વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
ગની દહીંવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ - ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૦૧: શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૦૨: મારું જીવન એ જ સંદેશ - ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૦૩: ગાણું અધૂરું -ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૦૪: આજ મારું મન માને ના
ઉમાશંકર વિશેષ :૦૫: ગયાં વર્ષો –
ઉમાશંકર વિશેષ :૦૬: રહ્યાં વર્ષો તેમાં –
ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા
ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ
ઉમાશંકર વિશેષ :૦૯: માઈલોના માઈલો મારી અંદર - ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૧૦: ભોમિયા વિના -ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૧૧: પ્રશ્નો - ઉમાશંકર જોષી
ઉમાશંકર વિશેષ :૧૨: ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી
ઉમાશંકર વિશેષ :૧૩: મહાપ્રસ્થાન
ઉમાશંકર વિશેષ :૧૪: હાઈકુ અને મુક્તક
ઉમાશંકર વિશેષ :૧૫: ભારત
ઉમાશંકર વિશેષ :૧૬: થોડો એક તડકો
ઉમાશંકર વિશેષ :૧૭: જઠરાગ્નિ
ઉમાશંકર વિશેષ :૧૮: પીંછું
ઉમાશંકર વિશેષ: જન્મ શતાબ્દી મહોત્સવ
એ તે કેવો ગુજરાતી - -ઉમાશંકર જોશી
એક પંખીને કંઈક - ઉમાશંકર જોષી
કોઈ જોડે, કોઈ તોડે - ઉમાશંકર જોશી
ગાંધી-વિશેષ:૩: ગાંધીજયંતી - ઉમાશંકર જોશી
ગાંધીને પગલે પગલે - ઉમાશંકર જોશી
ગૂજરાત મોરી મોરી રે - ઉમાશંકર જોશી
ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ - ઉમાશંકર જોશી
જાન્યુઆરી ૩૦ - ઉમાશંકર જોશી
તને...મને -ઉમાશંકર જોશી
તેં શું કર્યું ? - ઉમાશંકર જોશી
દે વરદાન એટલું -ઉમાશંકર જોશી
ધોબી, કવિ અને વિજ્ઞાની - ઉમાશંકર જોશી
નવા વર્ષે - ઉમાશંકર જોશી
નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી
પંચમી આવી વસંતની - ઉમાશંકર જોશી
પ્ર ક ભુ વિ - ઉમાશંકર જોશી
પ્રશ્ન - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.ઉમાશંકર જોશી
ભોમિયા વિના -ઉમાશંકર જોશી
મધુર આશીર્વાદ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ- ઉમાશંકર જોશી
માઈલોના માઈલો મારી અંદર - ઉમાશંકર જોશી
માનવીના હૈયાને - ઉમાશંકર જોશી
મૃત્યુફળ - ઉમાશંકર જોશી
યાદગાર ગીતો :૦૫: ગીત અમે ગોત્યું -ઉમાશંકર જોશી
રૂપ-નારાનેર કૂલે - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.- ઉમાશંકર જોશી
વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત - ઉમાશંકર જોશી
વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી
વિશ્વમાનવી -ઉમાશંકર જોશી
શબ્દ - ઉમાશંકર જોશી
શબ્દોત્સવ - ૩: સૉનેટ: સખી મેં કલ્પી'તી - ઉમાશંકર જોશી
શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું... - ઉમાશંકર જોશી
શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી
શોધ (કવિતાનો અંશ) -ઉમાશંકર જોશી
સૉનેટ - ઉમાશંકર જોશી
હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી
હું ગુર્જર ભારતવાસી - ઉમાશંકર જોશી
હું ગુલામ? - ઉમાશંકર જોશી
હેમન્તનો શેડકઢો - ઉમાશંકર જોશીહું ગુલામ? – ઉમાશંકર જોશી

હું ગુલામ?
સૃષ્ટિ–બાગનું અતૂલ ફૂલ માનવી ગુલામ?

સ્વચ્છંદ પંખી ઊડતાં, સ્વતંત્ર પુષ્પ ખીલતાં
હલાવતાં સુડાળ ઝાડ, ના કહેતું કોઈ ના;

સરે સરિત નિર્મળા, નિરંકુશે ઝરે ઝરા;
વહે સુમંદ નર્તનો, ન કોઈ હાથ દેતું ત્યાં;

સિંધુ ઘૂઘવે કરાળ. ઊછળે તરંગમાળ,
ગાન કોઈ રોકતું ન, નિત્ય ગીત ગાજતા;

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ?!

-ઉમાશંકર જોશી

 

એક ક્લાસિક રચના….

Comments (5)

શું શું સાથે લઈ જઈશ હું? – ઉમાશંકર જોશી

શું શું સાથે લઈ જઈશ હું?

કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-

વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-

વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

જવાનો સમય આવી ગયો છે. સવાલ છેઃ સાથે શું લઈ જવું? સિકંદર ખાલી હાથે ગયેલો. પોતાની સંપત્તિમાંથી કશું સાથે નહોતો લઈ જઈ શકેલો. કવિ પણ ખાલી હાથે જ જવાનું મુકરર કરે છે. પણ શહેનશાહ અને કવિમાં એક ફરક છે – કવિ ખાલી હાથ સાથે પણ પોતિકી બધી ય સંપત્તિ સાથે લઇ જવા સમર્થ છે. કારણ કે કવિની સંપત્તિ જ અલગ જાતની છે. કવિની સંપત્તિનું મોહક વર્ણન વાંચીને તમને પણ એક વાર મરવા તૈયાર થઈ જાવાનું મન ન થઈ જાય તો પૈસા પાછા !

(તસ્વીર સૌજન્યઃ વેલરી એવરેટ)

Comments (7)

હેમન્તનો શેડકઢો – ઉમાશંકર જોશી

હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
ને ચક્ષુની
અબોલ હૈયાચમકે કહી રહ્યાં :
.          છે ક્યાંય ગ્લાનિ
.          કે લાગણીની અસંતોષ-અતિતોષ-મ્લાનિ ?
ડોકું હલાવી રહી સંમતિમાં
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
.          પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
.          કેમ છો તમે ?

સરી ગયો બાગ થકી ત્વરા-ભર્યો,
પૂંઠે રહું અનુભવી, નવ હોય જાણે
ભોંકાતી શું સ્વર્ગજાસૂસ પુષ્પો
કેરી આંખો.

– ઉમાશંકર જોશી

હેમન્ત ઋતુના સવારના તડકાનું, બાગનું, પુષ્પોનું અને સૌંદર્યપાન કરતા કવિનું એક સુંદર ચિત્ર કવિ દોરી આપે છે પણ ચિત્ર જ દોરીને અટકી જાય એ ઉમાશંકર શાના? પૃથ્વીજાયાં શબ્દથી કવિ પ્રકૃતિના અન્ય તમામ સજીવો અને મનુષ્યો વચ્ચેની ભેદરેખા પીડાજનકરીતે, આપણી સંવેદનાઓને આરપાર ભોંકાય એ રીતે ઉપસાવી આપે છે. ફૂલો (અને પ્રકૃતિના અન્ય સજીવ ત્તવો) પણ પૃથ્વીના જ સંતાન છે, આપણી જેમ પણ એ લોકોમાં ક્યાંય અસંતોષ કે અતિસંતોષ કે દુઃખ-દર્દની છાયા જોવા મળતી નથી. એ લોકો કાયમના પ્રસન્ન. અને આપણે? ફોરમસ્વરૂપે પુષ્પો આ પ્રશ્ન જેવો રમતો મૂકે છે કે કવિએ બાગ ત્યજીને ભાગવું પડે છે પણ એ પલાયન પણ પાછળ જાણે પુષ્પોની આંખ જાસૂસની જેમ ભોંકાતી કેમ ન હોય એવું તકલીફદેહ છે. સ્વર્ગ વિશેષણ વાપરીને કવિ પુષ્પ ાને આપણી વચ્ચેના તફાવતને સાફ કરી આપે છે.

Comments (5)

ધોબી, કવિ અને વિજ્ઞાની – ઉમાશંકર જોશી

ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.

કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્‌ઝવર્થનું.’

વિજ્ઞાની ક‌્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’

વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’

ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.

વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’

‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’

કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’

‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’

મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’

હસે કવિ, ‘ના ઉર આનું નાચે,
જીવ્યું અરે ફોગટ વર્ડ્‌ઝવર્થનું!’

– ઉમાશંકર જોશી

કવિ ઉમાશંકર જોશી માટે કહેવાતું કે તેઓ હસે તો છાપામાં સમાચાર આવે ! તેઓ પાસેથી આવું નખશિખ વ્યંગ-કાવ્ય મળે એટલે ધન્ય ધન્ય !!!!!

Comments (3)

માનવીના હૈયાને – ઉમાશંકર જોશી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

– ઉમાશંકર જોશી

classic ……..

Comments (4)

નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

અલ્પ લઈને રહું છું,
તેથી જ
મારું જે જાય છે
તે ચાલ્યું જાય છે,- ક્ભણર પણ
જો ખોવાઈ જાય તો
તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરી ઉઠે છે.

નદીતટની પેઠે સતત
વૃથા જ
પ્રવાહને જકડી રાખવા ચાહું છું.
એક પછી એક
લહરીઓ હૈયા પર આઘાત કરીને
ક્યાંય ચાલી જાય છે.

જે જાય છે અને જે કંઈ રહે છે
તે બધું તમને સોંપી દઉં,
તો પછી ઘટવાનું નથી,
બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે .
તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે,
કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી !!
મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે ??

-રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત હોય છે જે મોટેભાગે કાવ્યને બે થી ત્રણ વાર વાંચતા બરાબર સમજાય છે – ઈશ્વરભક્તિના તેઓના તમામ કાવ્ય ભલે પહેલી નજરે સરખા જેવા જ લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવવિશ્વ આકાર લે છે. જેમ કે આ કાવ્યમાં તેઓએ પોતાની વિહવળતાનું કારણ પ્રસ્થાપિત કર્યા બાદ જાણે સ્વોક્તિ કરતા હોય તેમ ઇશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોક-

ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।

-ને સ્મરીને જાતનું સમાધાન કરે છે.

Comments (2)

મધુર આશીર્વાદ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

આ જીવનમાં હું સુંદરના મધુર આશીર્વાદ
પામ્યો છું.
મનુષ્યના પ્રીતિપાત્રમાં એની સુધાનો
આસ્વાદ પામું છું.
દુ:સહ દુઃખના દિવસે
મને
અક્ષત અને અપરાજિત આત્માની ઓળખ
થઈ છે.
પાસે આવી રહેલા મૃત્યુની છાયાનો
જે દિવસે અનુભવ કર્યો છે તે દિવસે
ભયને હાથે દુર્બળ પરાજય થયો નથી,
શ્રેષ્ઠ પુરુષોના સ્પર્શથી હું વંચિત થયો નથી.
તેઓની અમૃતવાણી
હૃદયમાં મેં સંચિત કરી છે.
જીવન-વિધાતા તરફથી મને જીવનમાં
જે અનુકૂળતાઓ સાંપડી છે
તેની
સ્મરણલિપિ
કૃતજ્ઞમનથી
મેં આંકી રાખી છે.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- ઉમાશંકર જોશી

ગુરુદેવની આ પ્રાર્થના સાથે આપને નવવર્ષને વધાવીએ……….

Comments (3)

શું છે ત્યાં આજે, જ્યાં વૃક્ષ હતું… – ઉમાશંકર જોશી

શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.

ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.

પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.

વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.

– ઉમાશંકર જોશી

જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?

અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?

Comments (4)

મૃત્યુફળ – ઉમાશંકર જોશી

મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

– ઉમાશંકર જોશી

હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:

કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?

– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!

Comments (11)

રૂપ-નારાનેર કૂલે – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

રૂપ-નારાનેર કૂલે
જેગે ઉઠિલામ ;
જાનિલામ એ જગત
સ્વપ્ન નય.
રક્તેર અક્ષરે દેખિલામ
આપનાર રૂપ;
ચિનિલામ આપનારે
આઘાતે આઘાતે
વેદનાય વેદનાય;
સત્ય યે કઠિન,
કઠિનેરે ભાલોબાસિલામ-
સે કખનો કરે ન વંચના.
આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-
સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,
મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે.

રૂપનારાન[નદીનું નામ] ના કિનારા પર
હું જાગી ઊઠ્યો.
જાણ્યું કે આ જગત
સ્વપ્ન નથી.
રક્તના અક્ષરોમાં નિહાળ્યું
મેં પોતાનું રૂપ;
પોતાની જાતને ઓળખી
પ્રત્યેક આઘાતમાં
એકેએક વેદનામાં;
સત્ય તો કઠિન છે,
કઠિનને મેં પ્રેમ કર્યો-
તે ક્યારેય છેતરપિંડી કરતું નથી.
સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની,
મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની,
મરણ પર્યંતની દુઃખની તપસ્યા – આ જીવન.

– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.- ઉમાશંકર જોશી

 

‘ સત્ય ‘ એક એવો વિષય છે જે અનાદિકાળથી વિચારના કેન્દ્રસ્થાને રહ્યો છે. પૌરાણિક સાહિત્યનો અભ્યાસ કરીએ તો સત્ય શું છે તે સમજવું મુશ્કેલ બની જાય. વાલી-વધનું સત્ય આજ સુધી સમજાયું નથી. કૃષ્ણ તો સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા ઉપર ચાલતા એક નટ જેવા લાગે ! કોઈ કહે છે-‘સત્ય સાપેક્ષ હોય છે.’ કોઈ કહે છે-‘સત્ય અચળ અને નિરપેક્ષ હોય છે.’ ગાંધીજીનું સત્ય જુદું,ભગતસિંહનું જુદું,સુભાષબાબુનું  જુદું. કવિ કહે છે આ જીવન એ એક નિતાંત સત્યની ખોજ સિવાય કંઈ નથી…..

Comments (5)

Page 1 of 6123...Last »