ધડકે,
વ્હાલપની નદીયું ડૂબાડી ખારે સમદર ઠેઠ!
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

દસે દિશાને ભૂંસી નાખી,
મોસમ સઘળી ફૂંકી નાંખી;
રાખ તળે અંગાર સમી સૌ
તરસી સદીઓ થૂંકી નાખી,
ડૂસકાં ડૂમા કચડ્યાં પગને તળિયે સારી પેઠ.
સાતે દા’ડા સંકેલી, મેલ્યા ઓશીકા હેઠ…

– નિશા નાણાવટી ‘નિશિ’

કવિતા એટલે હિમશિલાની ટોચ- દેખાડે એના કરતાં નવ ગણું સપાટી નીચે હોય. બે પ્રિયપાત્રો વચ્ચે સમસ્યા સર્જાઈ છે. સંબંધવિચ્છેદ થઈ ચૂક્યો છે. શી સમસ્યા છે અને વાત વિચ્છેદ સુધી કેમ પહોંચી એ બાબતમાં કવયિત્રી મૌન છે. પણ એટલું સમજાય છે કે અનેકાનેક કોશિશો બાદ નાયિકાએ હવે સંજોગો સામે ન માત્ર સમાધાન સાધી લીધું છે, પણ કૃતનિશ્ચયીપણું પણ જાહેર કર્યું છે. અઠવાડિયાના સાતે દહાડા ને દિવસના આઠે પહોર અને પળેપળની પ્રતીક્ષાને કાયમી તિલાંજલિ દઈ એણે ઓશીકા હેઠે મેલી દીધી છે. ધ્યાન રહે, ફેંકી નથી દીધી, પણ પોતાના માથાની સાવ નજીક ઓશીકા હેઠે મૂકી રાખી છે. આખરે તો સ્ત્રી છે. એનો મક્કમમાં મક્કમ નકાર કે અહમ પણ પ્રેમ સાંપડતો હોય તો એ જતો કરી શકે છે. પુરુષ આવું ભાગ્યે જ કરી શકે.

આંસુઓ તડકે સૂકવવા નાંખ્યાં છે, હૈયું ફૂંકી નાંખ્યું છે, કોઈ સાંભળી ન શકે એવી ચીસો પાડી છે અને છાતીમાં વેરાન વ્યાપી ચૂક્યું છે. વહાલની મીઠી નદીઓને ખારા આંસુઓના સાગરમાં એવી ડૂબાડી દીધી છે કે હવે ન તો એ નદીઓ ફરી કદી જડશે, કે ન તો એ મીઠાશ પુનઃ સાંપડશે. દિશાઓ કે ઋતુચક્ર –બધાં પોતાના સંદર્ભ ગુમાવી ચૂક્યાં છે. ઉપર ભલે રાખ પથરાયેલી લાગે, પણ તળે તો હજી અંગારા જેવી સદીઓની પ્યાસ અને પીડા ભડભડી રહ્યાં છે. નાયિકાએ જો કે અણગમતી વસ્તુની પેઠે એને થૂંકી દીધી છે. પગ તળે તમામ ડૂસકાં-ડૂમા સારી પેઠે કચડી નાંખ્યા છે. ખબરદાર જો, હવે આંખ ભીની થઈ છે તો!

Comments (4)

(તકિયા કલામ છે) – અંકિત ત્રિવેદી

સાથે રહ્યો છું તારી, આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત્ પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે!

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

– અંકિત ત્રિવેદી

ગઝલનો મત્લા વ્યંગ્યોક્તિની પરાકાષ્ઠાએ ઊભો છે. પ્રિયજનની સાથે રહેવાને લઈને શું દબદબો નસીબ થયો, તો કે’ ચોવીસે કલાકનાં આંસુ. શ્વાસોચ્છ્વાસની દેહધાર્મિક ક્રિયાને પણ કવિએ કેવી નજાકતથી શેરમાં વણી લીધી છે! આખી ગઝલ જ મનનીય થઈ છે.

Comments (4)

(થાકની અસર તારી) – રઈશ મનીઆર

રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.

દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.

આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.

તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.

તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..

જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.

– રઈશ મનીઆર

લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!

Comments (17)

ગાલિબના જન્મદિને – ઉદયન ઠક્કર

આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:

ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના

(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)

જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.

તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના

(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)

એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!

શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા

(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)

મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.

ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?

ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’

-ઉદયન ઠક્કર

( સૌજન્ય – ઉદયન ઠક્કર )

Comments

(હવાની લિપિ ઉકેલું છું) – નયન હ. દેસાઈ

સાવ ખાલી રમત છે… ખેલું છું,
આ હવાની લિપિ ઉકેલું છું.

આવ, તડકા મને તું ઘેરી લે,
એક પડછાયો તરતો મેલું છું.

હાથ ધ્રુજે કોઈ અજાણ્યાનો,
બારણું એમ ઘરનું ઠેલું છું.

પાંપણોમાં પુરાઈ તવ યાદો,
સ્વપ્નનગરી મહીં ટહેલું છું.

સાંજ દીવાલ છે પ્રતીક્ષાની,
જૂઈની મ્હેકને અઢેલું છું.

– નયન હ. દેસાઈ

હળવે હાથે ખોલતા જાવ… અને ખોવાઈ જાવ કવિતાની કુંજગલીમાં…

Comments (1)

ઝાલર વાગે જૂઠડી – વિનોદ જોશી

ઊભાં ગોરાંદે અધવચ ઉંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી,
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.

આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.

નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચાં લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.

ધીમે ધીમે રે નખ ઓગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂબ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.

– વિનોદ જોશી

વિનોદ જોશીના ગીતો એકીસાથે બે અલગ સ્તરે વિચરણ કરે છે. એક તો, લયાવર્તનોના વૈવિધ્ય અને ભાષા પરની પકડના કારણે એમનાં ગીત સમજાય એ પહેલાં તો ભાવકના હૈયે વસી જાય છે. લયનો કાન પકડીને ધારી ઊઠબેસ કરાવવાની કળા હસ્ત અને હૈયાગત હોવાથી એમના ગીતોનો લયનાદ અલગ તરી આવે છે. ગીતસ્વરૂપ વૈવિધ્યને એક સ્તર ગણીએ તો એમનાં ગીત અર્થગર્ભના અલગ સ્તરે પણ સમાંતર ગતિ કરતાં જણાય છે. યોગ્ય ભાવકસજ્જતા વિના આ અર્થસંકુલ ગીતો તરત હાથ આવતાં નથી. તાત્ક્ષણિક ભાવાનુભૂતિ અને પછીથી અર્થાનુભૂતિ એ કવિનો વિશેષ છે. પ્રસ્તુત રચના પણ કવિની લયસિદ્ધિની દ્યોતક છે. દોઢ પંક્તિની દરેક કડીમાં લયના ત્રણ અલગ આવર્તન અનુભવાય છે, જે ગીતને સતત આરોહ-અવરોહમાં રમતું રાખે છે.

સ્વરૂપવાન નાયિકા ઉંબરે ઊભાં છે. ઉંબરો તો આમેય ઘર અને બહાર વચ્ચેની ક્ષિતિજરેખા જ છે, છતાં કવિ અધવચ ક્રિયાવિશેષણ ઉમેરીને નાયિકાની ‘ન ઘરના-ન ઘાટના’વાળી સ્થિતિને અધોરેખિત કરે છે. ઝાલરનું વાગવું આ ‘અધવચ’ને વધુ અસરદાર બનાવે છે. દિવસ અને રાતની અધવચનો સંધ્યાકાળ એટલે ઝાલરટાણું. ઝાલર વાગે છે, નાયિકા રાહ જોઈ રહી છે પણ મનનો માણીગર દેખાતો નથી. બનવાજોગ છે કે જનારો ઝાલરટાણે આવી જવાના કૉલ દઈ ગયો હોય એટલે, જૂઠો દિલાસો દેતી ઝાલરને કવિ જૂઠડી વિશેષણથી નવાજે છે. દિવસની જેમ જ દીવડાની જ્યોત પણ ઝાંખી પડી રહી છે અને નિરાશાનાં ઘનઘોર અંધારાં ઘેરી વળ્યાં છે. અંધારા માટે કવિએ ‘ઊભાં’ ક્રિયાપદ પ્રયોજ્યું છે, જે અંધારાની અચલતા પણ નિર્દેશે છે. આ અંધારાં હવે દૂર થવાનાં નથી. હતાશ સ્ત્રીના અનવરત વહેતા આંસુઓના ઘોડાપૂરમાં આખરે સુહાગનું સિંદૂર પણ ધોવાઈ જવાની પીડાનું કરુણગાન કવિએ ગજબ કમનીયતાથી રજૂ કર્યું છે.

Comments (2)

તો સારું – રીનલ પટેલ

જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું

બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.

જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.

હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું

જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.

સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.

– રીનલ પટેલ

લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.

એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.

Comments (6)

વાત રંગની છે – ચંદન યાદવ

વાત કપડાંની નથી –
વાત રંગની છે

હું ઘણીવાર કપડાં ધોઉં છું
અમુક કપડામાંથી રંગ નીકળે છે
આપણે કહીએ છીએ કે
રંગ કાચો છે.

પણ એ રંગ સાથે રહેલા બીજા કપડામાં લાગી જાય છે
એવો કે સાલ્લો નીકળે જ નહીં
જાણે કે રંગને હવે એ નપાવટ મળ્યું
કે જેના પર એને લાગવું હતું.

રંગ કાચા નથી હોતા
આપણને જે કાચા લાગે છે
એમને સાચું પાત્ર નથી મળ્યું હોતું
કે જેના પર સરખું લાગી શકાય

વ્હેલા મોડા આપણને પણ પોતાનો રંગ મળશે
ને જ્યારે એ મળશે ત્યારે એ છૂટશે નહિ

– ચંદન યાદવ (ભાવાનુવાદ : યાજ્ઞિક વઘાસિયા)
(સૌજન્ય – ટહુકો.કોમ )

 

એટલી સ્પષ્ટ કવિતા છે કે અર્થ સીધો કાળજે ભોંકાય છે….

Comments

પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

પ્રેરણાપુંજ : ૦૯ : દુ:ખનું કેટલું જોર? – રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.

– રાજેન્દ્ર શાહ

કયા ધોરણમાં એ તો યાદ નથી, પણ શાળામાં આ કવિતા ભણવામાં આવી અને ગમી ગઈ. એ સમયે તો ગુજરાતી વાચનમાળામાં હોય એટલી કવિતાઓ કંઠસ્થ કરી લેવાની આદત હતી. પાછળથી આ કવિતા અજિત-નિરુપમા શેઠની કેસેટ મારફતે ફરી રૂબરૂ થઈ. મને ખ્યાલ પણ ન આવે એ રીતે આ કવિતાએ જીવનમાં ઘણીવાર ટેકો કર્યો છે. માર્ગ સૂઝતો ન હોય, આગળ અંધારા સિવાય કશું નજરે ન ચડતું હોય ત્યારે-ત્યારે આ કવિતાએ ‘સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર’ બનીને ‘અરુણ ભોર’ પ્રગટશે જ એ બાબતે હૈયાધારણા આપી છે. આજે તો ‘ગરમાળો’ અને એની ‘તાપ વધુ-ફૂલ વધુ’ની તાકાત મારી નસોમાં વહેતું રુધિર બનીને વહે છે, પરંતુ જ્યારે હું ગરમાળાના વૃક્ષથી બિલકુલ અપરિચિત હતો એ સમયે ‘આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર’ મારા જીવનનો તકિયાકલામ બન્યો હતો. વેદની ઋચાની જેમ આ પંક્તિ મારા અસ્તિત્વમાં રણકતી આવી છે, રણકે છે અને રણકતી રહેશે… આ કવિતાએ મને ‘પોઝિટિવિટી’ શીખવી છે. કવિતાને અને કવિને મારી સો સો સલામ!

Comments (4)

પ્રેરણાપુંજ : ૦૮ : એકલો જાને રે! – રવીન્દ્રનાથ ઠાકુર (અનુવાદ–મહાદેવભાઈ દેસાઈ)

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …

જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …

જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !

  • – રવીન્દ્રનાથ ઠાકુર
    ( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )

પ્રેરણાદાયી કાવ્યોની વાત હોય અને આ કાવ્ય ન હોય એમ બને ???
ચીલો ચાતરનારાઓનું તો આ જીવનકાવ્ય કહી શકાય ! કંઈ કેટલીય વખત આ કાવ્યએ હિંમત આપી છે….

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૭ : ધૂળિયે મારગ – મકરન્દ દવે

કોણે કીધું ગરીબ છીએ?
કોણે કીધું રાંક?
કાં ભૂલી જા મન રે ભોળા!
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું?
એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત!

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ!

– મકરંદ દવે

મારા માટે ‘‘પ્રેરણાપુંજ- રાહ ચીંધતી કવિતાઓ” કઈ એમ કોઈ સવાલ કરે તો મારા કેટલાક જવાબોમાંનો એક તે આ કવિતા. બહુ નાનો હતો ત્યારે અભ્યાસક્રમમાં આ રચના સાથે મુલાકાત થઈ હતી. જે સમયે જીવન કે કવિતા –બંનેમાં બહુ ઊંડી સમજ નહોતી પડતી એ સમયે પણ આ કવિતા ખૂબ વહાલી થઈ ગઈ હતી. એટલા સરળ શબ્દોમાં અને નાના-નાનાં વાક્યોમાં ચુસ્ત પ્રાસાવલિ સાથે કવિતા રચાઈ છે કે સહેજેય પ્રયત્ન કર્યા વિના જ આખી રચના કંઠસ્થ થઈ ગઈ હતી. આજેય ચાર બંધ તો કોઈ અડધી રાતે ઊંઘમાંથી ઊઠાડીને બોલવા કહે તોય કડકડાટ બોલી શકું. બાળકાવ્યમાં હોવી ઘટે એવી સરળતા સાથે આવું અદભુત ગીત રચવું એ કંઈ નાનુસૂનું કવિકર્મ નથી.

આ કવિતા મને રાહ ચીંધતી કવિતા લાગે છે એનું બીજું કારણ એ કે આ કવિતા સાચા અર્થમાં જીવતો એક માણસ મારી જિંદગીમાં હતો. જિંદગીનો બહુ મોટો હિસ્સો મેં એ માણસની સાથે વિતાવ્યો છે. એ માણસ તે મારા પપ્પા. ‘પૈસો હાથનો મેલ’ હોવાની વિભાવના એમણે ખરેખર ચરિતાર્થ કરી બતાવી હતી. પોતે લાખ તકલીફોમાં કેમ ન હોય, પણ મદદ માંગવા આવનાર કદી ખાલી હાથે ન જાય એનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. એમની આ દાતારવૃત્તિનો ઘરમાં પુષ્કળ વિરોધ થતો હોવા છતાં એમણે આ સખાવતને કદી તાળું માર્યું નહોતું. આ મદદ કેવળ પૈસાની જ નહીં, તમામ પ્રકારની. આજે તો પપ્પા નથી, પણ મને ખુશી છે કે એમની કનેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી હું મેળવી શક્યો છું. એમની જેમ હું દરેકને મદદ કરતો ફરતો નથી, પણ પૈસાની બાબતમાં હાયવોય ન કરવાનું હું એમની પાસેથી શીખ્યો છું. ધન બાબતે એમની પાસેથી વારસામાં મળેલી સંતોષવૃત્તિના કારણે રાત મારે પડખાં બદલીને પસાર કરવી નથી પડતી. આ કવિતા મારા માટે પ્રેરણાપુંજ છે, કારણ આ કવિતા મને મારા પપ્પા સાથે મુલાકાત કરાવે છે.

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૬ : એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

ફરી એકવાર – કાવ્ય મુકવાનું કારણ અંગત….. – લગભગ ચોથા ધોરણમાં આ કાવ્ય ભણવામાં આવ્યું હતું અને જીવનમાં કાવ્યપ્રકાર માટે અનુરાગ જગાડનારા કાવ્યોમાંનું આ એક.

ઘા માત્ર શરીરના નથી હોતા. સૌથી ગહેરા ઘા માનવીના શબ્દો અને માનવીનું આચરણ કરતા હોય છે. હું પોતે જ એ અપરાધ વારંવાર કરતો આવ્યો છું – અસંખ્ય ઘા મેં ઘણાને કીધા છે. પાછળથી પારાવાર પસ્તાવો પણ થયો છે….. પણ….સમયના ચક્ર કદી ઊંધા ફરતા નથી અને કરેલાં ઘા કદાચ રૂઝાઈ ગયા હોય તોપણ નિશાન રહી ગયા છે….ગુમાવેલો વિશ્વાસ લૌટીને પાછો આવતો નથી…..અને મનમાં આ કાવ્યનું અંકિત ચરણ પડઘાયા કરતું રહે છે-

રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

આ પંક્તિએ મને અનેકવાર કોઈને ઝખમી કરી દેતા અટકાવ્યો છે 🙏🏻🙏🏻

 

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૫ : પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ

હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
કહો, કુંતાની છે એ આણ
પાર્થને કહો ચડાવે બાણ

ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી
કીધાં સુજનનાં કર્મ
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ
સજીવન થાય પડ્યાયે પ્હાણ
પાર્થને કહો ચડાવે બાણ

દ્રૌપદીની હજી વેણ છૂટી છે
રાજસભાના બોલ
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ
પાર્થની પ્રત્યંચાને વાણ
પાર્થને કહો ચડાવે બાણ

મેહુલો બોલે, વાયુ હુંકારે
ત્યમ તલપો સિંહબાળ
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ
સજો શિર વીર ! હવે શિરત્રાણ
પાર્થને કહો ચડાવે બાણ

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

વિધિનાં એ જ મહાનિર્માણ
પાર્થને કહો ચડાવે બાણ

– ન્હાનાલાલ

આ વીરરસનું કાવ્ય અહીં પ્રેરણાકાવ્યોના સંપુટમાં શીદને ? – જવાબ થોડો અંગત છે –

ઘણી વેળા જીવનમાં એવો ત્રિભેટો આવ્યો છે કે સંઘર્ષના રસ્તે જવું કે સમાધાનના તે સમજાય નહીં…..વળી જ્યારે સમાધાનના રસ્તે જવાની કિંમત એ હોય કે અપમાનના ઘૂંટડા ગળવા પડે,સ્વ-હાનિ અથવા પ્રિયજનોની હાનિ સહેવી પડે,ઘોર અન્યાય સહેવો પડે….-આવી આકરી કિંમત હોય. મ્હાંયલો કહેતો હોય કે આ નહીં જ સહન થાય, સંઘર્ષ કર ! પરંતુ સંઘર્ષના રસ્તે પણ ઓછો હાહાકાર ન દીસતો હોય…ઓછો સાર્વત્રિક વિનાશ અનપેક્ષિત ન હોય – ત્યારે શું કરવું ? –

ત્યારે આ કાવ્યનું આ ચરણ હંમેશા હૈયે ગુંજ્યું છે –

નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ
ઊગે જો ! નભ નવયુગનો ભાણ
પાર્થને કહો ચડાવે બાણ

Comments (1)

પ્રેરણાપુંજ : ૦૪ : ઘણ ઉઠાવ -સુન્દરમ્

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.

ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !

અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.

તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.

ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

– ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’ (૬ જૂન, ૧૯૩૪)

જેમ સંપૂર્ણપણે ખાલી થવું એ નવેસરથી ભરાવા માટે જરૂરી હોય છે એમ ક્યારેક નવું સર્જન કરવા માટે પણ પ્રથમ જૂનું વિસર્જન કરવું પડે છે. સામાજિક અને આંતરિક વિષમતાની સામે પડકાર ફેંકી જીર્ણ થયેલી જડતાને સમૂળગી દૂર કરવા માટે કવિ પોતાની જ ભુજાનું ઘણ જેવા હથિયાર સહિત આવાહન કરે છે, કે જેથી ઘણું બઘુંને ઊંડે સુધી ઘા કરી તોડીફોડી એનું વિસર્જન કરી શકે… અને ફરી એ જ ઘણથી ટીપી ટીપીને નવો ઘાટ આપી એનું નવસર્જન કરી શકે.  આ કવિતાએ તે સમયે આઝાદી પહેલાની ગુલામીથી ટેવાઈ ગયેલા કેટલાયે જણનાં માનસને ક્રાંતિકારી બનવા માટે નવસર્જનની પ્રેરણા અને પ્રેરકબળ પૂરું પાડ્યું હશે!

રઈશ મણિઆરઃ આ ગીત નથી. પૃથ્વી છંદમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશાળી પઠન માટે છે. છેલ્લી બે પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં છે.

Comments (1)

પ્રેરણાપુંજ : ૦૩ : અંદર તો એવું અજવાળું -માધવ રામાનુજ 

અંદર તો એવું અજવાળું, અજવાળું
સળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખેય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું

– માધવ રામાનુજ

ખરી પ્રેરણા અને જીવંદિશા પ્રાપ્ત કરવા બહાર ક્યાંય ફાંફા મારવાની કોઈ જરૂર નથી. આપણો ગુરુ, આપણી પ્રેરણા, આપણું અજવાળું આપણી અંદર જ વિદ્યમાન છે. અજવાળાનો ઈતિહાસ નક્કી અંધારું જ હોવું જોઈએ. અંધારા વિના અજવાળાની ઓળખ હોઈ શકે?! પછી એ અંધારું-અજવાળું બહારનું હો કે અંદરનું. ઘોર નિરાશા-હતાશા કે દારુણ દુઃખનું અંધારું ભલે બહારના કારણથી આવ્યું હોય પણ એ પ્રગટે છે અંદરથી જ.  અને એને દૂર કરનારું પ્રેરણાપુંજરૂપી અજવાળું પણ બહાર ક્યાંય નથી હોતું, આપણી ભીતર જ હોય છે. આપણી ભીતરનો ફાયર ઓફ ડિઝાયર જો પ્રબળ હોય તો એ બીજાના અંધારાને દૂર કરનાર સ્પાર્ક પણ બની શકે છે.

હસ્તાક્ષર આલ્બમમાં શુભા જોષીનાં અવાજમાં શ્યામલ-સૌમિલનાં સંગીતમાં આ અજવાળું જાણે આપણા કાનને સ્પર્શતું હોય એવું લાગે છે.  ભીતરનાં આ અજવાળાની અનુભૂતિ માણો, ટહુકો.કૉમ પર.

Comments (1)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

પ્રેરણાપુંજ : ૦૧ : અંતર મમ વિકસિત કરો – રવીન્દ્રનાથ ટાગોર

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગૃત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર
(મૂળ બંગાળી પાઠ અહીં ગુજરાતી લિપિમાં મુક્યો છે. મોટા ભાગના શબ્દો સરખા છે એટલે ગુજરાતી જાણતો માણસ તરત સમજી શકે એમ છે. નિરલસ=આળસ વિનાનું, સબાર=સૌના, બંધ=બંધન, છંદ=લય, નિઃસ્પંદિત=સ્થિર, અવિચળ)

*

હે અંતરતર (ભીતરથી વધુ ભીતર) મારા અંતરને
વિકસિત કરો. નિર્મલ ઉજ્જવલ કરો.
જાગ્રત કરો, કામકાજમાં પ્રવૃત્ત કરો, નિર્ભય કરો.
મંગલ, આળસ વિનાનું, સંશયરહિત કરો.
સર્વ સાથે એને જોડી, એનાં બંધન છોડો.
મારા સકલ કર્મોમાં તમારા શાંત લયનો સંચાર કરો.
તમારાં ચરણકમળમાં મારું ચિત્ત હાલ્યાચાલ્યા
વગર લીન થાય એમ કરો,
એને આનંદિત આનંદિત કરી મૂકો.

– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ ઉમાશંકર જોશી)

ગુજરાતીમાં એટલી બધી પ્રેરણા આપતી કવિતાઓ છે જે તમને જિંદગી જીવવાનો અને જીતવાનો રસ્તો બતાવે. આ બધી કવિતાઓમાંથી કઈ પસંદ કરવી એ મૂંઝવણનું કામ છે. એટલે કવિતાની પસંદગીમાં મેં દુષ્યંતકુમારની સલાહને અનુસરવાનું નક્કી કર્યું છે: मैं जिसे ओढ़ता-बिछाता हूँ / वो ग़ज़ल आपको सुनाता हूँ. જે કવિતા મારી જિંદગીમાં ખરેખર કામ લાગી છે એ જ હું અહીં મુકું છું.

આજની કવિતા ખરું કહું તો મને વારસામાં મળેલી કવિતા છે. રવીન્દ્રનાથ ટાગોરે લખેલી આ કવિતા મારા પપ્પાની અતિ પ્રિય કવિતા. અને એમના થકી આ કવિતાનો પ્રેમ મને વારસામાં મળેલો. રવિબાબુ તો કવિઓના ય કવિ અને આ વળી એમની ય શ્રેષ્ઠ રચનાઓમાં એક.

આ કવિતામાં પોતાની જાતને ઉન્નતિના ઊંચા સોપાન પર કેવી રીતે લઇ જવી એના બધા પગલાં સમાવી લીધા છે. કવિ પોતાની જાતને નિર્મળ, ઉજ્જવળ, સુંદર, જાગૃત, ઉદ્યમી, નિર્ભય, મંગળ, આળસથી ઉપર અને સંશયથી રહિત કરવા માગે છે. પોતાની જાતને (સ્વાર્થના) બંધનમાંથી છોડીને સકળ વિશ્વ સાથે જોડવા ચાહે છે. પોતાના બધા કર્મમાં ‘અંતરતર’ના શાંત લયનો છાંયો ઈચ્છે છે અને એના જ પગે ચિત્તની સ્થિરતાને પામવા માંગે છે. આ સ્થિતિ છે છલોછલ આનંદની સ્થિતિ !

સરળ ભાષામાં આ ગીત આખી જિંદગીને ઉલ્લાસપૂર્ણ અને સાર્થક કરી નાખવાનો કીમિયો બતાવી દે છે. પ્રેમ, પવિત્રતા અને પુરુષાર્થ ત્રણેનું અહીં એકસાથે આવાહન છે.

છેલે એક વાત ‘અંતરતમ’ શબ્દ માટે. અંતરતમ શબ્દનો શાબ્દિક અર્થ થાય ‘અંતરનીય અંદર વસેલું’. એનો સામાન્ય અર્થ ઈશ્વર થાય (એ અર્થમાં આ પ્રાર્થના છે ) પણ એનો બીજો અર્થ પ્રિયજન (એ અર્થમાં આ ઉન્નત પ્રેમગીત છે) કે પછી પોતાનો આત્મા (એ અર્થમાં આ સ્વયંસિધ્ધિનું બુલંદ ગીત છે ) પણ લઇ શકાય.

Comments (2)

લયસ્તરોની ઓગણીસમી વર્ષગાંઠ પર…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ આરંભાયેલી આ કાવ્યયાત્રાને આજે ઓગણીસ વર્ષ પૂરાં થયાં એ અમારા માટે નાનીસૂની વાત નથી. સૉશ્યલ મિડિયાના અતિક્રમણ સામે અમે હજી ટકી રહ્યા છીએ એનો આનંદ છે. એક તરફ કવિતા અમને પ્રાણવાયુ પૂરો પાડી રહી છે, તો બીજી તરફ સર્જકો તથા ભાવકોનો અખૂટ સ્નેહ ચાલકબળ પૂરું પાડી રહ્યો છે. પ્રતિદિન પાંચસોથી વધુ મુલાકાતીઓ લયસ્તરોની મુલાકાત લે છે અને દરેક મુલાકાતી સરેરાશ પ્રતિદિન ત્રણથી-ચાર પાનાં ઉથલાવે છે. અને છેલ્લા ચાર વરસથી આ આંકડામાં એકધારી વૃદ્ધિ નોંધાઈ રહી છે. વરસમાં એકવાર આ આંકડા તરફ ધ્યાન આપીએ ત્યારે સમજાય કે ગુજરાતી કવિતાના અહર્નિશ પ્રેમીઓ અમારા સિવાય પણ અનેક છે. જીવે કવિતા! જીવે ગુજરાતી!

છેલ્લા ઓગણીસ વરસમાં અમને અગિયારસોથી વધુ કવિઓની ચોપ્પનસોથી વધુ કવિતાઓને ચાહવા મળી છે, એથી વિશેષ સદભાગ્ય બીજું શું હોઈ શકે! આ કવિતાઓનો અમારા ઘડતરમાં અમૂલ્ય ફાળો છે. આ કવિતાઓ અને કવિઓના અમે સદૈવ ઋણી રહીશું.

વળી, કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના કદી શક્ય જ નહોતી…. આપ સહુનો આવો જ પ્રેમ અમને આ જ રીતે સદાકાળ મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો

દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અનૂઠું પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે –
પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ… એવી કવિતાઓ જે જિંદગી જીવવાનું બળ પૂરું પાડે. વિલિયમ અર્નેસ્ટ હેન્લીની ‘ઇન્વિક્ટ્સ’ નામની નાનકડી કવિતાએ નેલ્સન મંડેલાને સત્તાવીસ વર્ષના કારાવાસમાં ટકી રહેવાનું બળ પૂરું પાડ્યું હતું. કેવી મોટી વાત! લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે આવી જ પ્રેરણાદાયી કવિતાઓ પીરસવાના છીએ… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

Comments (13)

(આંધણ છીએ જાણે!) – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

“વાહ વાહ અને વાહ!

‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

Comments (10)

અજવાળું – ચંદ્રવદન ચી. મહેતા

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

તરતું, સરતું, ઝરતું, નીકળ્યું, ભવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યું ઘરમાં ક્યાંક ભરાણું જી

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

પંચામૃતની મટકી ઘૂંટી, મટકીમાં બંધાણું જી
જાતું પાછું જ્યાંથી આવ્યું, ભેદ ન એનો જાણું જી

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

અજવાળું એ આપ અનોખું, નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં ઊકલે એ ઉખિયાણું જી

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

– ચંદ્રવદન ચી. મહેતા

મધ્યયુગીન ભજનપરંપરા અને આધુનિક ગીતના સંધિસ્થળે ઊભેલી રચના. આત્માના ચેતનપુંજની આ વાત છે. જ્યોતિ જ્યાંથી આવી છે, ત્યાં જ ભળી જવાની છે. પણ આ આવન-જાવનની વચ્ચે એ થોડો સમય પંચમહાભૂતની બનેલી કાયામાં બંધાય છે. આત્મા પરમ-આત્મામાં ભળે એ જ આ ઉખાણાંનો ઉકેલ છે. કવિના ‘કેમ કરી સંભાળું’નો જવાબ પણ આ જ છે.

Comments (8)