જવાહર બક્ષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 14, 2013 at 2:50 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
- જવાહર બક્ષી
મજાની ગીતનુમા ગઝલ…
Permalink
March 22, 2013 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.
- જવાહર બક્ષી
નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?
“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.
Permalink
January 20, 2013 at 11:00 pm by ધવલ · Filed under જવાહર બક્ષી, મુક્તક
જો ચાલવા ચાહીશ તો રસ્તો થઈ જશે,
પગલાં જો હું ભરીશ તો નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની પ્યાસ આખરૅ મૃગજળને પી જશે.
- જવાહર બક્ષી
Permalink
November 17, 2012 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી
પરપોટામાં કેદ પવનને કીધો જી.
ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું
અણસારાનો લાગ નયનને દીધો જી.
લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો
દૃષ્ટિનો દરબાર સ્વપનને દીધો જી.
સપનામાં તો ભુલભુલામણ – અટવાયા
ઓળખનો અવકાશ તો મનને સીધો જી.
અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું
પરપોટાની બહાર પવનને પીધો જી.
- જવાહર બક્ષી
પાંચ શેરની પંચેન્દ્રિય સમી ભજનની કક્ષામાં મૂકી શકાય એવી બે કાફિયાની ગઝલ. એકબાજુ જીવન-પવન-નયન-સ્વપન જેવા કાફિયા છે તો બીજી તરફ દીધો-કીધો-પીધો-સીધો જેવા કાફિયા સાંકળીને કવિએ કમાલ કરી છે. શરીરને પરપોટાની ઉપમા આપતા પહેલા અને છેલ્લા શેર તો અદભુત થયા છે.
Permalink
November 10, 2012 at 12:30 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
વિસ્મયભર્યું વહેલી પરોઢે ઊઘડ્યું તે કોણ? મીઠી ઊંઘ કે પાંપણ કે હું ?
જાગ્યા પછી પણ સ્વપ્ન તો સ્વપ્ન જ રહ્યું, એવું શું જાગ્યું, સત્ય કે સમજણ કે હું ?
ઊંડે સુધી થઈ શોધ રાત્રિ ને દિવસ, તો હાથ લાગ્યાં તડકો, રેતી ને તરસ
નિર્ણય કરી દે તું જ બસ કે મૃગજળોનાં મૂળમાં છે કોણ ? સૂરજ, રણ કે હું ?
ક્ષણક્ષણ જીવનજળમાં સતત વહી જાઉં છું પણ જ્યાં હતો હું ત્યાંનો ત્યાં રહી જાઉં છું,
આ કોણ વહેતું જાય છે ? કાયા કે પડછાયા કે માયા કે નહિ કંઈ પણ કે હું ?
પ્રત્યેક ઘર કરચોથી વેરણછેર છે ને તે છતાં અકબંધ આખું શહેર છે
આવું અજબ તે એક પળમાં કોણ ફૂટ્યું ? બિંબ કે પ્રતિબિંબ કે દર્પણ કે હું ?
અક્ષર મળ્યો તણખો, પવન લયનો ભળ્યો, જીવન શું ? હું મૃત્યુ પછી પણ રવરવ્યો
ને આમ ઠંડું પડ્યું તે કોણ ? ધૂણી, રાખ કે અંગાર કે ઇંધણ કે હું ?
- જવાહર બક્ષી
લાંબી બહેરની ગઝલોમાં સમાન્યરીતે રદીફ પણ લાં…બી હોય છે જેથી ગઝલકારે દોઢ લીટી જેટલી જ કારીગરી કરવાની રહે પણ જવાહર બક્ષીની આ લાંબી બહેરની ગઝલમાં રદીફ માત્ર બે જ એકાક્ષરી શબ્દો જેટલી ટૂંકી છે. ‘હું’નો પ્રશ્ન જ એવો સનાતન છે કે આપો એટલી જગ્યા એને ઓછી જ પડવાની. જેટલું વધુ મમળાવીએ એટલી વધુ આત્મસાત થતી અનુભવાય એવી ગઝલ…
(રવરવ્યો = ચચરાટ સાથે બળવું, નાદ પ્રગટ કરવો)
Permalink
April 25, 2012 at 9:58 pm by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે
- જવાહર બક્ષી
આ ગઝલ એક અનુભવ છે. અને અનુભવમાંથી તો પસાર થવાનું હોય. એને સમજવાની જીદ ન કરાય.
ગઝલ એબસ્ટ્રેક્ટ છે. પણ એનું બંધારણ ઘણું કહી જાય છે. સાંકળીને જેમ ગુંથેલા શેર આડકતરી રીતે બધી ચીજો એકબીજા સાથે કેવી જીવનચક્રમાં ગુંથાયેલી છે એ ઈંગિત કરે છે. શરુઆતમાં જે ખિસકોલીના અવાજમાં ખેંચાઈ જતા’તા એ અવાજમાં છેલ્લે કવિને પોતાનો જ અવાજ સંભળાય છે. એ વાત ફરી સમજાવે છે કે આ આખું ચક્ર ફરી ફરીને એ જ જગાએ આવવાનું છે.
કોઈને આ ગઝલમાં જન્મથી મૃત્યુ સુધીની વાત દેખાશે તો કોઈને એક દિવસની ગતિવિધિ દેખાશે. ને વળી કોશિશ કરશો તો પ્રેમ, મિલન અને જુદાઈનું ઝીણું ચિંતન પણ મળી આવશે. કોઈએ એબસ્ટ્રેક્ટ કવિતાને મેળામાં જોવા મળતા વક્રસપાટીવાળા રમૂજી અરિસા સાથે સરખાવી છે. પહેલા તો પ્રતિબિંબ એટલું વિચિત્ર લાગે કે થાય કે આ વળી શું છે ? પણ, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે એ તમારું પોતાનું જ પ્રતિબિંબ છે.
Permalink
September 27, 2011 at 11:07 pm by ધવલ · Filed under જવાહર બક્ષી, ત્રિપદી
જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું
*
ચહેરાના વાદળોમાં
જન્મોજનમનો ફેરો
બસ એકબે પળોમાં
*
વાદળ અજળ સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે
- જવાહર બક્ષી
ત્રણે ત્રિપદીમા વાદળ આવે છે. નાનકડી નાજુક રચનાઓમાંથી અર્થ ધોધમાર વરસતો નથી, ઝરમર ઝરમર ઝરે છે.
Permalink
April 24, 2011 at 3:30 am by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
સભાનતાની ક્ષિતિજોમાં…. વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી
નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી
બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી
અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી
રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી
વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી
- જવાહર બક્ષી
સરળ લાગતા એક-એક શેર છેતરામણા છે…ભારોભાર ઊંડાણ છે.
Permalink
April 6, 2011 at 11:00 pm by ઊર્મિ · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.
- જવાહર બક્ષી
માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે. પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ. બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું. આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ. જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ. આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે. હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.“ અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો. સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…
Permalink
January 31, 2011 at 11:12 pm by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ
મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ
કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ
ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ
પળભર મળ્યાં છે મેઘધનુ રંગ-રૂપનાં
કાજળ ન આંજ હમણાં આ પળમાં વહી જઈશ
- જવાહર બક્ષી
આજની ગઝલની સમજૂતી તદ્દન સરળ ભાષામાં
વહેવું = વિસ્તરવું = આગળ વધવું (= મૃત્યુ!)
બરફ = ઠંડો = વહેવાને માટે નાલાયક (= જીવન!)
મૃગજળ = જળ + છળ
અસ્થિર સત્ય = છળ
હું + તું + વિંટળાવું = વમળ
ઝાકળ = પલળેલું અકળ
અકળ = સુકવેલું ઝાકળ
મેઘધનુ = કુદરતી શોભા = જરૂરી
કાજળ = કૃત્રિમ શોભા = બિનજરૂરી
ગઝલ + મનમર્કટ = ગુંચવાયેલું ગણિત
Permalink