પ્રેરણાપુંજ : ૦૪ : ઘણ ઉઠાવ -સુન્દરમ્
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
– ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’ (૬ જૂન, ૧૯૩૪)
જેમ સંપૂર્ણપણે ખાલી થવું એ નવેસરથી ભરાવા માટે જરૂરી હોય છે એમ ક્યારેક નવું સર્જન કરવા માટે પણ પ્રથમ જૂનું વિસર્જન કરવું પડે છે. સામાજિક અને આંતરિક વિષમતાની સામે પડકાર ફેંકી જીર્ણ થયેલી જડતાને સમૂળગી દૂર કરવા માટે કવિ પોતાની જ ભુજાનું ઘણ જેવા હથિયાર સહિત આવાહન કરે છે, કે જેથી ઘણું બઘુંને ઊંડે સુધી ઘા કરી તોડીફોડી એનું વિસર્જન કરી શકે… અને ફરી એ જ ઘણથી ટીપી ટીપીને નવો ઘાટ આપી એનું નવસર્જન કરી શકે. આ કવિતાએ તે સમયે આઝાદી પહેલાની ગુલામીથી ટેવાઈ ગયેલા કેટલાયે જણનાં માનસને ક્રાંતિકારી બનવા માટે નવસર્જનની પ્રેરણા અને પ્રેરકબળ પૂરું પાડ્યું હશે!
રઈશ મણિઆરઃ આ ગીત નથી. પૃથ્વી છંદમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશાળી પઠન માટે છે. છેલ્લી બે પંક્તિ સ્ત્રગ્ધરા છંદમાં છે.
વિવેક said,
December 8, 2023 @ 11:30 AM
આ રચના આજેય એટલી જ પ્રસ્તુત છે… કદાચ આજે તો એ વધારે પ્રસ્તુત છે. રુઢ વિચારધારાઓને તોડી-ફગાવીને નવસર્જન કર્યા વિના કોઈ આરોઓવારો નથી.