ઉત્પલ ભાયાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 26, 2015 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉત્પલ ભાયાણી, વિશ્વ-કવિતા, શહરયાર
રાતની હથેળી પર
હાથ મૂકીને તેં શપથ લીધા હતા
કે સવારના સૂર્યની ચળકતી-ઝળકતી તલવાર
તને કદીયે ડરાવી શકશે નહીં:
અને તું તારી આંખમાં
છુપાયેલાં સ્વપ્નોના ખજાનાને
જે તારાથી બહાદુર અને તાકાતવાન હોય
એવા કોઈકને તું સોગાત તરીકે આપી દેશે.
પણ, હવે તને કોણ રોકે છે?
– શહરયાર (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)
નિર્ણય અને અમલની વચ્ચેની પાતળી ભેદરેખા… સ્વપ્ન અને વાસ્તવની વચ્ચેની નૉ મેન્સ લેન્ડ…
Permalink
August 3, 2012 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉત્પલ ભાયાણી, વિશ્વ-કવિતા, શમ્સુર રહેમાન
ઘાસમાં સંતાઈ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું.
લુચ્ચા દોસ્તોથી એ કંઈ વધુ ક્રૂર નથી.
આંધળી વાગોળને હું ચાહું છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીના ડંખને હું ચાહું છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી,
બેવફા સ્ત્રીના ચુંબનથી વધુ સારો હોય છે !
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.
– શમ્સુર રહેમાન (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)
ભલે “પૂર્વગ્રહ”નો અર્થ “આગળથી બાંધેલો ખોટો મત” થતો હોય, દરેક પૂર્વગ્રહની પાછળ એક કારણ જરૂર હોવાનું. કવિ સાપ, વાગોળ, વીંછી અને વાઘને ચાહે છે પણ મનુષ્યથી દૂર રહે છે. આ પૂર્વગ્રહની પાછળના કારણો ચર્ચવાની કોઈ જરૂર ખરી?
Permalink
April 20, 2012 at 1:41 AM by વિવેક · Filed under અછાંદસ, ઉત્પલ ભાયાણી, વિશ્વ-કવિતા, સુનંદા ત્રિપાઠી
જયારે આખું નગર સૂતું હોય
ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું
અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી
તારા ખંડમાં પ્રવેશું છું.
.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.
– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)
અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…
ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર
Permalink