ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(આંધણ છીએ જાણે!) – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘

આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:

“વાહ વાહ અને વાહ!

‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

10 Comments »

  1. Jayant Dangodara said,

    December 2, 2023 @ 11:04 AM

    વાહ… સુંદર ગઝલ

  2. બાબુ સંગાડા said,

    December 2, 2023 @ 11:20 AM

    ગઝલ ઘણીવાર સુંદરતાને ભીતરથી ખોતરી કાઢે છે
    તેના આગવા વિશ્વમાં ભ્રમણ કરાવે કવિ ખૂબ સરસ વાત
    ગઝલમાં કહીં છે તેનો આસ્વાદ કરતા ખૂબ ઝીણવટ પૂર્વક
    કરી સુંદર ભાવકો સુધી પહોંચાડી છે…ખૂબ સુંદર

  3. કિશોર બારોટ said,

    December 2, 2023 @ 11:21 AM

    સરળ ભાષામાં ઉમદા અભિવ્યક્તિ.

  4. પૂજય બાપુ said,

    December 2, 2023 @ 12:30 PM

    મને કાયમ ગમતા કવિ… સંઘેડાઉતાર ગઝલ…
    ભાઈ મિલિન્દની સમજને પણ સલામ.

  5. રાહુલ તુરી said,

    December 2, 2023 @ 1:48 PM

    જય હો ❤️

  6. રાહુલ તુરી said,

    December 2, 2023 @ 1:48 PM

    આનંદ ❤️

  7. હરીશ દાસાણી.મુંબઈ said,

    December 2, 2023 @ 7:40 PM

    જોરદાર ગઝલ અને મિલિટરી ગૌરવપૂર્ણ નોંધ

  8. લતા હિરાણી said,

    December 4, 2023 @ 3:34 PM

    સરસ ગઝલ, મજાનો આસ્વાદ

    લયસ્તરોને અનેકાનેક શુભેચ્છાઓ

  9. Prutha said,

    December 5, 2023 @ 7:58 AM

    સહમત. સરસ સહભાગ બદલ આભાર. આવી વાત ફરી ફરી ધ્યાને આવે એ જરૂરી પણ છે!

  10. Poonam said,

    December 15, 2023 @ 12:51 PM

    નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
    અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!
    – બાબુલાલ ચાવડા ‘ આતુર ‘- Uff..

    Saral Gadhavi !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment