તે તમે છો? – હરિ શુક્લ
સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?
વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પ્હોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?
રાતભર તારાજડિત આકાશ શીતળ ચંદ્રની સાખે હતું પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?
આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?
આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ ભણી, ને
ધૂમ્રની સેરોની સાથે સાંઢ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?
– હરિ શુક્લ
આમ તો આ મુસલસલ ગઝલ છે પણ એની ગલીઓનું સરનામું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની પાડોશનું હોવાની અનુભૂતિ થાય છે. સાથે જ સુન્દરમની અમર રચના ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?’ પણ યાદ આવ્યા વિના ન રહે. લાંબી બહેરની આ ગઝલમાં ગઝલના પારંપારિક શબ્દોની ભરમારથી અલગ ઊઠીને કવિએ નિજી સંવેદનાસભર તાજા કલ્પનો આપીને મનોહર કવિકર્મ કર્યું છે. થોડી મુખર હોવા છતાંય સાવ નોખી જ ભાત ઉપસાવતી હોવાના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.