મન આળું તો ન પૂછ કે વચ્ચે છે કોણ કોણ?
મન સારું તો રહ્યું ન કશું દરમિયાનમાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

અડધો ઊંઘે… – મનહર મોદી

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

એક જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.

આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!

બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?

આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ લાગે.

એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.

હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો કહે છે: આગે આગે.

– મનહર મોદી

પોતાની જાતના તદ્દન બરછટ વર્ણનથી ગઝલની શરૂઆત થાય છે. જાગૃતિ અને નિદ્રાના મિશ્રણ તરીકે પોતાની ઓળખ કરાવીને પછી કવિ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે: એકાદ કાંટો વાગે તો મન હવે પુરું જાગી ઊઠે. પડછાયો તો બધે પડવાનો જ છે. એનાથી ભાગવાની કોઈ જરૂર (કે ફાયદો) નથી. બાર બગાસાં… જગતને સમજતા આવતા જતા આવતા કંટાળાની વાત છે કે પછી ‘બાર બગાસાં’ જેવો મનમોજી પ્રયોગ કરવાની લાલચ કવિ જતી નથી કરી શકતા? 🙂  એક તરફ ઘર ને માણસથી ઘેરાવાની વાત છે તો બીજા શેરમાં શૂન્યની શક્તિની વાત છે. અર્થ કવિને એમના શબ્દને ઊંચાને ઊંચા મુકામ સુધી લઈ જવા ઉશ્કેરે છે એ કલ્પના જ એકદમ મઝાની છે.

Comments (3)

પ્રાર્થના – સર્વેશ્વરદયાલ સક્સેના

નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

પ્રાપ્ત કરીશ એને મરીને વિખરાઈને
આજે નહીં તો કાલે આવીશ મુક્ત થઈને

કચડાઈ પણ જાઉં તો શરમ શાની
પડતા પહાડને રોકીશ
શરણે નહીં આવું
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માગું.

ક્યારે માગી છે સુગંધ તારી પાસે સુગંધહીન ફૂલે
ક્યારે માગી એ કોમળતા તીક્ષ્ણ કાંટાએ
તેં જે આપ્યું, આપ્યું,
હવે જે છે, મારું છે.
સૂઈ જા તું, વ્યથાની રાત હવે હું જ જાગીશ
નહીં નહીં પ્રભુ તારી પાસે
શક્તિ નહીં માંગું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

પ્રાર્થના એ પ્રભુ પાસે મદદ માંગવાની અરજી બની જતી હોય છે. એ પોતાની જાતને -અને એ રીતે- ઈશ્વરને માન આપવાની રસમ બનવી જોઈએ.

Comments (9)

વેદનાનાં વારિ – દિલીપ પરીખ

સ્નેહના સાગરમાં હું એથી જ ડામાડોળ છું,
તેં દીધેલી વેદનાનાં વારિથી તરબોળ છું !

આભને ધરતી જેના વિસ્તારને ઓછાં પડે,
હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

આમ મારો ચહેરો ફિક્કો ફિક્કો દેખાતો ભલે,
લાગણીની ક્ષણ મહીં નીરખો તો રાતોચોળ છું !

પ્રેમમાં તું તો સભર છે ઊર્મિની ઉષ્મા વડે,
શું કરું કે લાગણીમાં હું જ ટાઢોબોળ છું !

– દિલીપ પરીખ

સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે.

છેલ્લા શેરનું આત્મનિરીક્ષણ ધ્યાન ખેંચે તેવું છે – પ્રેમ અનુભવવા માટેની એક અનિવાર્ય પૂર્વશરતની વાત છે. પહેલો શેર મને બહુ ન ગમ્યો-શબ્દોની રમત લાગી.

Comments (8)

એક ઘા – કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !

આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.

રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

– કલાપી

રાજકવિએ તેઓના સમગ્ર જીવનમાં માત્ર આ ગીતની અંતિમ બે પંક્તિઓ જ લખી હોતે તોપણ હું તેઓનો આજીવન ઋણી રહેતે…. રહીમનો દોહો છે –

રહિમન ધાગા પ્રેમ કા , મત તોડ઼ો ચટકાય ।
ટૂટે સે ફિર ન જુડ઼ે, જુડે઼ ગાંઠ પડ઼ જાએ।।

Comments (8)

આપના હાથમાંથી – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું,
હું અરીસો નથી તોય ફૂટી ગયો છું.

મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો,
ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું.

મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

જીવ ચાલ્યો ગયો છે મને પ્રશ્ન મૂકી,
કઈ જનમટીપમાંથી હું છૂટી ગયો છું.

– ભરત ભટ્ટ ‘તરલ’

Comments (6)

વરસાદ આવ્યો – કિસન સોસા

હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,
ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,
સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,
જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

પાણી પર વરસાદ વરસે એ કલ્પનને પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો તરીકે કવિ મૂર્ત કરે ત્યારે શબ્દની શક્તિ આગળ અને કવિની કલ્પના સામે શિશ નમાવવાનું મન થઈ જાય… બધા જ શેર મજાના થયા છે પણ છાતીમાંથી ઊઠતી વેદનાની વરાળ, આંખમાં ઘેરાતા વ્યથાના વાદળ અને આંસુના ઊભરી આવતા ઘોડાપૂરવાળો શેર કલ્પન નવું ન હોવા છતાં કવિની અભૂતપૂર્વ માવજતના કારણે ઠેઠ ભીતર સુધી સ્પર્શી જાય છે…

Comments (4)

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક  ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…

સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર

[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]

આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી…  ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર  આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.

વિવેક દ્વારા આસ્વાદ:

મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

Comments (12)

નીકળીએ – રમેશ પારેખ

ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ,
ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ.

એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ
પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ

દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ
અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ.

આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ
અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ.

– રમેશ પારેખ

મુઠ્ઠી અને તાલી. બે શબ્દોએ મને વિચારતો કરી દીધો. કેટલાક માણસો તાલી જેવા હોય છે અને કેટલાક મુઠ્ઠી જેવા. એક પકડ્યા પકડાય નહીં,બીજાને ખોલતાય ખુલવાનું નસીબ થાય નહીં. કદાચ એવા, મુઠ્ઠી જેવા, માણસો માટે જ કવિએ દરવાજો ખોલી જોવાની વાત લખી છે.

Comments (6)

ચાંદની – સ્કિપવિથ કનેલ

ઝૂરીઝૂરીને થાક્યો છું,
બેહોશ છું પ્રેમમાં;
મારા માથા પર ચાંદની
પડી છે
તલવારની જેમ.

– સ્કિપવિથ કનેલ
(અનુ.સુરેશ દલાલ)

અમેરિકન કવિતામાં ‘ઈમેજીસ્મ’ના એક પુરસ્કર્તા કવિની નાનકડી કાવ્ય-છબી. સાદી અને સીધી રજૂઆત, અને ધારદાર સચોટ વર્ણન ‘ઈમેજીસ્મ’ના લક્ષણો છે.

Comments (6)

-મળશે ત્યારે – જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

– જગદીશ જોષી

Comments (8)

અંધકાર – સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર.
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર.
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વ્રુક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણોને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

– સુરેશ જોષી

અહીં ગુહ્ય સાથે લડાઈની વાત છે. સામે પક્ષે માશૂકા પણ હોઈ શકે,પોતાની જાત પણ હોઈ શકે. અંધકાર એટલે અજાણ્યો પ્રદેશ… જ્ઞાનનો અભાવ આજ સુધી ભય પ્રેરતો હતો. અંધકારનો ડર લાગતો હતો. હવે આ ભયને અતિક્રમવા સિવાય કોઈ ઉપાય નથી. તે હું કઈ રીતે કરીશ ? – તેનું વર્ણન શી અદભૂત છટાથી થયું છે અહીં !
‘આજે હું અંધકાર થઈને તને ભેદીશ……’

Comments (2)

જીવ હું – જગદીશ વ્યાસ

ઝળહળ થતા ગગન તળે ઝાકળનો જીવ હું,
ચળકી લઉં અનંતે તેજે પળનો જીવ હું.

ખુલ્લાપણું છે લોહીમાં મારા સમુદ્રનું,
તોડી પહાડ બ્હાર પડું જળનો જીવ હું.

મારાં ખરી પડેલ પીળાં પાન શું ગણું ?
ફૂટી રહેલી હર પળે કૂંપળનો જીવ હું.

થોડાંક બીજ હાથમાં છે કલ્પવૃક્ષનાં,
બેઠો છું એના છાંયડે અટકળનો જીવ હું.

આ જળ પ્રશાંતનું હશે મારું સગું કશુંક,
ખેંચાઈ આવ્યો છું જે ગંગાજળનો જીવ હું !

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત,
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું ?

– જગદીશ વ્યાસ

આ ગઝલ લખી ત્યારે આ કવિને પોતાને કેન્સર થયું છે એની જાણ હશે કે કેમ એની મને જાણ નથી પણ આ ગઝલના શેરોમાં મૃત્યુનો અહેસાસ હચમચાવી દે એ રીતે વહી આવ્યો છે. કદાચ આવનાર અંતની અપ્રત્યક્ષ અનુભૂતિ થઈ જતી હશે ? ગગન અને ઝાકળ, અનંત અને પળને juxtapose કરીને કવિએ કમાલ મત્લા આપ્યો છે. કવિએ પોતાના મૃત્યુના દોઢ મહિના પૂર્વે પોતાની આઠ વર્ષની દીકરીને સંબોધીને લખેલી ગઝલ તથા મૃત્યુ વિષયક શેરો પણ આ સાથે વાંચવા જેવા છે.

Comments (5)

ગઝલ – ઉર્વીશ વસાવડા

શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,
એ જ એનો અર્થ છે, સમજાય તો.

પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,
સાવ સીધો તર્ક છે, સમજાય તો.

કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,
એ જ સાચું પર્વ છે, સમજાય તો.

માનવી ને માનવી ગણવો ફકત,
એ ખરેખર ધર્મ છે, સમજાય તો.

અ કલમ પર છે નિયંત્રણ કોકનું,
ને મને એ ગર્વ છે, સમજાય તો.

પુષ્પને સ્પશર્યા વિના પણ પામીએ,
દોસ્ત ઉત્તમ અર્ક છે, સમજાય તો.

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર ખૂબ જ મજાના એવી આ ગઝલ ઘણી ઊંડી વાતો કરી જાય છે, સમજાય તો…

Comments (8)

ફળ ના મૂકે – મણિલાલ હ. પટેલ

જીવ વગર એ જળ ના મૂકે,
કાળ કુંવારી પળ ના મૂકે.

માટીમાંથી સાદ ઊઠે છે,
કણબી અમથું હળ ના મૂકે.

એને પણ માયા લાગે છે,
ફોગટમાં ઝાકળ ના મૂકે.

ફૂલકૂંપળમાં ખૂલે છે એ,
અવર કશીએ કળ ના મૂકે.

વૃક્ષ થવાનું વ્હાલું લાગે,
ખાલીખમ એ ફળ ના મૂકે.

ક્રૂર ઘાતકી પ્રીત કાય-ની :
બળે દોરડી વળ ના મૂકે.

– મણિલાલ હ. પટેલ

ટૂંકી બહેરની પણ અર્થગંભીર ગઝલ…

Comments (10)

પથ્થર – ફૂયુહિકા કિટાગાવા – અનુ. જગદીશ જોષી

પથ્થર ઠંડોગાર છે;
એ ખરબચડો,ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં
એણે ગોળ થયે જ છૂટકો,
વહી જાતાં વર્ષોમાં
બીજાઓ સાથે અથડાતાં-કુટાતાં,
એવું નથી કે પથ્થરને ઉષ્માળો ન જ હોય.
તમે જો એને હૃદયને ગજવે-છાતીસરસો-રાખો તો
તે હૂંફાળો થશે જ, થશે.

માત્ર એટલું જ, કે એની ટાઢીબોળ જડતાને ખંખેરવા મથતાં
તમારે ધરપત રાખવી પડે.

-ફૂયુહિકા કિટાગાવા [ જાપાન ]

Comments (6)

આપણી જ વાત – જગદીશ જોષી

વાતને ઝરૂખે એક ઝૂરે છે લાગણી
…..આપણી !

એક એક પળ હવે પીગળીને પ્હાડ થાય
આપણી જ વાત હવે આપણી જ વાડ થાય
વાયરાને સંગ તોયે રાતરાણી એકલી
એકલી ઝૂરે છે અભાગણી.

હોઠો આ શબ્દોના પડછાયા પાથરે
સમણાંએ લંબાવ્યું આંખોને સાથરે
આગિયાની પાંખ પરે બેઠો સૂરજ : એની
રગરગમાં મારગની માગણી.

– જગદીશ જોષી

કોઈ શબ્દો જડતા જ નથી આ કાવ્યની ટિપ્પણ લખવા માટે……..

Comments (1)

રોનક થઈ ગઈ – હેમેન શાહ

સોબત વાદળ માફક થઈ ગઈ,
માંડ મળ્યાં ત્યાં ચકમક થઈ ગઈ.

કોણ ટહુક્યું ભર બપ્પોરે ?
રસ્તે રસ્તે ઠંડક થઈ ગઈ.

બારી ખોલી – મેઘધનુષ ત્યાં !
શું અણધારી આવક થઈ ગઈ.

જે ક્ષણને મેં ધુત્કારી’તી,
એ તો ભાગ્યવિધાયક થઈ ગઈ.

બત્તી ઉઘડી, હસ્યા ફુવારા,
અને નગરમાં રોનક થઈ ગઈ.

જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.

– હેમેન શાહ

એક મજાની 10/10 ગઝલ !

 

Comments (9)

પથ્થર થરથર ધ્રૂજે – નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે !
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે !

– નિરંજન ભગત

સાવ જાણીતી કથાને કવિએ આપેલું સુંદર કાવ્ય-સ્વરૂપ… આ ગીત વાંચીને મને તો રાજેશ ખન્નાની ‘રોટી’ ફિલ્મનું આ ગીત યાદ આવ્યું… 🙂

Comments (13)

આવશે ! – પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

ભેગાં કરીશ બોર તો એ કામ આવશે !
ક્યારેક તો આ ઝૂંપડીએ રામ આવશે !

મારી આ બરબાદી વિશે એણે પૂછ્યું નહીં !
એને હતો એ ડર કે એનું નામ આવશે !

દુર્ભાગ્યનો નિયમ સદા અવળો જ હોય છે !
તું ‘એમ જા’ કહીશ ને એ આમ આવશે !

મારી કથા તો આપમેળે થઈ હતી શરૂ !
લાગે છે તારા હાથથી અંજામ આવશે !

ખોળો ગઝલનો તો કદી ખાલી નહીં રહે !
આદિલ, ચિનુ, મરીઝ ને બેફામ આવશે !

– પ્રકાશ ચૌહાણ ‘જલાલ’

પહેલી જ નજરે ગમી જાય એવી પણ બીજી નજરે ? ત્રીજી નજરે ? વધુ ને વધુ ગમી જાય એવી ગઝલ…

Comments (13)

મુઠ્ઠીમાં – કિસ્મત કુરેશી

લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.

અગર લાગે છે, તો ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી નયનના નીર મુઠ્ઠીમાં.

હશે કાં આટલી મોટી તે કિંમત બંધ મુઠ્ઠીની?
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશું યે હીર મુઠ્ઠીમાં.

કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઊગામી જો,
પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.

નજુમીએ કહ્યું તો યે નથી કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજુ જાગીર મુઠ્ઠીમાં.

– કિસ્મત કુરેશી

હાથ જો મુઠ્ઠી થઈ જાય તો કિસ્મતને પકડવાનું કામ સહેલું છે.

Comments (8)

કયાં છે – જાતુષ જોશી

ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?

એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?

ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?

– જાતુષ જોશી

માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.

Comments (9)

એક ઘટનાને કાજે – મકરંદ દવે

એક એવી ઘટનાને કાજે
જિન્દગી આખી ઝૂરતા રહેવાનું
મૌનનો રાખી મલાજો.

જુગજુગનો એક એવો વાયદો
જેને લાગુ પડે ન કોઈ કાયદો
દુનિયાની નજરે તો કાંઈ નહીં ફાયદો,
એમ છતાં દુનિયાને એક એ જ ચાહે
ને દુનિયાને હેતથી નવાજે.

આંખે ઉજાગરા ને ઊંઘવું પોસાય નહીં
સૂકી આ જિન્દગીમાં કરુણા શોષાય નહીં
એના વિશે વળી કાંઈ કહેવાય નહીં,
ક્યારે આવીને ઊભા રહેશે
ને દેશે ટકોરો દરવાજે.

સૂરજ ઊગે ને વળી સૂરજ તો આથમે
એક એવી ધગધગતી ધૂણી કે ના શમે
એક લાગી લગની,બીજે તે ક્યાં ગમે ?

જિન્દગીને રોજ રોજ સુંદર સજાવવાની,
અત્યારે, આજે ને આજે.

-મકરંદ દવે

કવિશ્રીને કોઈએ પૂછતાં તેઓએ જણાવેલું કે આ કાવ્ય તેઓએ આમ તો શબરીના અનુસંધાનમાં લખ્યું છે, પરંતુ તેઓની પોતાની આંતરસ્થિતિ પણ કંઈક આવી જ રહે છે……

 

Comments (5)

પ્રવાસી-રાજેન્દ્ર શાહ

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

– રાજેન્દ્ર શાહ

[ અલક્ષિત = દેખાઈ  ન શકે તેવું , તિરોહિત = અદ્રશ્ય ]

 

આંતરપ્રવાસની કથા છે. સંપૂર્ણપણે અજ્ઞાત ક્ષેત્રમાં તમામ પરિમાણો બદલાઈ જાય છે.

Comments (2)

ક્યાં ક્યાં છે વનમાળી – વિનોદ ગાંધી

ક્યાંક વાંસળી, ક્યાંક મયૂરપિચ્છ, ક્યાંક કામળી કાળી
ક્યાંક મથુરા, ક્યાંક દ્વારિકા, ક્યાં ક્યાં છે વનમાળી !

કો’ક ગોપીની મટુકીમાંથી
મહીડાં માફક છલકે
વનરાવનની વિકટ વાટમાં
પવન બનીને મલકે
ક્યાંક ધૂળ તો ક્યાંક મૂળ તો ક્યાંક કદંબની ડાળી

કાલિન્દીના જળ માંહીથી
દડો બનીને નીકળે
ક્યાંક કંસની છાતીમાંથી
રુધિર બનીને નીંગળે
ક્યાંક બહાવરી પૂનમ રાતની ગોપિકાની તાળી

-વિનોદ ગાંધી

અનવરત લયથી મઢેલું એક મજાનું ગોપીગીત…

Comments (5)

ગઝલ – પારુલ ખખ્ખર

એવો ઘા, ના સાંધો રેણ,
છૂટ્યા રે ગોફણ થી વેણ.

ના તૂટે આ વિષ ના દંત,
છો ને પટકે માથું ફેણ.

કોણે કીધું છે દુષ્કાળ,
બન્ને કાંઠે વરસે નેણ.

જળ થળ કીધા એકાકાર,
કેવા થ્યા ભૂરાયા વ્હેણ.

લેવા આવ્યા’તા કિરતાર,
મૂર્ખે પાછા ઠેલ્યા કહેણ.

-પારુલ ખખ્ખર

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ જેના જીવનને અડતી ન હોય એવા લોકો હવે મળવા અઘરા થઈ પડ્યા છે. ફેસબુક જેવી આ સાઇટ્સના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ… પણ મારે તો ફાયદાની જ વાત કરવી છે.

નાની ઊંમરે કવિતા લખવાનું શરૂ કરનાર પારુલ ખખ્ખરની જિંદગીમાં ફેસબુકે જબરદસ્ત વળાંક આણ્યો. એની અંદર જે કાચો માલ હતો એ ફેસબુક અને ફેસ-ટુ-ફેસ કવિઓની મદદથી સંવર્ધિત થયો અને પરિણામસ્વરૂપ આ અને આના જેવી અનેક ગઝલ…

અઘરો કાફિયો અને ટૂંકી બહેર જેવી સાંકડી ગલીમાં પણ આ ગઝલ અદભુત કામ કરી શકી છે…

Comments (17)

ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…

– ઇન્દુકુમાર ત્રિવેદી

Comments (10)

ઝેન ગઝલ – જવાહર બક્ષી

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે

ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે

મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે

‘સૂરજ નથી’ ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે

તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે

આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો’તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં…હું સંભળાઉં રે

– જવાહર બક્ષી

આ ગઝલ એક અનુભવ છે. અને અનુભવમાંથી તો પસાર થવાનું હોય. એને સમજવાની જીદ ન કરાય.

ગઝલ એબસ્ટ્રેક્ટ છે. પણ એનું બંધારણ ઘણું કહી જાય છે. સાંકળીને જેમ ગુંથેલા શેર આડકતરી રીતે બધી ચીજો એકબીજા સાથે કેવી જીવનચક્રમાં ગુંથાયેલી છે એ ઈંગિત કરે છે. શરુઆતમાં જે ખિસકોલીના અવાજમાં ખેંચાઈ જતા’તા એ અવાજમાં છેલ્લે કવિને પોતાનો જ અવાજ સંભળાય છે. એ વાત ફરી સમજાવે છે કે આ આખું ચક્ર ફરી ફરીને એ જ જગાએ આવવાનું છે.

કોઈને આ ગઝલમાં જન્મથી મૃત્યુ સુધીની વાત દેખાશે તો કોઈને એક દિવસની ગતિવિધિ દેખાશે. ને વળી કોશિશ કરશો તો પ્રેમ, મિલન અને જુદાઈનું ઝીણું ચિંતન પણ મળી આવશે. કોઈએ એબસ્ટ્રેક્ટ કવિતાને મેળામાં જોવા મળતા વક્રસપાટીવાળા રમૂજી અરિસા સાથે સરખાવી છે. પહેલા તો પ્રતિબિંબ એટલું વિચિત્ર લાગે કે થાય કે આ વળી શું છે ? પણ, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવે એ તમારું પોતાનું જ પ્રતિબિંબ છે.

Comments (3)

આપો – ભરત વિંઝુડા

લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.

હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.

આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.

– ભરત વિંઝુડા

એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.

Comments (8)

શાંત કોલાહલ – રાજેન્દ્ર શાહ

રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધ મીઠી ઝરી પ્રસન્નતા.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ;
કલબલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિશે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ વસંત
હંભારવમાં બધા ય તે અવાજ ઝાંખા
ઘર,હાટ, ઘાટના.
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડહોળાય આખો અવકાશ,
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !

– રાજેન્દ્ર શાહ

[ ગુલ્મ = સ્થાન,જગ્યા. ચાષ = એક કાબર જેવું પંખી ]

આખેઆખાં વહી જવાય એવું ઊર્મિકાવ્ય…..

 

Comments (4)

કાળને – : મહેન્દ્ર અમીન

કાળને
બાઝી ગયેલાં
વિરતિનાં જાળાં
હવે તો
સાફ કરવાં પડશે
નહિ તો,
મારા અસ્તિત્વની
ધાર
કાટ ખાઈ જશે :
લાવ,
કેટલાંક જૂના થઈ ગયેલાં
કાર્યો –
ભલે એનાં એ જ –
જરીક નોખી રીતે કરું :
ઈશુને ગોળીએ વીંધુ
અને
ગાંધીને ખીલે ઠોકું.

– મહેન્દ્ર અમીન

[ વિરતિ = વિશ્રામ, અટકવું તે ]

એક સરળ પરંતુ ધારદાર વ્યંગ કાવ્ય……પેલું વાક્ય યાદ આવે છે-‘ માનવી ઈતિહાસમાંથી એટલું જ શીખ્યો છે કે માનવી ઈતિહાસમાંથી કંઈ જ શીખતો નથી.’

Comments (4)

ધન્ય ભાગ્ય – ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

-ઉશનસ્

કૃષ્ણ-ગોપીની મટકીલીલા લગભગ બધી ભાષાના કવિઓએ અવારનવાર ગઈ છે અને તોય તે એવી ને એવી તાજી જ લાગે છે. કનૈયો મટકી ફોડીને ગોરસ લૂંટી લે એ ન ગમતું હોય, એની ફરિયાદ કરતી હોય એવી ગોપીના માધ્યમથી કવિઓએ કૃષ્ણના ગુણગાન ગાયા છે.

ફરિયાદી ગોપીને અન્ય ગોપી કૃષ્ણ મહિમા સમજાવતાં કહે છે કે આ તો તારાં સદભાગ્ય છે કે જે સદા અમૃત ખાનાર છે એ કાનજી તારી કને ગોરસ માંગી રહ્યો છે. ઊંચે આભમાં રમનાર ખેલાડી આજે તારા આંગણે પોતાનો ઈશ્વરીય વેશ ત્યજીને રમવા ઊતરી આવ્યો છે. ઈ આપણો ધણી બની બેસે તોય આપણે કશું કહી-કરી શકનાર નથી પણ આ ચૌદ ભુવનનો સ્વામી યાચક બનીને આવ્યો છે.

જેની મટકી કાનજી ફોડતો નથી એ આખી રાત ગોરસ પી પી કરે તોય ખૂટવાનું નથી. અંતે ઢોળી દેવું પડે છે. વળી કાનજી એક બુંદ પણ પીએ એનો જ તો ખરો મહિમા છે. એ એક મુઠ્ઠી તાંદુલ સામે મહેલોની ભેટ ધરે છે અને એક વસ્ત્રના ચીરા સામે હજાર વસ્ત્રો પૂરે છે.

જેની ગાગર ફૂટે એનો જ ભવ ફેડાઈ જાય છે. કાનજી જેવો લૂંટારો આવે ત્યારે કશું બચાવવા જવું એ જ મૂર્ખતા છે કેમકે આ લૂંટમાં તો જે બચી જાય છે એ વ્યર્થ છે અને જે લૂંટાઈ જાય છે એ જ સાર્થક છે…

વાત ગોકુળની ગોપીની નથી, આપણા અંતર અને અંદરની ગોપીની જ છે…

Comments (7)

અભિસાર – સુનંદા ત્રિપાઠી (ઊડિયા) (અનુ: ઉત્પલ ભાયાણી)

જયારે આખું નગર સૂતું હોય
ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું
અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી
તારા ખંડમાં પ્રવેશું છું.
.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.

– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

 

અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…

 

ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર

Comments (6)

વૃક્ષ – સુરેશ દલાલ

ફૂલપાન ખરી જાય
એની રાહ જોતું
હું એક વૃક્ષ
બધો જ ભાર હળવો થાય
પછી મારી નગ્ન ડાળીઓમાં
આકાશ વીંટળાય.

– સુરેશ દલાલ

બધાએ આખરે તો પંચમહાભૂતમાં મળી જવાનું છે. કોઈ જમીનનો રસ્તો પસંદ કરે છે તો કોઈ અગ્નિનો રસ્તો પસંદ કરે છે… ને કોઈ આકાશનો રસ્તો પસંદ કરે છે.

Comments (5)

પ્રસવ – એમિલિયા હાઉસ (અનુ. અનિલ જોશી)

પ્રસવના સમયથી આગળ
એક સ્ત્રી જેવી હે મારી જન્મભૂમિ !
તું ધીમે ધીમે ચાલે છે. તારા પગ બોજાથી ભારે છે.
અમે હવે રાહ જોઈ શકીએ એમ નથી, તારા કુદરતી
પ્રસવની. અમે હવે બળજબરીથી તારી સુવાવડ કરીશું.
સહન કર મારી જન્મભૂમિ, સહન કર.
જોર લગાડ. વધુ જોર લગાડ.
તેં જે વીર્યબીજને ગ્રહણ કર્યું છે
એને પૂરા સમય સુધી સહન કર. વધુ જોર લગાવ….
ફક્ત તું જ આપી શકે છે અમારી
આઝાદીને જન્મ !

– એમિલિયા હાઉસ (પૉલિશ કવયિત્રી)
(અનુ. અનિલ જોશી)

ગુલામીની વ્યથા અને આઝાદીની આશા કેવી પ્રબળ હોઈ શકે એનું રૂંવાડા ઊભા કરી દેતું ચિત્રણ આ સાવ નાનકડા કાવ્યમાં સુપેરે વ્યક્ત થયું છે. આવા સશક્ત શબ્દો અને તીવ્રતમ લાગણી કોઈ પ્રસ્તાવનાની મહોતાજ નથી…

Comments (6)

પ્રાણ – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ.-નગીનદાસ પારેખ

મરિતે ચાહિ ના આમિ સુન્દર ભુવને,
માનવેર માઝે આમિ બાંચીબારે ચાઇ.
એઇ સૂર્યકરે એઇ પુષ્પિત કાનને
જીવન્ત હૃદય-માઝે યદિ સ્થાન પાઇ !

ધરાય પ્રાણેર ખેલા ચિરતરંગિત,
વિરહ મિલન કત હાસિ-અશ્રુમય-
માનવેર સુખે દુઃખે ગાંથિયા સંગીત
યદિ ગો રચિતે પારિ અમર-આલય !

તા યદિ ના પારિ તબે બાંચિ યત કાલ
તોમાદેરિ માઝખાને લભિ યેન ઠાઁઇ,
તોમારા તુલિબે બલે સકાલ બિકાલ
નવ નવ સંગીતેર કુસુમ ફૂટાઈ.
હાસિમુખે નિયો ફુલ, તાર પરે હાય
ફેલે દિયો ફુલ, યદિ સે ફુલ શુકાય.

 

આ સૌંદર્યમય વિશ્વમાં મને મરવાની ઈચ્છા નથી.
હું માનવોમાં જીવવા ઈચ્છું છું.
આ સૂર્યના કિરણોમાં,
આ પુષ્પિત કાનનમાં, અને જીવન્ત હૃદયમાં
હું સ્થાન પામવા ઈચ્છું છું.

ધરતી પર કેટકેટલાં વિરહ અને મિલન-હાસ્ય
અને અશ્રુ-ભરી પ્રાણની લીલા
સદાય લેહરાયા જ કરે છે,
– માનવના સુખદુઃખનાં ગીતો ગૂંથીને
અમર ભૂમિ રચવાની મારી ઇચ્છા છે.

પણ જો તે ન કરી શકું,
તો જ્યાં સુધી જીવું ત્યાં સુધી
તમારી વચ્ચે જ સ્થાન પામું
એમ ઈચ્છું છું.
અને તમે ચૂંટશો એમ કરીને
સવારે અને સાંજે
નવાં નવાં સંગીતના ફૂલો ખીલવ્યા કરીશ.
તમે હસતે મોઢે એ ફૂલ લેજો
અને
ત્યાર પછી હાય, જો એ ફૂલ સુકાઈ જાય
તો ફેંકી દેજો !

-રવીન્દ્રનાથ ઠાકુર

Comments (5)

આપણી જુદાઈ – મનોજ ખંડેરિયા

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

– મનોજ ખંડેરિયા

અત્યંત મનમોહક રૂપકો……
ભગવાન બુદ્ધે કહ્યું છે – ‘ desire is the root cause of all misery.’ કોઈક ટીખળખોરે કહ્યું છે- ‘ desire-less life is miserable….. ‘

 

Comments (6)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

મનગમતી ક્ષણ તડકે મૂકી !
પોત નવું વણ તડકે મૂકી !

હાશ કરી મન હેઠું બેઠું,
ભીતર ના વ્રણ તડકે મૂકી !

શુભ-ફળના સંકેત ગણું છું,
તેર તણાં ત્રણ તડકે મૂકી !

દરિયો મેઘ થઈ ના વરસ્યો ,
તો પીધું રણ તડકે મૂકી !

પગભર થાશે એ આશાએ ,
કાચી સમજણ તડકે મૂકી !

ખાલી થઈને થ્યું ભીનું મન ,
કોરા સગપણ તડકે મૂકી !

દુઃખ ઉચક્યું છે ડાબા હાથે ,
તારણ, કારણ તડકે મૂકી !

રોજ હવે ઊગાડું અવસર ,
તિથિ ને તોરણ તડકે મૂકી !

હું ગઝલો થી આપું ઓળખ ,
ધારા-ધોરણ તડકે મૂકી !

– લક્ષ્મી ડોબરિયા

નાની બહેરની ગઝલમાં તડકે મૂકી જેવી અઘરી રદીફ લઈ ચુસ્ત અને આટલા બધા કાફિયા સાથે કામ પાર પાડી મોટાભાગના શેર સંતર્પક આપવા એ કંઈ આસાન કામ છે? શું કહો છો?

Comments (12)

મુક્તક – અશોક જાની ‘આનંદ’

સતત વરસ્યા કરે, વરસાદ જેવી યાદ પજવે છે,
કદી નહિ સાંભળેલો દૂરનો એ સાદ પજવે છે;
સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ,
મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે.

– અશોક જાની ‘આનંદ’

આકાર ન પામેલા સ્વપ્નો જ માણસને વધુ પજવતા હોય છે…

Comments (8)

યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી

*

ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.

ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.

કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?

શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?

-અંકિત ત્રિવેદી

આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…

Comments (20)

સગપણ – માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું…

સોણલાંની વાડી ઝાકમઝોળ,
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે,
મઘમઘ સુવાસે તરબોળ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ક્યાં રે કિનારો ને ક્યાં નાંગર્યા
નજરુંના પડછાયા આમ!
ઊગી ઊગીને અચરજ આથમે
પછી એમ પથરાતું નામ…
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

ઝાકળ સરીખું ઝલમલ બારણું,
પગલે પાંપણનું ફૂલ,
એક રે હોંકારે ઉઘડે આગળા,
ઓળઘોળ આયખાનું મૂલ…

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું!

– માધવ રામાનુજ

સુંવાળી યાદમાં લપેટીને રાખેલા એનાથી ય સુંવાળા સંબંધનું ગીત.

Comments (7)

ન પૂછ – માવજી મહેશ્વરી

ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ

દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.

તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.

આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.

કાંડે વીંટાયો છે સાપ,
કંકણનો રણકાર ન પૂછ.

તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.

– માવજી મહેશ્વરી

શેખાદમની યાદ અપાવી દે એવી સરળ-સશક્ત ગઝલ.

Comments (8)

ગઝલ – રઇશ મનીઆર

જ્યાં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે

વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન !
કંઈ કેટલાની એમાં નિ:શબ્દ સંમતિ છે

આ ભીડ કેવી જામી ? આ કેવા ઊર્ધ્વગામી ?
આકાશ સૌનું અંગત, આ કેવી ઉન્નતિ છે ?

શીશામાં એક ઉતરે, બીજાનું ભાગ્ય ઉઘડે
શોધે એ સઘળે ગ્રાહક, જોખમમાં દોસ્તી છે

સમૃદ્ધ સૌ નશામાં, ને શેષ દુર્દશામાં
બસ, બીજા જૂથમાંથી પહેલા તરફ ગતિ છે

મેં ચીસ ક્યારે પાડી ? મેં રોષ ઠાલવ્યો ક્યાં ?
કેવળ ગઝલ લખી છે, એ મારી પદ્ધતિ છે

-રઇશ મનીઆર

Comments (21)

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

-પ્રહલાદ પારેખ

ઇન્દ્રિય અનુભવને અનુભવે છે,મગજ તેનો પ્રિય-અપ્રિય ઈત્યાદી શીર્ષક નીચે સંગ્રહ કરે છે. ત્યાર પછી જાણે અનુભવજન્ય આનંદની ધાર બૂઠી ને બૂઠી થતી જાય છે. સૃષ્ટિમાં સૌંદર્યનો પર નથી,પણ મન પાસે તેને માણવાની ‘જગ્યા’ નથી……

Comments (7)

ગઝલ – બકુલેશ દેસાઈ

આદરી છે અને અધૂરી છે
જાતની જાતરા ક્યાં પૂરી છે ?!

જીવવા યાદ બહુ જરૂરી છે
એટલે મેં સતત વલૂરી છે

રાહ જોવામાં શૂરીપૂરી છે
મારી આંખો ગજબની નૂરી છે !

ધૂળ શ્રદ્ધા અને સબૂરી છે ?!
લાગે છે – ભીરુતા ઢબૂરી છે !

ભાવ-સમભાવ-ધ્યેય નહિ હો તો –
જિંદગી કંઈ નથી, મજૂરી છે !

ખાસ મિત્રો છે… મોટી દહેશત છે…
રામ મુખમાં, બગલમાં છૂરી છે.

એક-માર્ગી નથી હૃદય મારું,
ચાહ પામ્યો છું… ચાહ સ્ફુરી છે.

– બકુલેશ દેસાઈ

અહિંસાના માર્ગ વિશે હંમેશા બે મત રહ્યા છે. ગાંધીજી જેવા ભડવીર તો કોઈક જ હશે જે બંદૂકની સામે અહિંસાનું હથિયાર લઈ ખુલ્લી છાતીએ ઊભા રહી શકે. બાકી મોટાભાગના અહિંસાપ્રેમીઓ હકીકતમાં હિંસા એમનો ‘કપ ઑફ ટી’ ન હોવાના કારણે અહિંસાનો માર્ગ લેતા હોય છે. કવિએ શ્રદ્ધા અને સબૂરીની બરાબર સુરતી શૈલીમાં ધૂળ ઝાડી છે…

બે દિવસ પહેલાં જ ધવલે મંગળ રાઠોડનું એક આવા જ મિજાજનું અછાંદસ મૂક્યું હતું એ પણ જોવા જેવું છે.

Comments (5)

મૌનની ભાષા – શિવ દેવ માનહંસ (અનુ. બાલકૃષ્ણ સોલંકી)

પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે.
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં.
પ્રેમનો સ્પર્શ
આશ્વાસે છે, શાતા આપે છે.
એટલે
જયારે તમે કોઈને પણ
મૌન ધારણ કરતાં જુઓ
અને એના ચૈતન્યમાં
શાંતિના સ્પંદનો હોય
તો, કોઈ પણ પ્રકારની શંકા વિના
એને પ્રેમી કહી શકશો.

– શિવ દેવ માનહંસ (ભાષા: ડોગરી)
(અનુવાદ: બાલકૃષ્ણ સોલંકી)

*

પ્રેમની આનાથી અદભુત વ્યાખ્યા મળવી શક્ય છે?

સૌજન્ય: ક્રિષ્ના-તારા નામનો આધાર

 

Comments (9)

અહીં – મંગળ રાઠોડ

હું
અહીં
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.
જાણી લીધા છે તમને,
બધાને.
પગથી માથા સુધી
કુહાડી અને હાથા સુધી
તમે જ તમે છો !

બહુ ઓછા લોકો
એ જાણે છે.
જે જાણે છે
તે બોલતા નથી.
જે બોલવા જાય છે
તે કપાઈ જાય છે.
જે બોલતા નથી
તે મપાઈ જાય છે.
હું અહીં –
આવ્યો ત્યારે
હતો અજાણ્યો.
હવે રહ્યો નથી.

– મંગળ રાઠોડ

પરિસ્થિતિની ભીંસ સતત તમને દબાવતી જાય અને સંજોગોનો રાક્ષસ બારે હાથથી તમને પકડી લે ત્યારે જ આવું બ્રહ્મજ્ઞાન લાધે છે : જાણવા કે ન જાણવા, બોલવા કે ન બોલવાથી કાંઈ ફેર પડતો નથી. કારણ કે આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ નથી. ( સરખાવો : અર્ધસત્ય )

Comments (5)

(આ માણસ બરાબર નથી) – હિતેન આનંદપરા

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

સમી સાંજ દરિયાકિનારે જવું, તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને, ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

સુંદરતા જોવી ગમે છે, સહજ છે, પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે, આ માણસ બરાબર નથી.

ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનથી યે છેટો રહે છે,
બસ પોતાને માટે જીવે છે, મરે છે, આ માણસ બરાબર નથી.

વધુ એને ચીડવો, વધારે દઝાડો, જલાવો, દયા ના બતાવો,
કારણ એ કાયમ ઈર્ષ્યાથી બળે છે, આ માણસ બરાબર નથી.

દિવસના કલાકો પૂજા, પાઠ, સેવા ને કીર્તનમાં વીતે છતાં
ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી

હતા બાળકો જયારે નાના કદીયે સમય એને આપ્યો નહીં
હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી

નિરાંતે કદી બેસી આરામખુરશી પર નભને તેં જોયું છે દોસ્ત ?
ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી.

ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા, ઉપેક્ષા કરી જેની જીવનમાં કાયમ
દીવાલો પર એની તસ્વીરો મઢે છે, આ માણસ બરાબર નથી.

ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે, પણ વાંધો છે એ,
અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી.

જે લુચ્ચું હસે છે, જે ખંધુ હસે છે, જરા એથી ચેતીને ચાલો,
કે આખો શકુનિ એમાંથી ઝરે છે, આ માણસ બરાબર નથી.

– હિતેન આનંદપરા

આ ગઝલ એટલે ‘માણસ’ નામનાં સ્વાર્થી પ્રાણીની છ અલગ અલગ રીતે કવિએ લીધેલી જબરદસ્ત ઉધડી!  દરિયાકિનારા અને સુંદરતાવાળા શેરોનો સાક્ષાત્કાર વારંવાર થતો રહેતો હોવાને કારણે જરા વધુ ગમી ગયા… 🙂

Comments (24)

અતિજ્ઞાન – કાન્ત

ઉદ્ગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે,
ઝાંખી દિશા પણ જણાય, અનિષ્ટ પાસે,
જામી ગઈ તરત ઘોર,કરાલ રાત,
લાગી બધે પ્રસરવા પુર માંહી વાત.

ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

દુર્યોધનપ્રેષિત દૂત એક,
દેખાવમાં ઘાતક દુષ્ટ છેક,
જતો હતો અંધ થતી નિશામાં,
સુગુપ્ત રાજગૃહની દિશામાં !

શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા;
ભય સંદેહ દર્શાવી, શિર કોઈ હલાવતા !

નિગૂઢ શંકા પુરવાસીઓની આ,
જરાય નિષ્કારણ તો નહોતી હા !
કરેલ આમંત્રણ ધર્મરાજને,
રમાડવા દ્યૂત અનિષ્ટભાજને.

હા કહીને રજા આપી યશસ્વી જ્યેષ્ઠ પાંડવે;
બોલાવ્યા ત્રણ બંધુને મળવાને પછી હવે.

શિશુસમાન ગણી સહદેવને,
ખબર આ કંઈયે ન કર્યા હતા;
અવર સર્વ ગયા નૃપની કને,
પરમ દુ:ખિત અંતરમાં થતા !

કનિષ્ઠ દ્રૌપદી સાથે પોતાના વાસમાં હતો,
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો.

ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને,
નજીક આંખે નીરખે થનારને :
સ્વપક્ષનો દ્યૂત વિષે પરાજય,
વળી દીસે દ્રૌપદીમાનનો ક્ષય !

જાણે બધું તથાપિ કૈં કહેવાની રજા નહીં,
શમાવી ન શકે તેથી મૂંઝાય મનની મહીં.

નહીં શકું હાય ! બચાવી કોઇને,
અશક્ત જેવો રહું બેસી રોઈને,
અરે ! દીસે દુ:ખદ શાપ આ મને,
નિહાળું છું ભૂત ભવિષ્ય જે કને !

“હા ધિક્ ! હા ધિક્ ! કૃતઘ્ની હું આમ મૌન ધરી રહું :
આવતું વાદળું દેખી મુખથી ન કશું કહું ! ”

વિચારતાં નેત્ર જલે ભરાય છે,
શરીરનું ચેતન ત્યાં હરાય છે;
લઈ જઈને પ્રિય વક્ષની સમી,
ગ્રહી કરે મસ્તકથી રહ્યો નમી !

રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી :
“પ્રિયે ! સ્પર્શ કરું શું હું ! અધિકાર જરા નથી !

કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ,
થનાર ચીજો નવ થાય અન્યથા:
સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું;
અનેક હું એકલડો સહ્યા કરું !

રજની મહીં,સખી,ઘણીક વેળા,
નયન મળે નહીં ઊંઘ જાય ચાલી;
કરી તુજ શિરકેશ સર્વ ભેળા,
વદન સુધાકરને રહું નિહાળી !”

આવું કહ્યું,ત્યાં શિર શૂળ ચાલ્યું,
રહ્યું નહીં મસ્તક મત્ત ઝાલ્યું;
મારી કુમારે અતિ આર્ત હાય,
કહ્યું, ‘હવે એક જ છે ઉપાય !’

ચાલી જરા ને ગ્રહી એક શીશી,
પ્યાલી ભરી દંતથી ઓષ્ઠ પીસી:
ખાલી કરી કંઠ વિષે ત્વરાથી;
ગયો બધો એ બદલાઈ આથી !

સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ;
સૂતો જ્યોતિષી પ્યાલીને છાતી સાથે જડી દઈ !

– કાન્ત

પાઠ્યપુસ્તકમાં આ કવિતા ભણ્યા હતા ત્યારે તે જેટલી poignant લાગી હતી,તેટલી જ poignant આજે પણ લાગે છે….!

Comments (12)

પ્રત્યુત્તર – રતિલાલ ‘અનિલ’

ભાગ્ય કેવું, એક પથ્થર મંદિરે ઇશ્વર થયો,
ને બીજો રસ્તે પડીને રાહની ઠોકર થયો !

કોઇને પામ્યા વિના ના થઇ શક્યું કોઇ મહાન,
કોઇ સરિતાને પૂછો કે શી રીતે સાગર થયો.

તીવ્રતા નો’તી દિલે આઘાત ને આનંદની,
પ્રકૃતિનો સ્પર્શ સાચો તે સમે મન પર થયો.

આંધળો વિશ્વાસ કે શ્રદ્ધા નથી હું રાખતો,
કંઇક વેળા તો મને સંદેહ મારા પર થયો !

આગ ઈર્ષ્યાની દઝાડી કે ન કરમાવી શકે,
પ્રેમની શીતળ સુધાથી માનવી જે તર થયો.

રૂપનાં નિર્મળ પ્રતિબિંબો પડ્યાં વિના રહે ?
મેં જગત સુંદર કર્યું, હું એટલો સુંદર થયો.

જાઉં શું લેવા અનુભવ જિંદગીનો દર-બ-દર ?
એટલો ઓછો નથી, જે કંઈ મને ઘર પર થયો !

એટલે તો મંદ્ર સૂરે ગીત મેં ગાયાં ‘અનિલ’,
જડસમા આ વિશ્વમાં પડઘો જ પ્રત્યુત્તર થયો.

-રતિલાલ ‘અનિલ’

Comments (6)

દુઃખ અને સુખ – બુદ્ધદેવ દાસગુપ્તા

હું તને એક વાઘની વાર્તા કહીશ:
આ વાઘને આખી રાત
તારા પડખાની સુગંધમાં સૂઈ રહેવું છે.

હું તને એક નાગની કથા કહીશ:
આ નાગને પ્રત્યેક પળે
તારા સ્તનના વર્તુળને વીંટળાતા વીંટળાતા
વિસ્મયભર્યો પ્રવાસ કરવો છે !
અને તને એની કથા કહેવી છે
કે આ એક એવો પ્રવાસ છે
કે એ ક્યાંય પણ લઈ જાય
અને પછી પાછા વળવાનો રસ્તો રહેતો નથી.

હું તને એક મગરની વાર્તા કહીશ:
આ મગર
તને ઉપલા હોઠોથી ખેંચશે
અને અંદર ને અંદર ડૂબશે
ઊંડા ઊંડા પાણીમાં
ઠેઠ ઊંડા ઊંડા પાણીમાં
આ બધી જીવનભરનાં સુખદુઃખની વાતો
કહેવી છે આંસુથી.

– બુદ્ધદેવ દાસગુપ્તા

વાર્તાની શૈલીમાં કહેવાયેલું આ કાવ્ય પ્રેમ અને વાસનાના પ્રતીક લઈને શું કહેવા માંગે છે? કવિતાનું શીર્ષક વળી દુઃખ અને સુખ છે (સુખ અને દુઃખ નહીં!)

વાઘ, નાગ અને મગર – એક ચોપગું, એક સરિસૃપ અને એક જળચર. એક સદાનો ભૂખ્યો, એક લીલી લિસ્સી વાસના અને એક આળસુ અકરાંતિયો… આ બધા પ્રાણીઓ આપણા લોહીમાં જ છે… આ બધા પ્રાણીઓ આપણે જ છીએ… આ બધા પ્રાણીઓ આપણી વાસનાભૂખના જ પ્રતીક છે… આપણી અંદરની અતૃપ્ત ઇચ્છાઓ, આપણી અંદરનું મિથ્યાભિમાન, આપણી લાલચ… આપણી આદિમ વૃત્તિઓની કથા એક એવો પ્રવાસ છે જે આપણને આપણી જાણ બહાર ક્યાંય લઈ જાય છે અને ત્યાંથી પરત આવવાનો કોઈ ઉપાય પણ નથી…

Comments (13)