ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

ધારાવસ્ત્ર – ઉમાશંકર જોશી

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

– ઉમાશંકર જોશી

સંક્ષિપ્ત આસ્વાદ કવિશ્રી સંજુ વાળાની કલમે માણીએ:
સંપૂર્ણ આસ્વાદ માટે અહીં ક્લિક કરો.

પરમ પ્રકૃતિપુરુષની રમ્ય-રૌદ્ર લીલા

કવિને પ્રિય એવા કોઈ વર્ષાકાળે થયેલા અગમ્ય અને વિસ્મયભર્યા નભદર્શનથી સર્જાયેલું આ કાવ્ય છે. રસરાગી અને ચૈતન્યભાગી આપણા આ કવિના દર્શનમાં વર્ષાજળ વરસાવતાં, વિહરતાં વાંદળાં મેઘપુરુષનો ખેસ લહેરાતો હોય એવાં ભાસે અને કવિ એને ‘ધારાવસ્ત્ર’ કહે. માત્ર બે-ત્રણ શબ્દોની એક એવી દસ જ પંક્તિમાં કવિ વિરાટ, ભવ્ય અને આશ્ચર્યચકિત કરનાર ચિત્ર આ કાવ્ય રજૂ કરે છે. એટલે આ નાના કદનું પણ વિરાટ રહસ્યગર્ભે વિસ્તરતું કાવ્ય છે. પાંચેક જેટલા ક્રિયાપદો કાવ્યને ગતિ આપે છે જે ધારાવસ્ત્ર ઊડતું, ફરફરતું હોવાની પ્રતીતિ કરાવે છે. અને તેની ઉચિતતા પણ સ્થાપે છે.

કાવ્યના ઉઘાડની પંક્તિઓ જ કેવી રહસ્યમય અને વિસ્મિત કરનારી છે ! કોઈ પ્રચંડ અસ્તિત્વ આકાશવિહારે નીકળ્યું છે એની ચાલ કેવી તો કહે ‘ઝપાટાભેર’ એના આગળ-પાછળ થતા અજાનબાહુથી પવન સૂસવાટા મારતો હશે. આકાશ થોડું થરથર્યું હશે. એટલે જ તો દેવાધિદેવ સૂર્ય પણ બાજુ પર ખસ્યો નથી હડસેલાઈ ગયો છે. આ સાદ્શ્ય હજી તો માંડ પ્રત્યાયન પામે ત્યાં એક સાથે દૃષ્ટિ અને શ્રવણેન્દ્રિયને જગાડતી પંક્તિ સંભળાય છે : ‘ધડાક બારણાં ભિડાય.’ આ પ્રચંડ ધડાકાથી બારણા બિડાયાં કે બારણા બિડાવાનો આ ઘોરઘોષ (અવાજ) હતો ? મેઘગર્જન હશે ? પર્જન્યપુરુષના નભવિહારની કેવી રૌદ્ર નિષ્પત્તિ છે આ ? પરંતુ કવિ એના વિશે ચોખવટ કરે તો તો એ કવિ કરતા નિબંધકાર સાબિત થાય. જર્મન ઓથર ટોમસ માનની ઉક્તિ સંભળાય છે :’The real artist never talk about the main things.’

કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આકાશમાં થતી વિશાળ અને વિશિષ્ટ હલચલની પૃથ્વીસ્થિત પ્રતિક્રિયા અથવા સહોપસ્થિતિ છે. અહીં ધ્યાન ખેંચે છે તે બન્ને ક્રિયાપદ- ‘મથ્યાં કરે, હાથ વીંઝ્યાં કરે.’ આ ક્રિયા જે કરે છે તેને કવિએ વૃક્ષ તો કહ્યાં, પાછા હાથ પણ દીધા. એટલે આપણા આંખ-કાન ચમક્યાં. વળી એક રહસ્યમય વાત પ્રગટી. આ હાથાળ વૃક્ષોને ઝીલવું તો છે પેલું ‘ધારાવસ્ત્ર’ પણ…! કવિએ એક જ વિશેષણથી કેવું સમાધાન આપી દીધું? ‘વ્યર્થ.’ ‘કરે’ ક્રિયાપદથી આ પ્રાપ્તિની મથામણ તો ચાલુ જ છે પણ વ્યર્થ. હવે રહે છે તો માત્ર ધારાવસ્ત્ર. પેલો પુરુષ કે અસ્તિત્વ પણ ઓગળી ગયું. છે તો માત્ર સૃષ્ટિ અને આકાશ અને.. બેઉને જોડતું આ અનુપમ, અદ્ભુત કે અલૌકિક ‘ધારાવસ્ત્ર.’

રસાસ્વાદ: સંજુ વાળા

2 Comments »

  1. Dhruti Modi said,

    July 12, 2024 @ 2:34 AM

    કાવ્ય તો ગમ્યું પણ સમજવું અઘરું, આસ્વાદ ગમ્યો કોઈ પુરુષ કે પછી અસ્તિત્વનું અલોપ થવું અને ફક્ત
    અલૌકિક ‘ધારાવસ્ત્ર’ નું રહેવું સૃષ્ટિ અને આકાશને જોડતું !

    ‘ધરતી કો આકાશ પુકારે’!

  2. લતા હિરાણી said,

    July 14, 2024 @ 6:07 PM

    વાદળની જેમ મનમાં ફેલાઈ જતું કાવ્ય….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment