માવજી મહેશ્વરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 10, 2012 at 11:12 PM by ધવલ · Filed under ગઝલ, માવજી મહેશ્વરી
ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ
દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.
તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.
આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.
કાંડે વીંટાયો છે સાપ,
કંકણનો રણકાર ન પૂછ.
તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.
– માવજી મહેશ્વરી
શેખાદમની યાદ અપાવી દે એવી સરળ-સશક્ત ગઝલ.
Permalink
April 16, 2008 at 11:01 PM by ધવલ · Filed under ગઝલ, માવજી મહેશ્વરી
ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા
લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા
સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી
આજે આ તદ્દન નોખી જ ગઝલ અચાનક વાંચવામાં આવી. કબીર પર ગઝલ એમણે કબીરને શોભે એવા શબ્દોનો ઉપયોગ કરીને લખી છે. પહેલો જ શેર જબરજસ્ત ચોટદાર થયો છે. ખાંપણ સરખો ખેસ કબીરા ! જેમના મૃત્યુ વિષે અનેક વાયકાઓ પ્રચલિત છે એવા કબીરના જીવન માટે કવિએ અદભૂત પ્રયોગ કર્યો છે. કબીરની ફકીરી, બેફીકરાઈ, સાદી વાણી અને નિરપેક્ષતાની વાત એક પછી એક શેરમાં આવે છે. ધીમે ધીમે મોર કળા કરતો હોય એમ કબીરના વ્યક્તિત્વમાં કવિ એક પછી એક શેરથી રંગ પૂરતા જાય છે. કવિએ કબીરના વિશાળ વ્યક્તિત્વને માત્ર દશ લીટીમાં પણ પૂરતો ન્યાય કર્યો છે. કોઈને કવિ વિષે વધારે માહિતી હોય તો જણાવશો.
Permalink