હું પહેલો મળી જઈશ – જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.
– જવાહર બક્ષી
માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે. પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ. બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું. આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ. જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ. આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે. હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.” અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો. સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…
bharat vinzuda said,
April 7, 2011 @ 10:50 AM
ગઝલમાં રદીફ કાફિયામાં પ્રિંટ ક્ષતિ જેવું લાગે છે.
એમ ના હોય તો છંદ દોષ છે..
jyoti hirani said,
April 7, 2011 @ 11:51 AM
વાહ્ ખુબ સરસ ગઝલ્ દરેક શેર ગહન ફિલ્સુફિ ભરેલો, તારાપણાના શહેરમા પુસ્તક દરેક કાવ્ય પ્રેમિ એ વસાવવા જેવુ
Bharat Trivedi said,
April 7, 2011 @ 12:49 PM
ક્યા બાત કહી !
pragnaju said,
April 7, 2011 @ 1:06 PM
મઝાની ગઝલ
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
વાહ્
યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું
હું નર્યા મીણનો માણસ છું1 ઓગળી જઈશ
છું હવા, ને હવાને વળી વિસ્તાર કયો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ
DHRUTI MODI said,
April 7, 2011 @ 1:27 PM
ચાર જ શે’રની પણ ઘણી જ સુંદર ગઝલ.
MAHESHCHANDRA NAIK said,
April 7, 2011 @ 9:16 PM
સરસ, ચાર શેરની ગઝલ, પણ છેલ્લા શેરમા સુરજ દ્વારા કવિશ્રીએ આશાવાદી થવાનો ઈશારો કરી દીધો છે,
ધવલ said,
April 8, 2011 @ 2:17 PM
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.
બિનવારસી સમયના વારસ થવાની વાત …. વાહ !
વિવેક said,
April 9, 2011 @ 2:13 AM
ભરત વિંઝુડાની વાત સાચી છે…
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે – આ પંક્તિમાં પણ છંદની ગરબડ લાગે છે…