લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
વિવેક મનહર ટેલર

(થાકની અસર તારી) – રઈશ મનીઆર

રસ્તો તારો, ન આ સફર તારી,
માત્ર છે થાકની અસર તારી.

દૃશ્યો તારાં છે એવું તેં માન્યું,
છે હકીકતમાં બસ નજર તારી.

આ સમય જે વહે છે, તારો નથી;
તું તો પામ્યો છે બસ ઉંમર તારી.

તું તો શાયર છે, તારું દર્દ અમાપ!
આહ નીકળે છે માપસર તારી.

તું સમંદર નથી, ભલેને નથી!
છે સમંદરમાં એક લહર તારી..

જાણું છું, તું પતંગિયું છે ‘રઈશ’,
કોઈ બેઠું છે પાંખ પર તારી.

– રઈશ મનીઆર

લાખ અવરોધ અને નાકચડામણાં છતાં ગઝલ ઝડપભેર તમામ કાવ્યપ્રકારોને અતિક્રમીને આગળ નીકળી ગઈ એનું એક કારણ તે ઓછામાં ઓછા શબ્દોમાં ઊંડામાં ઊંડી વાત કહી શકવાની એની ખાસિયત અને બીજું તે શીઘ્ર પ્રત્યાયનક્ષમતા. આ ગઝલ જુઓ. નાની બહેરમાં કવિએ કેવું ઉંચેરું ખેડાણ કરી બતાવ્યું છે! આખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે, પણ આપણે કેવળ મત્લાની જ વાત કરીએ. નથી રસ્તો આપણે બનાવેલો, નથી મંઝિલ આપણું સર્જન. આપણે માનીએ છીએ કે આપણે સફર ખેડી રહ્યાં છીએ, પણ હકીકતમાં એ મુસાફરી પણ આપણા પૂર્ણાખ્ત્યારમાં નથી. થાકી જવાની એકમેવ ઘટના એ જ આપણું ખરું કર્તૃત્વ. આ રસ્તા અને સફરને સ્થૂળ અર્થમાં પણ લઈ શકાય અને જન્મથી મરણ વચ્ચેની યાત્રા તરીકે પણ ગણી શકાય. ચંદ શબ્દોની ઈંટ લઈને બે મિસરાની દીવાલો ઊભી કરી કવિ શેરિયતનું મજાનું મકાન સર્જી બતાવે ત્યારે બે’ક ઘડી સફરનો થાક ભૂલીને રેનબસેરા કરવાનું મન ન થાય?!

17 Comments »

  1. દીપક પેશવાણી said,

    December 28, 2023 @ 11:48 AM

    વાહ વાહ

  2. રિયાઝ લાંગડા (મહુવા) said,

    December 28, 2023 @ 11:49 AM

    વાહ!

  3. Yogesh Samani said,

    December 28, 2023 @ 12:06 PM

    ખૂબ સરસ ગઝલ.👌

  4. Yogesh Samani said,

    December 28, 2023 @ 12:08 PM

    વાહહહહ. ઉમદા ગઝલ.

  5. સંજુ વાળા said,

    December 28, 2023 @ 12:38 PM

    સરસ ગઝલ
    કવિને સુકામનાઓ
    અભિનંદન

    આપ સૌ મિત્રો લયસ્તરો દ્વારા ગુજરાતી કવિતા માટે ઉમદા કાર્ય કરો છો.
    ધન્યવાદ
    🌹

  6. Kamlesh said,

    December 28, 2023 @ 1:05 PM

    ખૂબ જ સરસ.. ઉમદા 👌👌👌👏👏

  7. રાજેશ હિંગુ said,

    December 28, 2023 @ 2:22 PM

    વાહ… ખૂબ સરસ

  8. Jayesh Kelar said,

    December 28, 2023 @ 3:19 PM

    વાહ વાહ!!
    ઉમદા ગઝલ

  9. Premal shah said,

    December 28, 2023 @ 5:36 PM

    Superb 👌🏻👌🏻

  10. SHRIDEVI SHAH said,

    December 28, 2023 @ 10:25 PM

    !માનવી કેટલો પામર છે!! પરમ સામે..એની પાસે મધ્યમ વર્ગ જેવી મર્યાદિત સત્તા,મર્યાદિત સુખ અને મર્યાદિત શ્વાસ.. વાહ..પરમની સત્તાનું અને માનવીની પામારતા નું અદભૂત વર્ણન… વાહ..

  11. DILIPKUMAR CHAVDA said,

    December 29, 2023 @ 2:49 PM

    તું સમંદર નથી, ભલેને નથી!
    છે સમંદરમાં એક લહર તારી.

    કેટલી અદ્ભુત વાત
    ભઈ વાહ…

  12. Dr.Dinesh Modh said,

    December 29, 2023 @ 4:25 PM

    Nice Dr good job

  13. Prutha Mehta Soni said,

    December 29, 2023 @ 6:26 PM

    ખૂબ આદરસહ અભિનંદન આ ઊંચેરી રચના, રઈશ સરની ગઝલને ગુજરાતમાં પ્રચલિત કરવાની સફળ પ્રવૃત્તિ અને લયસ્તરોની ઉમદા કાવ્યાસેવા બદલ આપને.

  14. Aasifkhan said,

    December 30, 2023 @ 11:29 AM

    વાહ કયાબાત
    સરસ ગઝલ

  15. નિલમ રૉય said,

    December 31, 2023 @ 10:34 AM

    ના રંગ તારો છે પાંખે ચોંટેલો
    ના લંબાઈ આ જિંદગીની તારી,
    સફર તો છે બસ એક ઓટલો
    બેસ, થોડી વાર છે હજી શ્વાસ ખૂટવાની.

  16. નિલમ રૉય said,

    December 31, 2023 @ 10:37 AM

    વાહ જીવનની વાસ્તવિકતા અભિનંદન 🎀
    ના રંગ તારો છે પાંખે ચોંટેલો
    ના લંબાઈ આ જિંદગીની તારી,
    સફર તો છે બસ એક ઓટલો
    બેસ, થોડી વાર છે હજી શ્વાસ ખૂટવાની.

  17. રશ્મિ અગ્નિહોત્રી said,

    March 2, 2024 @ 1:51 PM

    વાહ, ખૂબ સુંદર ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment