થોડો થોડો થશે લગાવ અને
ત્યાં જ નડશે તને સ્વભાવ અને…
પોતપોતાની છે પીડા સહુની,
તારી રીતે જ તું ઉઠાવ અને…
વિવેક મનહર ટેલર

વિપ્રલબ્ધા ગઝલ – જવાહર બક્ષી

એક ભ્રમનો આશરો હતો …. એ પણ તૂટી ગયો
પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ
સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી
હું બારણાં સુધી જઈ…..પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો

– જવાહર બક્ષી

[ વિપ્રલબ્ધા = અષ્ટનાયિકાઓમાંની એક નાયિકા ]

પ્રત્યેક શેર બળકટ…..જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ એક ઘેરી ઉદાસીનો સામો બંધાતો જાય છે…

4 Comments »

  1. pragnajuvyas said,

    December 25, 2019 @ 9:53 AM

    અથાભિસારિકા વાસસજ્જાપ્યુત્કણ્ઠિતા તથા ।
    વિપ્રલબ્ધા ખણ્ડિતા ચ કલહાન્તરિતા પરા ॥
    પ્રોષિતપ્રેયસી પ્રોક્તા તથા સ્વાધીનભર્તૃકા । એવી આઠ પ્રકારની નાયિકા .આ શબ્દો કદાચ આજની પેઢી માટે સાવ અજાણ્યા છે, પરંતુ આ શબ્દો ખૂબ રસપ્રદ છે. આ શબ્દો એ સ્ત્રીઓના મનોભાવને અભિવ્યક્ત કરતી અવસ્થાઓ છે.તેમા નાયકે સંકેત ન સાચવ્યાથી નાસીપાસ થયેલી નાયિકા -વાયદા છતાં ન આવતા પ્રિયતમની યાદમાં તડપતી નાયિકાનું હદય દ્રાવક ચિત્રણ વિપ્રલબ્ધા અંગે જવાહર બક્ષીની બળકટ ગઝલ
    મરતા હરણની ચીસ જેવો આ શેર
    આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું
    મનને મનાવવા ફરી અવસર મળી ગયો
    આંખ નમ કરે…
    અને મક્તા- ગુજરાતી સાહિત્યનો અમર શેર
    મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં
    મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો
    ધન્યવાદ ડૉ તીર્થેશ ને

  2. Lalit Trivedi said,

    December 25, 2019 @ 2:35 PM

    અદભુત ગઝલ

  3. vimala Gohil said,

    December 25, 2019 @ 2:56 PM

    “મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો”

  4. Anila Patel said,

    December 26, 2019 @ 1:42 AM

    ધન્યવાદ , પ્રજ્ઞાબેન ના પ્રતિભાવ દ્વારા અષ્ટ નાયિકાઓ વિષે આજે જ જાણવા મળ્યું. પ્રજ્ઞાબેનના પ્રતિભાવો વાંચવાની મજા આવે છે અને જ્ઞાન પણ એટલુંજ મળે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment