પુષ્ટ બનતું જાય છે એકાંત આ,
મન, સમાલી લે આ વધતા મેદને.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા – જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

-જવાહર બક્ષી

 

ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ટોળાંને નથી દિલ, ન મગજ. ટોળું એક અર્થહીન, શૂન્યતા છે. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળાંમાં તણાતા હોઈએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતાથી વિશેષ, એક અવ્યવસ્થાથી વધુ કશું જ નથી હોતા. આપણું હું-ન હોવું બરાબર જ છે જો આપણે આપણે વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો એક ભાગ બની બેઠાં હોઈએ. આ શેર વાંચતા જ ગાલિબ યાદ આવી જાય: डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?

– વિવેક

 

સમૂહ અને ટોળામાં ફરક છે. સમૂહમાં જે સંવાદિતા હોય છે એ ટોળામાં નથી હોતી. ટોળાને નથી હોતી બુદ્ધિ કે નથી હોતો કોઈ પોતીકો સૂર… બસ હોય છે માત્ર જુદા જુદા અવાજોથી સર્જાતો એક ઘોંઘાટ. ટોળાનો દરેક માણસ સ્વયં સિવાય અન્ય વિશે વિચારી શકતો નથી. ટોળાનો હિસ્સો બની રહેવામાં એ એક ભ્રામિક સલામતી અનુભવે છે. ટોળાના માણસો અનેક જગ્યાએ અન્યાય થતો જુએ, છતાંય પોતાને ટોળાની સંકુચિત મર્યાદામાં રાખી એ અન્યાયને અવગણી શકે. જે જોવું હોય એ જ જુએ, નહીંતર આંખો બંધ. માત્ર ટોળાનાં બનીને રહી ગયેલા એક માણસ એટલે કે પિતામહ ભિષ્મ. પોતાને આવા ટોળાની શૂન્યતાથી વધારે કશું જ ન સમજતા કવિ જીવનનો મર્મ ખૂબ સ-રસ રીતે સમજાવી જાય છે. પોતાની લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી ચાલીસ વર્ષ પછી પોતાને જ ન ગમેલી સાતસો જેટલી ગઝલોને રદ કરીને માત્ર 108 ગઝલોનો ‘તારાપણાનાં શહેરમાં’ સંગ્રહ આપનાર આ કવિ કહે છે કે "હું છું ને હું નથી"!

– ઊર્મિ

 

‘ટોળું’ એટલે શું ? – ઘણાબધા ‘હું’ નો સમૂહ. ‘હું’ એટલે ઘણાબધા વિચારો નું ‘ ટોળું’. શેરની ચાવી છે ‘શૂન્યતા’.

‘હું છું ને હું નથી.’- આ વિરોધાભાસ આભાસી છે. અસ્તિત્વનું મધ્યબિંદુ છે શૂન્યતા. જેની એક તરફ છે ‘હું છું’ અને બીજી તરફ છે ‘હું નથી’.

– તીર્થેશ

 

કેટલાક શેર અરીસા જેવા હોય છે. એની સામે જે ઊભુ રહે તેને પોતાના વિચારોનું પ્રતિબિંબ જ શેરમાં દેખાય. આ શેર જેટલી વાર વાંચો એટલી વાર તમારી પોતાની મનોસ્થિતિ પ્રમાણે એનો અર્થ તમને દેખાશે. ટોળું, શૂન્યતા, હોવું – એ બધાનો અર્થ જુદી જુદી રીતે થઈ શકે એમ છે.

પહેલી નજરેઃ ટોળાની શૂન્યતા એટલે ટોળું ભરાતું જાય એમ માણસ ખાલી થતો જાય અને છેવટે શૂન્યતા સુધી પહોંચી જાય. પોતે ટોળામાંથી અલગ નથી થઈ શકતા એટલે પોતાની જાત પર પણ કવિ ચોકડી મારે છે. પોતાનો મર્મ કશો રહ્યો નથી. ટોળાની વચ્ચે પોતાનું અલગ અસ્તિત્વ નથી રહ્યું એટલે પોતાના હોવા અને ન હોવામાં કોઈ ફરક રહેતો નથી. ટોળાનો ભાગ બની ગયેલા કવિ પોતાની જગતમાં કશો ફરક પાડી શકવા માટે અસમર્થ બની ગયા છે અને પોતાના અસ્તિત્વને નિરર્થક બની ગયેલું જુએ છે.

પછીઃ જેમ વિચારોની ઊંડાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે આટલા ઉમદા કવિ ટોળાની વાત કરીને પોતાનો સમય શું કરવા બગાડે ? આ તો આત્મદર્શનના કવિ છે. એ જે ‘ખાલીપણાના શહેર’ની વાત કરે છે એ કોઈ શહેરની વાત નથી, એ તો પોતાની જાતને જ ‘ખાલીપણાના શહેર’ તરીકે ઓળખાવે છે. (વિચાર જ કેટલો ઉમદા છેઃ દૂર દૂરથી જ્યાં ખાલીપો રહેવા માટે આવે છે એ શહેર!) તો પછી ‘ખાલીપણાના શહેર’માં ઘોંઘાટ કરી રહેલું ટોળું એટલે શું? એ ટોળું એટલે આપણી સિમિત ઈન્દ્રિયો. એ ટોળું મળીને ગમે તેટલો ઘોંઘાટ કરે એમનો છેવટે સરવાળો શૂન્ય જ થવાનો છે! પોતાના શરીરની-પોતાની ઈન્દ્રિયોની સીમા પારખીને કવિ કહે છે, હું કશું નથી. અને હું કશું છું કે નથી એનો પણ કશો અર્થ નથી.

આમ જ બીજા પણ અર્થ પણ થઈ શકે. નવો અર્થ મળે તો કવિતા બદલાતી નથી. આપણી પોતાની વિચારવાની રીત બદલાઈ હોય છે. આવી કવિતાને હું મુક્ત-કવિતા કહું છું. જે તમને વારંવાર વિચારવા મજબૂર કરી દે.

– ધવલ

5 Comments »

  1. perpoto said,

    December 6, 2013 @ 10:05 AM

    વિવેકભાઇ,ઉર્મિ,તીર્થેશભાઇ…આ વિષય વિચારો/બુધ્ધિથી પર ,અનુભુતીમા રહેલો છે.
    કન્ડીશનીંગ ખુદ ટોળું છે….

  2. Maheshchandra Naik (Canada) said,

    December 6, 2013 @ 8:04 PM

    ટોળામા માનવી એકલતા અનુભવી શકે ત્યારે જ વિચારોને- શબ્દોને વાચા આપવાન્ મન થઈ શકે, ટોળામા શુન્યતા આભાસી પણ હોય શકે, અને એકલતાની અનુભુતિ દ્વારા જીવનનો મર્મ પ્રાપ્ત કરવા સુધી પહોચી જાય છે. ત્યારે જ સરસ ગઝલ્ કાવ્ય ભજન પ્રાપ્ત થતુ હોય છે……………………..

  3. perpoto said,

    December 6, 2013 @ 11:21 PM

    ધવલભાઇ સારો પ્રયત્ન કર્યો છે પણ કવિ -નો માઇન્ડ સ્ટેટની-વાત કરે છે.
    વિચારહીનતા- દર્શક અને પદાર્થ બન્ને મટી જાય માત્ર દર્શન બચે…

  4. વિવેક said,

    December 7, 2013 @ 12:12 AM

    The eternal question is :

    To be or not to be…

  5. Harshad said,

    December 7, 2013 @ 10:58 PM

    Like It.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment