બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફૂલોનું ઝેર – ‘શૂન્ય’ પાલનપુરી

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ.

તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.

દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.

આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા…
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.

શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.

– ‘શૂન્ય’ પાલનપુરી

આમ જુઓ તો પરંપરાની ગઝલ પણ સંસ્કૃતિના તણખા, કળિયુગનો વાયરો અને વાતે-વાતે ભડકે બળતાં શહેરવાળા શેરથી વધુ સાંપ્રત બીજું શું હોઈ શકે?

Comments

જરા તો નજીક આવ ! – અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

– અમર પાલનપુરી

આ શાયર માટે થોડો અંગત લગાવ છે….ભાગ્યે જ પરંપરાગત વિષય સિવાય ખેડાણ કરે છે છતાં મને કાયમ ગમતા આવ્યા છે……

Comments (3)

(નવો મારગ) – ખલીલ ધનતેજવી

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

મજાની ગઝલ… સરળ, સહજ, સંતર્પક…

Comments (1)

પિયર ગયેલી ભરવાડણની ગઝલ – નયન દેસાઈ

પનઘટે છલકાતી ગાગર સાંભરે
દી’ ઊગે ને રોજ સહિયર સાંભરે

છેડલો ખેંચી શિરામણ માંગતો
વાસીદું વાળું ને દિયર સાંભરે

ત્રાડ સાવજની પડે ભણકારમાં,
રાતના થરથરતું પાધર સાંભરે

ઢોલિયે ઢાળું હું મારો દેહ ને,
બાથમાં લઈ લેતી નીંદર સાંભરે

સાંજ ટાણે સાદ ફળિયામાં પડે,
આંખડી મલક્યાનો અવસર સાંભરે

કાંબિયું ખખડે ને હું ચોંકી ઊઠું,
ઝાંઝરો રણકે ને જંતર સાંભરે

તાણ ભાભુજીએ કીધી’તી નકર,
કોણ બોલ્યું’તું કે મહિયર સાંભરે?

મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!

-નયન હ. દેસાઈ

નયન દેસાઈની આ મજાની મુસલસલ ગઝલનો આસ્વાદ ઉદયન ઠક્કરના શબ્દોમાં માણીએ:

આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું યે વહાલું લાગે.સાસરિયું ખારું છે,પિયરિયાની યાદ સતાવે છે, એવું બોલનારી ઘણી સ્ત્રીઓ મળી આવશે.આ કાવ્યની ભરવાડણ જોકે જુદું બોલે છે.
‘સાસરું’ નામ પડતાંવેંત ભરવાડણને ત્રણ વાનાં સાંભરે છે,ત્રણેય પ્રસન્ન કરી મૂકે તેવાં છે: ગાગર સૂકીભઠ નહિ પણ છલકાતી છે. (સુખસમૃદ્ધિની રેલમછેલનું સૂચન.)દી’ આથમતો નહિ પણ ઊગતો છે.(યૌવનકાળનું સૂચન.) સાંભરે છે તે વઢિયારી સાસુ નહિ પરંતુ હસમુખી સહિયર.(આનંદી અડોસપડોસનું સૂચન.)

શિરામણ એટલે નાસ્તો.નાનકડો દિયર વાસીદું વાળતી ભાભીનો છેડલો તાણીને હકપૂર્વક શિરામણ માગે,એ પરિવારમાં પ્રેમ તો હશે જ ને!

પિયરમાં રાત્રિ સૂમસામ છે.સાસરું સાવજની ત્રાડથી થરથરતું.ભરવાડણને તેના ભણકારા સંભળાય છે. (રાત્રિએ ત્રાડ પાડતો સાવજ જાતીયતાનું પ્રતીક હોઈ શકે.પિયરમાં એ સાવજ ક્યાંથી હોય?)

ભરવાડણ આડે પડખે તો થઈ છે, પણ નીંદર આવતી નથી.સાસરિયામાં ‘નીંદર બાથમાં લઈ લેતી હતી.’ (‘પતિ બાથમાં લઈ લેતો હતો’ એવું લખવું અશ્લીલ લાગે.) શૃંગાર રસનું ઉદ્દીપન કરવાનું હોવાથી ‘દેહ’ શબ્દ ખાસ મુકાયો છે.

સાંજ ટાણે પતિ ફળિયેથી સાદ દેતો હતો,તે ભરવાડણને સાંભરે છે.સ્ત્રીસહજ લજ્જાને કારણે સાદ કોણ દેતું હતું,તે કહ્યું નથી.કુળમર્યાદાને લીધે સામો સાદ ન દેવાય, માટે ભરવાડણ આંખોમાં મલકી લેતી હતી. પ્રસંગ મંગલ હોવાથી એને ‘અવસર’ કહ્યો છે.

‘ભાભુ’ એટલે ભાભી અથવા દાદી.પિયરિયે આવેલી યુવતી જાણે ફરીથી છોકરી બની જાય છે, છણકો કરીને કહી દે છે,’મારે મહિયર આવવાની હોંશ નહોતી,આ તો તમે બધાં પાછળ પડેલા માટે આવી છું!’

છેલ્લા શેરમાં આપણને જાણ થાય છે કે ભરવાડણ આ બધું પોતાની માતાને સંબોધીને કહેતી હતી. કરી શકાયો તેટલો ઉત્તાપ તેણે સહન કર્યો, હવે પતિના ગામ ભણી ચાલતી થાય છે. વધુ રોકાવાની દાનત હતે,તો બેગ-બિસ્તરા બાંધીને આવતે.વેળાસર ઉચાળા ભરવા હતા, માટે પોટલું (બચકું) લઈને આવી છે.

ભરવાડણને કોણ સાંભરે છે? ક્યાંય સુધી આડીઅવળી વાતો કર્યે રાખી: ગાગર સાંભરે,સહિયર સાંભરે,દિયર સાંભરે,પાધર સાંભરે,નીંદર સાંભરે…અંતે હૈયે હતું તે હોઠે આવી જ ગયું: આયર સાંભરે! (ભરવાડ અને આયર જુદી જાતિઓ છે. આ કાવ્યનું શીર્ષક હોવું જોઈએ, ‘પિયર ગયેલી આયરાણીની ગઝલ.’)
આ કાવ્ય ગઝલના આકારમાં રચાયું છે.ગઝલનો સામાન્ય નિયમ એવો છે કે પ્રત્યેક શેર વડે સ્વતંત્ર કાવ્ય સર્જાવું જોઈએ. અહીં તેવું થતું નથી. જોકે આપણને મમ-મમથી કામ છે, ટપ-ટપથી નહિ. આપણે હરખભેર કહી શકીએ કે આ એક ઉત્તમ કાવ્ય છે.

-ઉદયન ઠક્કર

Comments (5)

હતા / છીએ – વિસ્મય લુહાર

સાંજેય પણ સવારની વયમાં હતા/છીએ!
ફુગ્ગો ફૂટી જવા સમા ભયમાં હતા/છીએ!

કોઠે પડી ગઈ છે પરાજય – પરંપરા;
હારી જવાના નિત્ય વિજયમાં હતા/છીએ!

કણકણમાં શુષ્કતા અને ઘોંઘાટ ચોતરફ;
તો પણ સતત લીલાશના લયમાં હતા/છીએ!

બુઝાયા જેમ એમ વધુ ઝળહળી ઉઠ્યા;
એક અસ્તની સાથે જ ઉદયમાં હતા/છીએ!

જ્વાળામુખીની ટોચ પર અસ્તિત્વ ઓળઘોળ;
એકેક પળ એકેક પ્રલયમાં હતા/છીએ!

– વિસ્મય લુહાર

હતા અને છીએ એમ ભૂતકાળ અને વર્તમાન -બંનેને ભેગા કરીને કવિ સમસ્યાની શાશ્વતતા તરફ આપણું ધ્યાન ચીંધે છે. રદીફમાં અથવાની નિશાની મૂકીને ‘હતા’ અને ‘છીએ’ ને હારોહાર ગોઠવવાનો કવિનો પ્રયોગ ગઝલમાંથી પસાર થઈએ ત્યારે સફળ થયો અનુભવાય છે.

Comments (2)

ઇશ્વર મળે – હિતેન આનંદપરા

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ જોતા રહી ગયા કે આગવો અવસર મળે

કાશ થોડી લેતી દેતી હોત તો મળતાં રહેત
પણ હિસાબો એની સાથેના બધા સરભર મળે

એક સધિયારો અપાવે બે અડોઅડ આંગળી
હૂંફના નામે મઢેલાં સ્પર્શનાં અસ્તર મળે

ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે

– હિતેન આનંદપરા

Comments (8)

(સેલ્ફી પાડું?) – હિમલ પંડ્યા

કદીક સીધું, કદીક આડું
ચાલ્યા કરવાનું આ ગાડું.

કરમની ઘંટી દળતી રહેતી
થોડું ઝીણું, થોડું જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો
ઇચ્છાઓનું આવે ધાડું.

એનું હૈયું ખાલી કરીએ?
સાવ નકામું ભરવું ભાડું!

આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે – સેલ્ફી પાડું?

ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસને બન્ને હાથે લાડુ.

મંઝિલ છેલ્લી છે સામે, પણ
જીવન રોજે ઉતરે આડું.

– હિમલ પંડ્યા

કવિતા એ સમાજનો અરીસો છે. કવિતાના કાચમાં જે-તે સમયનો સમાજ ન દેખાય એ ભાગ્યે જ બને… કવિ હિમલ પંડ્યા કેવી સલૂકાઈથી ગઝલમાં સેલ્ફી લઈને આપણી વચ્ચે આવી ઊભા છે તે જુઓ…
આખી ગઝલ જ મજાની થઈ છે… લગભગ બધા જ શેર સંતર્પક… ધીમે ધીમે મમળાવતા જઈએ એમ વધુ ને વધુ મજા આવે.

Comments (7)

અવરજવર – ભાવિન ગોપાણી

હતું એ જ છે આ મકાન પણ ના રહી કશાની અવરજવર
તમે આવજાવ જો ના કરી, ના રહી હવાની અવરજવર

છે કબૂલ, એક હવા શ્વસી છતાં આપણામાં ફરક જુઓ
તમે ઝાડ જેવી છો સ્થિરતા, અમે પાંદડાની અવરજવર

મને સુખ કે દુઃખ વિષે પૂછશો તો કહો ભલા શું જવાબ દઉં
કદી સુખ કે દુઃખ તો હતું નહી, હતી વેદનાની અવરજવર

હવે પ્રશ્ન થાય છે જોઈને આ ધરાના હાલહવાલને
આ બધી જગાઓ શું એ જ છે? હતી જ્યાં ખુદાની અવરજવર

હતી ટેવ ભીડની કઈ હદે કે જીવન તો ઠીક એ બાદ પણ
બની લાશ કોઈ પડ્યું રહ્યું, હતી જ્યાં બધાની અવરજવર

– ભાવિન ગોપાણી

ગનીચાચાની ‘દિવસો જુદાઈના જાય છે’માં પ્રયોજાયેલા આ કામિલ છંદમાં આપણી ભાષામાં આમેય બહુ ઓછી રચનાઓ થાય છે, એવામાં આવી મજાની ગઝલ મળે એટલે આનંદ! લગભગ બધા જ શેર મનનીય થયા છે.

Comments (6)

મારો ઉજાસ થઇને – કરસનદાસ લુહાર

આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,
આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને.

અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?
જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને.

ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,
આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને.

સુંવાળી કામનાઓ લીંપીં દે લોહીમાં તું,
આ જંગલી ફૂલોની આદિમ સુવાસ થઇને.

તારું તમસ લઇને હું ખીણમાં પડ્યો છું,
ને તું શિખર ચડે છે મારો ઉજાસ થઇને.

લોબાન-ધૂપ જેવી પ્રસરી છે લાગણીઓ,
કોઇ ફકીર કેરો લીલો લિબાસ થઇને.

ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.

– કરસનદાસ લુહાર

Comments (2)

સ્વપ્નાં વચ્ચેથી રસ્તો – જવાહર બક્ષી

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો !

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો !

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો !

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો…

એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તો ય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો ?

– જવાહર બક્ષી

Comments

(અને…) – મેગી આસનાની

લઈને ઘણુંય આ નદી વહેતી રહી અને…
સાગર બની છતાંય પણ ખાલી રહી અને…

એના તરફથી એ જ ઉપેક્ષા મળ્યા કરી
હું વાત, વાતવાતમાં કહેતી રહી અને…

હસતા રહ્યા તો એય, પણ હસતા ગયા પછી
પીડા બધીય એ રીતે છાની રહી અને…

કહેતી રહી કે આવજે આવી શકાય તો
એના મિલનની રાહ હું તાકી રહી અને…

કંઈ કેટલા બનાવમાં જીવન વીતી ગયું
તારી ને મારી વાત બસ બાકી રહી અને…

– મેગી આસનાની

કવિતા મોટાભાગે જે પ્રકટપણે કહેતી લાગે એના કરતાં કંઈક બીજું જ કહેવા ઇચ્છતી હોય છે. અહીં પણ ‘અને…’થી અહીં જ્યાં મિસરો ખતમ થઈ જાય છે ત્યાંથી જ એ હકીકતમાં શરૂ થાય છે અને કવયિત્રીએ જે ભાવવિશ્વ શબ્દોમાં પ્રકટ કર્યું છે એની ખરી અર્થચ્છાયા આગળ વધે છે….

Comments (1)

अब कौन से मौसम से – परवीन शाकिर

अब कौन से मौसम से कोई आस लगाए
बरसात में भी याद जब न उनको हम आए

मिटटी की महक साँस की ख़ुश्बू में उतर कर
भीगे हुए सब्जे की तराई में बुलाए                 [ सब्जे की तराई = ઘાસની પથારી ]

दरिया की तरह मौज में आई हुई बरखा
ज़रदाई हुई रुत को हरा रंग पिलाए                 [ ज़रदाई – અર્થ મળતો નથી ]

बूँदों की छमाछम से बदन काँप रहा है
और मस्त हवा रक़्स की लय तेज़ कर जाए

शाखें हैं तो वो रक़्स में, पत्ते हैं तो रम में            [ रक़्स = નૃત્ય, रम = આનંદમય ]
पानी का नशा है कि दरख्तों को चढ़ जाए         [ दरख्तों = વૃક્ષ ]

हर लहर के पावों से लिपटने लगे घूँघरू
बारिश की हँसी ताल पे पाज़ेब जो छंकाए          [ पाज़ेब = पायल ]

अंगूर की बेलों पे उतर आए सितारे
रुकती हुई बारिश ने भी क्या रंग दिखाए

– परवीन शाकिर

અમારી પ્રિય કવયિત્રીની એક વધુ રમણીય રચના…..વેદનાને કેટલી નઝાકતથી બયાન કરી છે !!!

Comments (4)

(એની વહુ સજાવીશ હું) – પરવીન શાકિર (અનુ.: વિવેક મનહર ટેલર)

કમાલ ધૈર્યની ખુદ પણ ચકાસી જોઈશ હું,
આ મારા હાથથી એની વહુ સજાવીશ હું.

કરીને ચાંદનીના હાથમાં એને સુપ્રત
તરત આ ઘરના તિમિરમાં જ પાછી આવીશ હું.

શરીરની તડપ એની સમજમાં નહીં આવે,
રડીશ દિલમાં, ને આંખોમાં મુસ્કુરાઈશ હું.

એ શું ગયો કે નિકટતાની સૌ મજાય ગઈ,
રિસાવું કોનાથી, કોને હવે મનાવીશ હું?

હવે તો એની કળા બીજા સાથે થઈ સંબદ્ધ,
રે! એકલામાં નઝમ કોની ગણગણાવીશ હું?

નનામા જેટલોયે નહોતો એ સંબંધ છતાં
હજીય એના ઈશારે આ શિર ઝૂકાવીશ હું.

ગુલાબ સાથે બિછાવ્યું હતું મેં મારું વજૂદ,
એ સૂઈને ઊઠે તો સ્વપ્નોની રાખ ઊઠાવીશ હું.

જો સાંભળું તો ફકત શ્વાસ ગાઢ જંગલના,
અવાજ તારો કદી પણ ન સુણવા પામીશ હું.

બહાનું શોધી રહ્યો’તો નવી મહોબ્બતનું
કહી રહ્યો’તો એ કે એને તો વિસારીશ હું.

– પરવીન શાકિર
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરવીન શાકિરની એક ખૂબસુરત અને લબ્ધપ્રતિષ્ઠ રચનાનો સાછંદ પદ્યાનુવાદ.

कमाल-ए-ज़ब्त को ख़ुद भी तो आज़माऊँगी
मैं अपने हाथ से उस की दुल्हन सजाऊँगी

सुपुर्द कर के उसे चाँदनी के हाथों में
मैं अपने घर के अँधेरों को लौट आऊँगी

बदन के कर्ब को वो भी समझ न पाएगा
मैं दिल में रोऊँगी आँखों में मुस्कुराऊँगी

वो क्या गया कि रिफ़ाक़त के सारे लुत्फ़ गए
मैं किस से रूठ सकूँगी किसे मनाऊँगी

अब उस का फ़न तो किसी और से हुआ मंसूब
मैं किस की नज़्म अकेले में गुनगुनाऊँगी

वो एक रिश्ता-ए-बेनाम भी नहीं लेकिन
मैं अब भी उस के इशारों पे सर झुकाऊँगी

बिछा दिया था गुलाबों के साथ अपना वजूद
वो सो के उट्ठे तो ख़्वाबों की राख उठाऊँगी

समाअ’तों में घने जंगलों की साँसें हैं
मैं अब कभी तिरी आवाज़ सुन न पाऊँगी

जवाज़ ढूँड रहा था नई मोहब्बत का
वो कह रहा था कि मैं उस को भूल जाऊँगी

– परवीन शाकिर

Comments (19)

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

અંગત રીતે મને આ પ્રકારની રચના આકર્ષતી નથી. પણ આ રચનામાં એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

Comments (4)

નથી બારણું ક્યાંય.. – રવીન્દ્ર પારેખ

નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.

ન આગળ વધ્યો તે તો તારી શરમથી,
વિચારો તો જાણે જ છે પહોંચવાનું.

અગર જ્યોત પણ નામ જોગી જ હો તો,
રહ્યું ક્યાં પછી દેખવા-દાઝવાનું?

નહીં પાડી શકશે તું બાકોરું એમાં,
રહ્યું છે સિલકમાં ફકત ઘર હવાનું.

ફૂલીને થશે ફાળકો કેમ કરતાં,
કરમમાં તો ફુગ્ગાના છે ફૂટવાનું.

મરણ બેવફાઈ કરે ના કદી પણ,
જીવન છે જે જાણે છે છોડી જવાનું.

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

– રવીન્દ્ર પારેખ

આમ તો આખી ગઝલ સરસ છે પણ પહેલો અને છેલ્લો શેર સવિશેષ સ્પર્શી ગયા…

‘લયસ્તરો’ના આંગણે ‘અરસપરસનું’ સંગ્રહ સાથે રવીન્દ્ર પારેખનું ફરી એકવાર સ્વાગત છે…

Comments (2)

(સૂરજને છળે છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.

ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.

આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.

હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!

જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે

– કિરણ જોગીદાસ ‘રોશન’

સાવ સામાન્ય લાગતા દૃશ્ય પર પણ કવિની કલમ ફરે તો એ અભૂતપૂર્વ બની રહે છે. કવિતાની ખરી કમાલ જ એ છે કે એ રોજબરોજની વાતને, હજારો વાર કહેવાઈ ગયેલી વાતોને પણ સાવ નવા જ અંદાજમાં રજૂ કરી શકે છે. આ ગઝલ જુઓ… છે એવી કોઈ વાત જે આપણા માટે નવી હોય? પણ ખરી મજા જ અભિવ્યક્તિની છે. કવિ કઈ રીતે રુઢને અરુઢ બનાવી રજૂ કરે છે એની જ મજા છે. ભરબપોરે સૂરજ વાદળાંમાં ઢંકાઈ જાય અને તડકો ગાયબ થઈ જાય એ કેવી સામાન્ય બીના! પણ કવયિત્રીએ એને અહીં કેવી નવી જ રીતે પેશ કરી છે એ જુઓ…

Comments (3)

તે તમે છો? – હરિ શુક્લ

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પ્હોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર તારાજડિત આકાશ શીતળ ચંદ્રની સાખે હતું પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ ભણી, ને
ધૂમ્રની સેરોની સાથે સાંઢ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?

– હરિ શુક્લ

આમ તો આ મુસલસલ ગઝલ છે પણ એની ગલીઓનું સરનામું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની પાડોશનું હોવાની અનુભૂતિ થાય છે. સાથે જ સુન્દરમની અમર રચના ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?’ પણ યાદ આવ્યા વિના ન રહે. લાંબી બહેરની આ ગઝલમાં ગઝલના પારંપારિક શબ્દોની ભરમારથી અલગ ઊઠીને કવિએ નિજી સંવેદનાસભર તાજા કલ્પનો આપીને મનોહર કવિકર્મ કર્યું છે. થોડી મુખર હોવા છતાંય સાવ નોખી જ ભાત ઉપસાવતી હોવાના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

Comments (4)

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

Comments

કોની તમન્ના – શેખાદમ આબુવાલા

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.

Comments (1)

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને

– ભગવતીકુમાર શર્મા

જો દેવદાસ positive thinking ધરાવતી વ્યક્તિ હોતે તો તેણે આ ગઝલ પારોને સંભળાવી હોતે……

Comments (4)

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

આ શાયરને સાંભળવા એ એક લ્હાવો છે…..એકદમ expressionless સપાટ ધીમા અવાજે વાંચન કરે અને આપણે કાન એકદમ સરવા રાખીને સાંભળીએ તો જ સંભળાય….સરળ ભાષા એમની લાક્ષણિકતા છે. ઘણીવાર એમની સરળતા છેતરામણી પણ હોય છે….ઉદાહરણ રૂપે બીજો શેર જુઓ !

Comments (7)

નિસાસો – નેહા પુરોહિત

બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.

ઝરણ જેવું હળવેકથી હું વહું ત્યાં,
ભરે બાથમાં થઈને સમદર નિસાસો.

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.

ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો.

દિવસભર તો નાચ્યા કરે શહેરભરમાં,
રમે રાસ રાતેય ઘરઘર નિસાસો.

જરા સમતા આંજી કરી આંખ રાતી,
જુઓ, કેવો થાતો ત્યાં થરથર નિસાસો.

ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.

– નેહા પુરોહિત

નિસાસો એટલે આર્તનાદ. દુઃખની પરાકાષ્ઠાના સમયે જે નિઃશ્વાસ ઠે..ઠ નાભિમાંથી નીકળે એ નિસાસો. તો નિસાસાની ગઝલ પણ જો ઠે..ઠ નાભિમાંથી ઊઠીને આવી ન હોય તો સ્પર્શે નહીં. આ ગઝલ વાંચતાવેંત એક ડચૂરો ગળે અટકી જતો અનુભવાય, જાણે આપણા શ્વાસોને અજગર ગળતો ન હોય! પ્રિયતમને સ્વપ્નમાં પણ આવવાની કવયિત્રી મનાઈ ફરમાવે છે કેમકે સ્વપ્નમાં થતું મિલન તો મધુરુ લાગે છે પણ આંખ ખુલ્યા પછી એના વળતરરૂપે જે નિસાસા નાંખવા પડે છે એ કેમ સહેવા?! લોકોની નજરે સમૃદ્ધિ તો તરત જ ચડે છે પણ બહારથી નજરે ચડતી એ સાહ્યબીની પાછળ અથવા બીજી રીતે જોઈએ તો એ સાહ્યબી મેળવવા પાછળ જે એકલતા, તકલીફો, સંઘર્ષો વેઠવા પડ્યા છે એ કોણ જુએ જ છે? પોતાના મૃત દીકરાને પુનર્જીવિત કરાવવા બુદ્ધના શરણે આવેલ માને આખા ગામમાં એકે ઘર એવું મળતું નથી જ્યાં કોઈ અવસાન પામ્યું જ ન હોય; દુઃખની આ યુનિવર્સાલિટીને કવયિત્રી નિસાસો શરેઅભરમાં રાત-દિવસ રાસ રમે છે એમ લહીને કેવી સ-રસ રીતે રજૂ કરી શક્યાં છે! દુઃખના માથે અજરામર યયાતિનો હાથ ફર્યો છે કે શું, નિસાસો કદી જર્જરિત થતો જ નથી…

Comments (6)

(આ વ્યક્તિ, આ ટોળું) – નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.

તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.

ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.

કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો

– નયન હ. દેસાઈ

જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.

એક જ શેર હાથમાં લઈએ:

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…

આખી ગઝલને આ રીતે ખોલી શકાય…

Comments (3)

(ત્રિપદી પ્રયોગ ગઝલ) – જગદીપ નાણાવટી

મૃગજળમાંથી મૃગજળ પી તું
મૃગજળમાંથી મૃગ જળ પીતું
કેવું અા સૂઝ્યું અોચિંતુ !!

સમજણ સરરર સર સરકી તું
સમજણ સરરર સર સર, કિંતુ
હરદમ અાડો અાવે ‘કિંતુ’

સારેગમ પધનીસા ની ઝણણ ઝટ
સારેગમ પધની શાની ઝંઝટ?
મારે ક્યાં ગાવા છે ગીતુ ??

દર્પણ સામે દર્પણ લાગે
દર્પણ સામે ડર પણ લાગે
માણસ થઈ માણસથી બ્હી તું?

શતરંજોમાં જીવતું પ્યાદું
શત રંજોમાં જીવતું પ્યાદું
હારીને અંતે હું જીતું

– જગદીપ નાણાવટી

અચાનક વૉટ્સ-એપના એક ગ્રુપમાં આ ગઝલ રમતી જડી આવી. કવિ આને ત્રિપદી પ્રયોગ ગઝલ તરીકે ઓળખાવે છે, જેમાં દરેક શેરની પહેલી બે કડી આંતર્પ્રાસ મેળવીને ચાલે છે અને ત્રીજી પંક્તિ હમરદીફ હમકાફિયાનો હાથ ઝાલીને ચાલે છે… પહેલી બે પંક્તિ વાંચતા જ સ્તબ્ધ થઈ જવાયું. ચિત્રકાર રંગોની એમ કવિ શબ્દોની રમત શરૂથી કરતો આવ્યો છે પણ એક જ પંક્તિમાં શબ્દો વચ્ચેના અવકાશની જગ્યાની ફેરબદલી અને નાની અમથી જોડણીની હાથચાલાકી કરીને અર્થસભર શેર નિપજાવવા એ કેટલું મોટું કામ કહેવાય! કુશાગ્ર બુદ્ધિમતા વિના આ કામ શક્ય જ નથી… ગઝલ વાંચતાવેંત હું તો આફરીન-આફરીન પોકારી ગયો… આપણી ભાષામાં આવી ઉત્તમ શબ્દ-ચમત્કૃતિવાળી રચના ભાગ્યે જ જોવા મળશે…

Comments (11)

એક જણ પાસે ગયો – આબિદ ભટ્ટ

હૂંફ હળવી પ્રાપ્ત કરવા એક જણ પાસે ગયો,
પણ મને તો એમ લાગ્યું કેમ રણ પાસે ગયો?

છળ નવું સમજી અને મુખ ફેરવી લીધું તરત,
જળ ખરેખર પ્રેમથી પાવા હરણ પાસે ગયો.

હાથ લાગી છે નિરાશા પર નિરાશા હરવખત,
હું ખુદાને પામવા જ્યારે રટણ પાસે ગયો.

શબ્દ પોલા બોલવાની ના મને આદત નથી,
સિદ્ધ કરવા આ હકીકત આચરણ પાસે ગયો.

ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.

સૂનકારાની પળો જ્યાં ભીંસવા લાગી મને,
થાય રાહત એમ સમજીને સ્મરણ પાસે ગયો.

કામયાબી ના મળી જ્યાં તર્કને તારા વિશે,
એક સીધી દોત મૂકી શાણપણ પાસે ગયો.

– આબિદ ભટ્ટ

મત્લા જ મન મોહી લે એવો મજાનો થયો છે. એ પછીના બધા જ શેર પણ તરત જ ગમી જાય એવા. આખી ગઝલમાંથી પસાર થતી વખતે જો કે એવું પણ લાગ્યું કે મોટાભાગના શેર ભાષાની થોડી વધુ સફાઈ માંગતા હતા, જે થઈ શકી હોત તો ગઝલ વધુ ઉત્તમ થઈ શકી હોત.

Comments (7)

(સમજાઈ ગઈ) – રાહુલ શ્રીમાળી

વાત આખી એ રીતે પલટાઈ ગઈ,
એક ક્ષણમાં જિંદગી બદલાઈ ગઈ.

દોસ્ત અફવા ઊડતી આવી અને,
આગ માફક એ બધે ફેલાઈ ગઈ.

દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.

છે અષાઢી મેઘના દિવસો અહીં,
લો, ગગનમાં વાદળી ઘેરાઈ ગઈ.

શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.

– રાહુલ શ્રીમાળી

બધું જ સમૂસુતરું પાર પડતું હોય કે એક લીટીમાં સીધેસીધું જતું હોય એવામાં અચાનક એક વળાંક આવી ચડે અને એક જ ક્ષણમાં આખી જિંદગી બદલાઈ જાય એવો અનુભવ એક યા બીજી રીતે કદાચ બધાને થયો જ હશે ને! દૃશ્યના દરબારવાળું રૂપક પણ અદભુત છે. અને આખરી શેર તો ઉત્તમોત્તમ. કવિતામાં કવિ જેટલું બોલીને બતાવે છે એથી વધારે બોલ્યા વિના બતાવતો હોય છે. લખાયેલા શબ્દોના અવકાશની વચ્ચે છૂપાયેલી શક્યતા જ ખરી કવિતા હોય છે. આ વાત કવિ કેવી હળવાશથી કહી દે છે! કવિતાની ઉત્તમ વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ કરવો પડે એવો બળકટ શેર…

Comments (3)

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો – શ્યામ સાધુ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં

– શ્યામ સાધુ

Comments (1)

એક ટોળામાં – મેહુલ ભટ્ટ

ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !

સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?

– મેહુલ એ. ભટ્ટ

સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર અને મનનીય થયા છે. માત્ર બીજો અને ત્રીજો શેર અર્થની દૃષ્ટિએ એક સરખા છે એ સિવાયના બધા જ શેર મજબૂત છે. જ્યાં સુધી નિતનવા ગઝલકારો પાસેથી આવી તરોતાજા અને સંતર્પક રચનાઓ મળતી રહેશે ત્યાં સુધી તો ગઝલગઢ સલામત જ રહેશે…

Comments (9)

(કંઈ નથી) – મધુમતી મહેતા

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.

તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.

કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.

જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.

જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.

– મધુમતી મહેતા

મજાની ગઝલ…

Comments (3)

ઠુમરી – નયન દેસાઈ

ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.

ચાર દીવાલોની બગિયાંમાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સુખી ડારન પે ફૂલ લગાવ્યા આયે ન બાલમ.

આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.

સંગ હમારે પડછાયો ખેલાત હૈ હમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકમેં હમને દાવ લગાવ્યા આયે ન બાલમ.

સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છત પૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યા આયે ન બાલમ.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાય હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યા આયે ન બાલમ.

– નયન દેસાઈ

નવતર પ્રયોગ !!!!!!!

Comments (3)

ભીના સમયની આણ – ચિનુ મોદી

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

– ચિનુ મોદી

શુદ્ધ પ્રેમની વાત છે….’દર્શક’ પ્રેમને કાલાતીત કહે છે. પણ કવિ કૈંક જુદી વાત કરે છે. કાળ તો પોતાનું કામ કરતો જ રહે છે-આપણે તેને કઈ રીતે react કરીએ તે આપણા હાથમાં છે. પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!

Comments (3)

મોજું સભાનતાનું – જવાહર બક્ષી

દર્પણ બિચારું કૈં કરી શકતું નથી હવે
અંધારે એના ચ્હેરા બદલતું નથી હવે

આંખોને ઢાળી હું હવે આપું છું આવકાર
શણગાર એટલે કોઈ કરતું નથી હવે

આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે

શ્વાસોમાં વિસ્તરી છે ઘટાદાર સ્તબ્ધતા
શબ્દોનું એક ચકલું ફરકતું નથી હવે

– જવાહર બક્ષી

ઊંડાં ચિંતનની પળે આવું કૈક સર્જાતું હશે……ખાસ તો ત્રીજો અને ચોથો શેર

Comments (5)

પાંખડીમાં – ગની દહીંવાલા

એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલ્ફતની જિંદગીમાં,
દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં.

માનવ છું, માનવીનું દુઃખ મારું દુઃખ ગણું છું,
છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પાંખડીમાં.

ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે,
મોઢું જુએ ચકોરી ચંદાની આરસીમાં.

મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા,
ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં.

અંતરની વેદનાઓ એ રીતથી વધી કે,
અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.

આંસુનાં નીર સીંચી પોષી અમે વસંતો,
રંગીન સ્વપ્ન જોયા ગમગીન જિંદગીમાં.

હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.

– ગની દહીંવાલા

ગનીચાચાની ખૂબ શરૂઆતની રચના છે આ….’અંતરની વેદનાઓ એ રીતથી વધી કે, અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.’- ગાલિબની છાંટ દેખાઈ આવે છે…..

Comments (1)

(કાગળ ઉપર) – સ્વાતિ નાયક

ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર

ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર

તું જ તારું “તું”પણુ ગોખ્યા કરે
સૂર્ય તો ઉતરી શકે ઝાકળ ઉપર

મારું શૈશવ ડૂસકે એથી ચડ્યું
જાન આવીને ઉભી ભાગળ ઉપર

રેત, છીપો, શંખ છે તો શું થયું?
મોજનો આધાર તો છે જળ ઉપર

શ્વાસની આ આવજા નિર્જીવ છે
જીવતા હોવું નભે ખળભળ ઉપર

કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર

– સ્વાતિ નાયક

એકદમ સહજ સરળ બાની પણ ગઝલ કેવી સંતર્પક! એક પછી એક બધા જ શેર વિશે વાત કરી શકાય પણ હું માત્ર મત્લાની જ વાત કરીશ. મત્લા વાંચતા જ નર્મદ યાદ આવે: યાહોમ કરીને પડો, ફતેહ છે આગે… કળાકારો માથે કફન બાંધીને જીવતા હોય છે ને એટલે જ સમયનું ડસ્ટર સદીઓના બ્લેકબૉર્ડ પરથી એમનાં નામ ભૂંસી શકતું નથી. અંજામ શું આવશે એની ચિંતા કર્યા વિના કવિએ કાગળ પર ઝંપલાવી દેવાનું છે, ને આ ફનાગીરી વિના કલમ જે હાથમાં ઊપાડે છે એ શબ્દોની રમતથી આગળ કદી વધી પણ શકતો નથી.

Comments (11)

સજન — પારુલ ખખ્ખર

મહેકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ ડૂબકી માર, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે, તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્, હું અંદર જોગણી,
બહારથી હું રૂપ-રસની ફાંટ જેવી છું સજન.

— પારુલ ખખ્ખર

એવો કયો સજન હશે આ વિશ્વમાં જે ગુલાબજળની છાંટ જેવી મહેકતી ને ગંગા જેવી ઊંડી-વિસ્તીર્ણ પ્રેયસી આહ્વાન આપે ને કૂદીને એનામાં સમાઈ ન જાય? બીજો શેર તો એક સ્ત્રી જ લખી શકે. પુરુષની અપેક્ષાએ કદાચ ખરી ન ઊતરે તો પણ સ્ત્રી જાતે બળીને યથાશક્તિ પ્રકાશ રેલાવવાનો ધર્મ કદી મૂકતી કે ચૂકતી નથી. ત્રીજો શેર પણ પરવીન શાકિરના કુળનો જ. પુરુષ થાકેલો હોય ને કદર કરી શકે એવો હોય તો સ્ત્રીથી વધીને કયો વિસામો હોઈ જ શકે?! ‘કદર’ શબ્દ શેરને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે. માદરપાટ જેવો અદભુત કાફિયો ભાગ્યે જ આ પહેલાં કોઈએ આવી સુંદરતાથી પ્રયોજ્યો હશે… સરવાળે નવા જ કાફિયા અને અનૂઠા કલ્પન સાથેની મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

Comments (5)

એવું લાગે છે – અનિલ ચાવડા

સાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.
રોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.

એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.

ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.

સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.

લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

– અનિલ ચાવડા

Comments (4)

કચ્છી ગઝલ – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ટાંણે મથે જ આઉં ખબરધાર નતો રાં,
નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં.

ડીંધલ તાં ડિનેં ચસ્મેંજા કાંચ લાટ ચુટા,
તાંય આઉં નજરસેં આરપાર નતો રાં.

હુંધે છતાં કરવેરા ભરે જિતરી શાહુકારી,
કેડી ખબર કુલા આઉં ચીકાર નતો રાં.

મૂંકે જ આય મૂંજી એલર્જી, કુરો ચાં,
રાંતો હિતે જ રાંતો, છતાં યાર, નતો રાં.

સમજાજે નતો, ફિરીસિરી જીરો કીં થીયાં,
કરીયાંતો રોજ પિંઢકે જ ઠાર! નતો રાં.

નેં ખોટ-ચોટ ખાઈ, ડીંયા પ્યાર મુફતમેં,
તાંય જિંધગીમેં ધમધોકાર નતો રાં.

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કચ્છ ગુજરાતનું જ એક અંગ પણ કચ્છી બોલી ગુજરાતીથી કેટલી અલગ છે એ તો જુઓ. આજે લયસ્તરોના વાચકો માટે એક કચ્છી ગઝલ અને સાથે જ ગઝલ સમજવા માટે શ્રી આનંદ મહેતાએ કરેલું ભાષાંતર (અછાંદસ) પણ મૂકીએ… ભાષાંતર વાંચ્યા પછી ફરીથી કચ્છી ગઝલ વાંચીશું તો તરત જ સમજાશે કે જે શબ્દો પહેલીવારમાં પરભાષાના લાગ્યા હતા એ આપણી ભાષાની કેટલા નજીક છે!

ટાંણા ઉપર હું જ ખબરદાર નથી રહેતો,
ને હોંઉં છું તોય હોશિયાર નથી રહેતો.

આપનારે આપ્યા છે ચશ્માનાં કાચ ચોખ્ખા,
તોય હું નજરથી આરપાર નથી રહેતો.

હોવા છતાંય કરવેરા ભરવાની શાહુકારી,
કોને ખબર શા માટે હું ચિક્કાર નથી રહેતો.

મને જ છે મારી જ એલર્જી લો , શું કહું?
રહું અહીં જ રહું છું, છતાં યાર નથી રહેતો.

સમજાતું નથી કેમ ફરી જીવતું થવાતું હશે?
કરું છું રોજ ખુદને જ ઠાર, નથી રહેતો.

નેં ખોટ ચોટ ખાઈ ,આપું પ્યાર મુફ્તમાં,
તોય જિંદગીમાં ધમધોકાર નથી રહેતો..

Comments (6)

કરુણાંત થઈ ચાલ્યા – મુકુલ ચોક્સી

લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા,
અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા.

આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !

સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.

થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.

– મુકુલ ચોક્સી

આ કવિની સિદ્ધહસ્તતા જોઈને કાયમ રંજ થાય કે ગુજરાતી કાવ્યજગતને કેટલું પારાવાર નુકસાન થયું છે તેઓના શસ્ત્રત્યાગથી !!!!!

Comments (5)

કશું પણ નથી – ટેરેન્સ જાની ‘સાહેબ’

પામવા જેવું કશું પણ નથી
રાખવા જેવું કશું પણ નથી

શું કરું રેતીને ફેંદીને હું
શોધવા જેવું કશું પણ નથી

દાસ થઈ બેઠા છે શબ્દો, છતાં
બોલવા જેવું કશું પણ નથી

જિંદગી કશકોલ લઈ ઉભી છે
મૂકવા જેવું કશું પણ નથી

વેદનાઓ તો વધે છે સતત
ને દવા જેવું કશું પણ નથી

પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી

શ્વાસ આ ‘સાહેબ’ ત્યાં પણ લે છે
જ્યાં હવા જેવું કશું પણ નથી

-ટેરેન્સ જાની ‘સાહેબ’

અકાળે આથમી ગયેલા આશાસ્પદ શાયરની મજાની ગઝલ માણીએ…

Comments (3)

સાબરમતી નથી – જલન માતરી

ઇચ્છાઓ તો ઘણી કરી, એકે ફળી નથી,
જીવે છે તે છતાં બધી, એકે મરી નથી.

આશાને તો નિરાશા કદી ભાવતી નથી,
કડવી છે તેથી તેને કદી ચાખતી નથી.

એમાંથી કઈ રીતે તમો જાણી ગયા પ્રસંગ,
મેં તો કોઈને પણ કથા મારી કહી નથી.

ઉદભવ તમારો મારી સમજ બહાર છે ખુદા,
અસ્તિત્વ પર મેં છતાં શંકા કરી નથી.

રાહ જોઈ, જોઈને ઘણાં સ્વર્ગસ્થ થઈ ગયાં,
સદીઓ વહે છે તોય કયામત થતી નથી.

એના અસલ સ્વરૂપે એ આ રીતે ના વહે,
આ તો ઉછીનું રૂપ છે, સાબરમતી નથી

લાગે છે સ્હેજ એ જ પણ નક્કી ના કહી શકાય,
પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી.

– જલન માતરી

પહેલા હતા હવે એ ‘જલન માતરી’ નથી… થોડા દિવસ પહેલાં જ જનાબ જલન માતરીનું દેહાવસાન થયું… ગુજરાતી ગઝલ પરંપરાના ગઢનો મોટો કાંગરો ખરી ગયો… એમની એક ઉત્તમ ગઝલ સાથે એમને શબ્દાંજલિ આપીએ…

Comments (4)

માગે છે – અમર પાલનપુરી

તમારી આંખડી કાજળ તણો શણગાર માગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માગે છે

કોઈ મારી કબરને ઝુલ્ફની છાયામાં સંતાડો
કે આ જાલિમ જગત મારા જીવનનો સાર માગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

મહોબત છેડ એવા સૂર કે તડપી ઉઠે બેઉ
નયન દીપકને ઝંખે છે ને હૈયું મલ્હાર માગે છે

નયન જેમ જ અમારા કાન પણ છે પ્રેમના તરસ્યા
કે હર પગરવમાં તુજ પાયલ તણો ઝણકાર માગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે

અમરનું મોત ચાહનારા લઈ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માગે છે

– અમર પાલનપુરી

[ સૌજન્ય :- શાંતિબેન તન્ના – U K તેમજ ટહુકો.કૉમ ]

બીજો અને ત્રીજો શેર જુદા જુદા સૉર્સમાં થોડા અલગ છે તેથી બંને વરઝ્ન મૂક્યા છે….ભાવાર્થ લગભગ સમાન છે. સમગ્ર ગઝલ અમરભાઈની લાક્ષણિક શૈલી સુપેરે પ્રદર્શિત કરે છે.

Comments (4)

(રાખે છે) – હનીફ સાહિલ

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે
સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે

ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં
સતત અભાવના વાતાવરણમાં રાખે છે

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં
કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે

એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીને
ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે

કદી એ આપે તરસ માંહે તડપવાની સજા
કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે

ન ખુલ્લી આંખમાં રાખે, ન બંધ આંખોમાં
છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે

હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં
કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે

– હનીફ સાહિલ

પરમ કૃપાળુની પરમ કૃપાની અભિવ્યક્તિની ગઝલ….

Comments (5)

કેટલા વરસો – કુતુબ ‘આઝાદ’

નશીલી છે નજર તો પણ નજર એ કેટલા વરસો,
છે પોલાદી જિગર તો પણ જિગર એ કેટલા વરસો.

અમારું ઘર ગણી જે ઘર મહીં વસવાટ કીધો છે,
નહિ ખંડેર જેવું થાય ઘર એ કેટલા વરસો.

જીવનની પાત્રતાનો મિત્ર! તે શો અર્થ કર્યો છે,
સફર લાંબી કે ટૂંકી પણ સફર એ કેટલા વરસો.

રટે છે નામ ઈશ્વરનું કરે છે પાઠ ગીતાના,
રહે છે કિંતુ જીવનમાં અસર એ કેટલા વરસો.

મરણ શૈયા ઉપર જ્યારે હતા ત્યારે જ સમજાયું,
ખબર નહોતી રહ્યા તો બેખબર એ કેટલા વરસો.

કબર ‘આઝાદ’ આરસથી કે સોનાથી મઢાવો પણ,
ટકી રહેશે આ દુનિયામાં કબર એ કેટલા વરસો.

-કુતુબ ‘આઝાદ’

વિન્ટેજ વાઇન !

Comments (4)

(અનુસંધાનમાં) – નિનાદ અધ્યારુ

એટલું માંગી લીધું વરદાનમાં,
કંઈ જ બાકી ના રહ્યું ભગવાનમાં !

આમ તો ફરતો નથી ગુમાનમાં,
આ તો તું આવી ને, એના માનમાં !

એમ પીડાઓ મજા કરતી રહી,
જાણે આવી હોય મારી જાનમાં !

સાવ તાજા જન્મેલા એક બાળકે-
આખી હોસ્પિટલને લીધી બાનમાં !

જીવ વિના પંડ એવું લાગતું,
શેઠ જાણે છે જ નહિ દુકાનમાં !

ધ્યાન મારું ખૂબ રાખે છે બધાં,
જ્યારથી આવી ગયો છું ધ્યાનમાં !

આમ પહેલા પાને ના શોધ્યા કરો,
હું મળીશ તમને અનુસંધાનમાં !

ફૂલ તો સાચાં જ ગોઠવ્યાં છતાં,
કાં બહારો આવી નહિ ફૂલદાનમાં ?

યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’,
જેમ કાથો રંગ પકડે પાનમાં.

– નિનાદ અધ્યારુ

કેટલીક ગઝલ વાંચતાવેંત સીધી જ દિલમાં વાસો કરી જતી હોય છે. જોઈ લ્યો આ ગઝલ જ. ખરું ને? લગભગ બધા જ શેર મરીઝ જેવી જ સાવ સરળ અને સહજ બાનીમાં પણ મોટાભાગના શેર અર્થસભર. કાથો પાનમાં રંગ પકડે એ વાત તો શિરમોર…

Comments (16)

(શંકા નથી) – રમેશ શાહ

એક તો વિચાર એ નિર્બંધ છે, શંકા નથી,
માનવીને માનવીની ગંધ છે, શંકા નથી.

ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે,
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી.

દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.

ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી.

– રમેશ શાહ

મજાની ગઝલ છે, શંકા નથી…

Comments (2)

(ઉત્સવ કોઈ) – રઈશ મનીઆર

છાતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
કે પછી છે દર્દનો ઉત્સવ કોઈ?

પાસ ફરકે શી રીતે કલરવ કોઈ?
ટોડલે બેઠી હતી અવઢવ કોઈ

ઓઢવા ચાદર નથી, સપનું તો છે
સ્વપ્નમાં લહેરાય છે પાલવ કોઈ

રાહમાં જે પણ મળ્યાં ઉષ્મા લઈ!
એમની ભીતર હશે શું દવ કોઈ?

છેક ઊંડે ઘર કરી ગઈ વેદના
ના કશે પગલાં, કશો પગરવ કોઈ

બોર દઈ, કલ્લી કઢાવી આખરે
સમજણો દઈ, લઈ ગયું શૈશવ કોઈ

જ્યાં પળેપળ હોશ છિનવે છે દિવસ
રાત ત્યારે શું ધરે આસવ કોઈ!

પગ ચડાવી અંતે બેઠા સારથિ
પારધી કોઈ અને યાદવ કોઈ

– રઈશ મનીઆર

એક-એક શેર પાણીદાર… પાલવ, પગરવ, શૈશવ અને યાદવ તો શિરમોર…

Comments (7)

(અનિલ ફિનિક્સ છે) – અનિલ ચાવડા

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે

મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.

કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!

મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
‘પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપિક્સ છે.

સાંભળ્યું છે કોક દિ’ મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
‘રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.’

– અનિલ ચાવડા

ભાષા વહેતી નદી જેવી છે… એક બાજુ એ સતત વહેતી રહે છે તો બીજી તરફ જે કંઈ નાળાં-વેકળા એમાં ભળે એ તમામને ખુદમાં સમાવીને આગળ વધે છે… અંગ્રેજી ભાષા આપણી ભાષાના સમાંતરે ચલણમાં આવી પરિણામે અંગ્રેજી શબ્દોનો પ્રયોગ પણ વધતો ગયો… ફળસ્વરૂપ આવી મજાની ગુજલિશ ગઝલો…

Comments (5)

નખ – મનોજ ખંડેરિયા

ક્યાંક ને ક્યાંક પણ કળાયો નખ
જંગલોથી નગર છવાયો નખ

ઐતિહાસિક સમયના જખ્મોમાં –
માનવીનો જ ઓળખાયો નખ

દોસ્ત, ભ્રમણાની નખલી તૂટી ગઈ,
વાદ્યના તારથી ઘવાયો નખ

એમ છૂટા થવું પડ્યું અહીંથી –
સાવ કાચો કૂણો કપાયો નખ

આ ઉઝરડાના શિલ્પ- સ્થાપત્યે-
ક્યા કલાકારનો છુપાયો નખ ?

એમ રહીએ જગતને વળગીને-
આંગળીથી રહે પરાયો નખ

કોઈને રાવ કરવી કઈ રીતે ?
વસ્ત્રમાં ખુદનો જ્યાં ભરાયો નખ

આમ ખુલ્લે પગે નહીં નીકળ !
માંડ વરસો પછી રુઝાયો નખ

કાવ્ય, કાગળ ઉપરનાં નખચિત્રો !
નોખી નમણાશથી છપાયો નખ

– મનોજ ખંડેરિયા

કવિની વિષયપસંદગી તો જુઓ !!!!!

Comments (3)

રહેવું છે….. – ‘ગની’ દહીંવાળા

મંઝિલની અડગતા, પંથીનો નિરધાર બનીને રહેવું છે,
સો વાર મહોબ્બતમાં બગડી એક વાર બનીને રહેવું છે.

ફરિયાદ, જીવનનાં અંત સુધી ભગ્નાશ હૃદયને કરવા દો !
ખામોશ બની જાતાં પહેલાં પોકાર બનીને રહેવું છે.

ધનભાગ્ય જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં,
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.

જ્યાં પ્રેમનો પાલવ પથરાયો, ત્યાં ડાઘ પડ્યા બદનામીના,
સંસારની છાની વાતોને ચકચાર બનીને રહેવું છે.

હંમેશનાં રોતલ નયનોને એક વાર હસાવી તો જાણો !
ઝાકળને ઘડીભર પુષ્પોનો આકાર બનીને રહેવું છે.

એક કંપ ગગનમાં છાનો છે, ભય સૌને ખરી પડવાનો છે
પ્રત્યેક સિતારાને મારો આધાર બનીને રહેવું છે.

નેકીને બદીમાં અટવાતું, જોયું છે ‘ગની’ જીવન તારું,
સૂફીને સલામો ભરવી છે, મયખાર બનીને રહેવું છે.

– ‘ગની’ દહીંવાળા

Comments (2)

ગઝલ – રાહુલ શ્રીમાળી

વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.

અર્થનાં ઇન્દ્રાસનો ડોલી ગયાં,
શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી.

ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.

જાગતી’તી એય મારી સાથમાં,
રાત કોની યાદમાં રાચી હતી?

આપણે ક્યાં કંઈ બીજું કંઈ માગ્યું હતું?
માત્ર મોસમ મ્હેકતી યાચી હતી.

– રાહુલ શ્રીમાળી

ગાલિબને નવ સંતાન થયાં. એક પણ પુખ્ત વય સુધી પહોંચી ના શક્યું. મા-બાપના કલેજા પર કેવી આરી ચાલી હશે!? આવી જ વાત આ મજેદાર ગઝલનો મત્લા આપણી સામે લઈ આવે છે. શબ્દ કળા કરે તો એક જ શબ્દમાંથી નિતનવા અર્થ જન્મી શકે એ વાત પણ કવિએ કેવા મજાના અંદાજમાં રજૂ કરી છે! તરસ તીવ્ર થાય તો જ પાણીની ખરી કિંમત સમજાઈ શકે. ચાતક જ વરસાદના ટીપાનો ખરો મોલ કહી શકે. જિંદગીભર ઝાંઝવાની પાછળ દોડનાર જ સાચી સફળતા સમજી શકે. આખરી શેર પણ સરળ અને મજાનો થયો છે પણ હાંસિલે-ગઝલ શેર તો રાતવાળો થયો છે. કો’કની વાલમ વેરીની યાદમાં રાતના થતા ઉજાગરાને કવિ રાત પણ પોતાની જેમ જ જાગે છે એમ કહીને અદભુત કવિકર્મ કરે છે…

પ્રથમ ગઝલસંગ્રહ “રાતવાસાના નગરમાં”નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે…

Comments (3)