તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
અનિલ ચાવડા

કેન્સરના દર્દી તરીકે આઠ વર્ષની દીકરીને સંબોધન – જગદીશ વ્યાસ

(મૃત્યુના દોઢ મહિના પૂર્વે લખેલી ગઝલ)

મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી !
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી !

હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી !

મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી !

ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી !

સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી !

જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી !

૧૮-૮-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મીને માત્ર ૪૭ વર્ષની નાની વયે કેન્સરની આગમાં ખૂબ તવાઈને  ૧૬-૧૨-૨૦૦૬ના રોજ એક મહિના પહેલાં જ ડ્વાર્ટે, કેલિફૉર્નિયામાં મૃત્યુ પામેલા યુવાન કવિ જગદીશ વ્યાસ કવિ, ગઝલકાર અને વિવેચક તરીકે સદૈવ જાણીતા રહેશે. મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું દેખીને કવિતા કરવા વચ્ચે કદાચ જમીન આસમાનનો ફરક છે. મૃત્યુશૈયા પર બેસીને લખેલી આ ગઝલ ની લગોલગ જ એમના મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની સ્થૂળતા વિશેના થોડા શેર પણ જોઈએ:

જગદીશ નામે ઓળખાયું ખોળિયું ફકત
બાકી હતો ક્યાં કાળ અને સ્થળનો જીવ હું
***
શું રમે પળ વિશે હવે જગદીશ
મેં મહાકાળને ઉરે ચાંપ્યો.
***
ગગનની વીજળી ધરતી ઉપર અંતે હું લઈ આવ્યો
અને થઈ ભસ્મ કિંમત ચૂકવી એ વિજય માટે
***
ઊક્લે ત્યાં જ અક્ષર ઊડી જાય છે
કંઈ અજબ હસ્તપ્રત લઈને બેઠા છીએ.
***
ગમે તે થાય પણ જગદીશ અંતે જીવવાનું છે
મરીને સો વખત હું સો વખત જન્મીશ મારામાં.
***
શરૂમાં શૂન્ય હતું, શૂન્ય આખરે પણ છે
કહો જગદીશ શું રાખે હિસાબ રસ્તામાં
***
નહીં સમજે તું મારું આમ તરફડવું,
તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?
***
થઈ શકે તો જીવવું એવી અનોખી રીતથી
દબદબાથી પામવું ને દબદબાથી પર થવું.
***
કેટલું નહિ તો હું કરવાનો હતો !
જાઉં છું સઘળું હવે ચૂકી પ્રિયે !
***
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં ?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા ! (ચાર વર્ષના દીકરા માટે)

કાવ્યસંગ્રહ : પાર્થિવ (૧૯૯૪), સૂરજનું સત (૨૦૦૬)

5 Comments »

  1. UrmiSaagaar said,

    January 21, 2007 @ 3:12 PM

    આ ગઝલને વખાણવા માટે તો કોઇ શબ્દો પણ નથી મળતાં અને કદાચ મળે તો પણ પુરા નહીં પડે! જીવનમાં મૃત્યુ વિશે લખવું સહેલું હોય છે, પરંતુ મૃત્યુની સોડમાં બેસીને લખવું કદાચ અઘરામાં અઘરું હશે… કવિશ્રીને ભાવભરી શ્રધ્ધાઁજલિ!!

    તમે બધા જ શેરો પણ ખુબ જ સ-રસ ચુંટ્યા છે વિવેકભાઇ…

    નહીં સમજે તું મારું આમ તરફડવું,
    તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?

    પણ આ શેર તો જાણે એકદમ સોંસરવો ઉતરી ગયો!!

  2. ધવલ said,

    January 21, 2007 @ 6:56 PM

    જેને મોતનો ઓછાયો ગણો છે એ ખરેખર તો જીવનની બધી સમસ્યાઓ ઉકેલ પણ છે. જીવનની સમસ્યાઓ \’ઊકલી\’ ગયા પછી માણસ શું લખે અને શું કામ લખે એ વિચારવા જેવા પ્રશ્નો છે. આવા પ્રશ્નો માટે શબ્દો સમૂળગા ટૂંકા પડે એ સ્વાભાવિક છે. ખરું જ કહ્યું છે…

    ઊક્લે ત્યાં જ અક્ષર ઊડી જાય છે
    કંઈ અજબ હસ્તપ્રત લઈને બેઠા છીએ.

  3. Harshad Jangla said,

    January 22, 2007 @ 8:36 PM

    Beautiful and heart toching poem. This can be realised more by a dad of a daughter.
    Thank you

    -Harshad Jangla
    Atlanta, USA
    Jan 22 2007

  4. Daxesh Contractor said,

    June 25, 2012 @ 2:38 PM

    સંવેદનાથી ભરીભરી અદભૂત ગઝલ …
    શેર પણ સઘળા કાબિલે-તારીફ ..

    નહીં સમજે તું મારું આમ તરફડવું,
    તને મારી તરસ તો સાંપડી ક્યાં છે ?

  5. Prof. K. J. Suvagiya said,

    March 22, 2019 @ 4:22 AM

    મૃત્યુ વિશે કવિતા કરવી અને
    મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું દેખીને
    કવિતા કરવા વચ્ચે કદાચ જમીન આસમાનનો ફરક છે.

    …એટલે તો આ કે ‘મારી આંખે કંકુના સૂરજ…’
    જેવી રચનાઓ જવલ્લેજ મળે છે!
    મૃત્યુના સંવેદનની તીવ્રતા અનુભવી શકાય,
    અનુભૂત ન કરી શકાય!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment