હું તને કયાંથી મળું ? -જવાહર બક્ષી
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
-જવાહર બક્ષી
થોડા મહીના પહેલાંની ઈંડિયાની ટ્રીપ પર જવાહર બક્ષીનો ગઝલસંગ્રહ તારાપણાના શહેરમાં ખરીદેલો. જ.બ.નો પરિચય મને ખાસ નહીં. ગયા અઠવાડિયે અચાનક તારાપણાના શહેરમાં હાથ લાગી ગયો. આ સંગ્રહમાં એટલી બધી મઝાની ગઝલો છે કે મને ગમતી ગઝલો અહીં એક પછી એક મૂકવા માંડુ તો આખો મહીનો બીજું કંઈ લયસ્તરો પર મૂકવાની જરૂર પડે જ નહીં ! વિવિધ ભાત પાડતી, વિશિષ્ટ અર્થવિશ્વ જ્ન્માવતી, વિચારપ્રેરક ગઝલોની અહીં જાણે વણઝાર જ જોઈ લો. ઉપર રજૂ કરેલી ટાઈટલ ગઝલ (ટાઈટલ સોંગની જેમ ટાયટલ ગઝલ!) સંગ્રહના મિજાજનુ ખરું પ્રતિબિંબ પાડે છે. આ ઉપરાંત, આ સંગ્રહમાં ગઝલની સાથેસાથે અશ્વિન મહેતાના છબિ-કાવ્યો (આટલા સુંદર ફોટોગ્રાફ્સને બીજું કાંઈ પણ કહેવું ગુનો છે!) બોનસ તરીકે મૂક્યા છે. તારાપણાના શહેરમાં દરેક ગુજરાતી ગઝલપ્રેમી માટે આવશ્યક વાંચન છે.
Suresh said,
May 25, 2006 @ 9:28 AM
મારું સદભાગ્ય કે 2005 ના નવેંબરમાં હું અમદાવાદ ગયો ત્યારે મને શ્રી જવાહર બક્ષીના સ્વમુખેથી આદ્ય ગુજરાતી કવિ નરસિંહ મહેતાનાં પદોનું રસદર્શન સાંભળવાનો લહાવો મળેલો. ઉંચી દેહયષ્ટિ, નાગર સુલભ ગોરો વાન અને ઋષિ જેવો આત્મા… મારી અમદાવાદની તે મુલાકાત તેમને સાંભળીને ધન્ય થઇ ગઇ.તમે કહ્યું તેમ તેમની કઇ કવિતા તમને ગમે છે તે કહેવું અત્યંત મૂશ્કેલ બની જાય છે. આટલી બધી ઊંડાઇવાળા કાવ્યો એક સાથે વાંચવા મળે તે આપણું સદભાગ્ય છે.
અને જુઓ તો ખરા! કવિતાદેવીની આટલી બધી કૃપા પામેલો આ સર્જક કેટલા વર્ષે આ સંગ્રહ પ્રસિદ્ધ કરે છે?
આ જ કક્ષાના બીજા કવિ છે રાજેન્દ્ર શુકલ ..
મારા બ્લોગ પર ‘નાગર નંદાજીના લાલ’વાંચશો. તે રસદર્શન માર્રું નહીં પણ જવાહર ભાઇનું છે. તેમના પોતાના મતે તેમનો પ્રિય શેર છે –
‘મસ્તી વધી ગ ઇ તો વિરક્તિ થઇ ગઇ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.’
રસિકો તેમની છ-સાત કવિતાઓ પુરુશોત્તમ ભાઇએ રચેલ આલ્બમ ‘તારા શહેરમાં’માં સાંભળી શકશે.
રણકાર » તારાપણાના શહેરમાં – જવાહર બક્ષી said,
February 3, 2010 @ 11:26 AM
[…] અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? ——————————————– સાભાર: લયસ્તરો […]