પાંપણો પર બોજ વધતો જાય છે,
સ્વપ્નનો ઉપચાર કરવો જોઈએ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ગઝલ – ગુંજન ગાંધી

તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનુ મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.

– ગુંજન ગાંધી

ઇન્ટરનેટના માધ્યમથી આગળ આવેલા કેટલાક કવિઓમાં ગુંજન ગાંધી પણ એક મોખરાનું નામ છે. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં આ નામ આજ-કાલ અવારનવાર નજરે ચડતું રહે છે. ગુંજનની ગઝલો એના કલ્પનની મૌલિક્તાના કારણે અન્ય ગઝલોથી અલગ પડી આવતી જણાય છે. ‘ઇમોશનલ બ્લેક્મેલિંગ’ની પરિભાવના એ લાગણીના હથિયારવાળા શેરમાં કેવી સરસ રીતે ઉજાગર કરી શક્યા છે!

Comments (21)

ઘણું કહેશે – દાન વાઘેલા

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

– દાન વાઘેલા

ઓછામાં ઘણું કહેતી મજાની ગઝલ… મીરાં-મેવાડ અને અખંડાનંદ જેવું ધ્યાનવાળા શેર જરા વધુ ગમી ગયા.

Comments (11)

(નોંધ તો લીધી હશે) – સુધીર પટેલ

એના ઘરથી નીકળ્યાની નોંધ તો લીધી હશે,
આપણે સામે મળ્યાની નોંધ તો લીધી હશે !

જે ઊઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે ?
સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે !

રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર,
ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે !

સાવ સૂના અંધકારો એમણે પીધા પછી,
કૂંપળો થઇ એ ફળ્યાની નોંધ તો લીધી હશે !

જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે !

– સુધીર પટેલ

નોંધ લેવી પડે એવી મજાની ગઝલ…

Comments (17)

Schizophrenia – અશરફ ડબાવાલા

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.
પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે
મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કે મને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.
પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
‘એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી’
ઈ ડાહ્યાઉને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.
ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.
જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ઈ ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
realityના દરિયામાં.

-અશરફ ડબાવાલા

માણસ વાસ્તવિકતા (reality) અને કલ્પના (imagination) વચ્ચે ભેળસેળ કરવા માંડે એને ડોકટરો સ્કિઝોફ્રેનિઆ કહે છે. પણ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા આપણે માનીએ છીએ એટલી સુસ્પષ્ટ નથી. એક રીતે જોઈએ તો સ્કિઝોફ્રેનિઆના દર્દીની જેમ જ, આપણે બધા પણ ઢગલાબંધ આભાસ અને ભ્રમણાઓ લઈને જ જીવીએ છીએ… અને એની ઉપર પોતાના ડાહ્યા હોવાની એક વધારે ભ્રમણા રાખીએ છીએ એ અલગ ! 🙂

વાસ્તવિકતા એક સાપેક્ષ ચીજ છે, અને માણસ બહુ નબળુ પ્રાણી છે. હા, ભલે આપણે વાસ્તવિકતામાં જીવતા હોઈએ, પણ આપણે એની કિંમતરૂપ ‘ડાહપણની ઘંટીનું પડ’ ઊંચકીંને ફરવું પડે છે.

Comments (18)

ધૂળિયે મારગ-મકરંદ દવે

કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

કાશ મારામાં એટલું બળ હોતે કે હું આ સંદેશ અનુરૂપ જીવી શકતો હોતે….!

Comments (5)

(કહો હૃદયજી) – અનિલ ચાવડા

આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ,
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ?

જીવતરના ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો,
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો.
નહીં જ ભીંતો, નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ,
મન તો ચાલ્યું નીજના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ.
વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ.
કહો હૃદયજી, લખ્યા વિના કૈં રહી જ શક્શો કેમ ?

-અનિલ ચાવડા

INT, મુંબઈ તરફથી આ વરસનો શયદા પુરસ્કાર અનિલ ચાવડાને મળ્યો છે. ‘લયસ્તરો’ તરફથી અનિલને લાખ-લાખ અભિનંદન. અમારે તો અનિલને એટલું જ કહેવાનું કે વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ. વધતા રહો.. ધપતા રહો.. લખતા રહો…

Comments (31)

ભીતર જલતી જ્યોત – લાલજી કાનપરિયા

ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત
બહાર રઝળી ભટકી શાને વેળ અમૂલખ ખોત ?

તિલક કરતાં ત્રિભુવન મળશે, કીધી કોણે વાત ?
પરથમ ઊતરીને તું અંદર ઓળખ તારી જાત.
આડંબરને આઘા મેલી ચીજ અસલ તું ગોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

અડસઠ તીરથ કરીને આવ્યો પાછો નિજને ઘેર
નકલી વાઘા ગયા ઊતરી, રહ્યો ઠેરનો ઠેર !
મેલ બધાં જુઠ્ઠાણાં હવે આ ખેલ થયો બહોત
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

પ્રેમરસનું પાન કરીને અલખ લિયે તું જાણી
જળકમળવત્ રહીને જગમાં મનખો લે તું માણી.
અમથી અમથી મૃગજળ પાછળ શાને મૂકે દોટ ?
ભીતર જલતી જ્યોત મનવા ! ભીતર જલતી જ્યોત

– લાલજી કાનપરિયા

નરસિંહ હોય કે અખો હોય કે પછી લાલજી – સહુને અંદર અને અંતરના અજવાળાંએ જ આકર્ષ્યા છે…

Comments (6)

ગઝલ -ચંદ્રેશ મકવાણા

આમ અંદર આમ ખુદની બહાર છું,
આમ ખાલી આમ અનરાધાર છું.

હારનારાની દશા જોયા પછી,
રોમ રોમે કંપતું હથિયાર છું.

જીતવાનો પ્રશ્ન ક્યાં ઉઠે જ છે,
હું સ્વઇચ્છાએ થયેલી હાર છું.

કેદ છે મારામાં લાખ્ખો લાગણી,
દોસ્ત, હું પણ એક કારાગાર છું.

આમ છું હું એક અફવા માત્ર ને
આમ હું આખ્ખા જગતનો સાર છું.

-ચંદ્રેશ મકવાણા

આજે જ આ ગઝલ ફેસબુક પર કવિશ્રીનાં સ્ટેટસમાં વાંચી અને ખૂબ્બ જ ગમી ગઈ, અને થયું કે ગમતાનો ગુલાલ અહીં આજે જ કરી દઉં…

Comments (4)

ગઝલ – હેમેન શાહ

એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.

સૂર્ય જેવું જ્યાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે ?

કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?

આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.

સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.

– હેમેન શાહ


Comments (12)

એવા દેશમાં – વિપિન પરીખ

વૃક્ષ કદાચ એમ પણ કહે –
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે –
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !

– વિપિન પરીખ

ગઈકાલની વાત જ ફરી બીજી રીતે કહેવાનો આ પણ અંદાઝ છે.

Comments (10)

સલામ, સબકો સલામ ! – મંગેશ પાડગાંવકર

સલામ, સબકો સલામ,
જેના હાથમાં દંડો તેને સલામ,
લાતના ભયથી
ડાબો હાથ કૂલા પર રાખીને
જમણે હાથે સલામ,
જોનારને સલામ,
ન જોનારને સલામ,
વેચાતું લેનારને સલામ,
વેચાતું લેવાનો ઈશારો કરનારને સલામ,
સલામ ભાઈ સબકો સલામ.

ડોળા કાઢેલી દરેક આંખને સલામ,
સિંદૂર થાપેલા દગડને સલામ,
લાખો ખર્ચીને બાંધેલા દેવળને સલામ,
દેવાલયના દેવીની ધાકને સલામ,
દેવ અને ધર્મનો કૉન્ટ્રેક્ટ લેનારને સલામ,
ખાલી હાથમાંથી ભસ્મ કાઢનાર ભુવાને સલામ,
હવામાંથી વીંટી કાઢનાર મોટા બાવાને સલામ,
શનિને સલામ,
મંગળને સલામ,
ભીતિના પ્રત્યેક કૉન્ટ્રૅક્ટટરને સલામ,
મા પર જિંદગીભર ધૂરકનાર બાપને સલામ,
બાપા પર ધૂરકતા સાહેબને સલામ,
સાહેબને ફાડનાર તેના સાહેબને સલામ.

જેના હાથમાં અખબાર તેને સલામ,
ભાષણોનો, સભાઓનો ફોટા સાથે રિપોર્ટ કરે તેને સલામ,
અખબારના માલિકને સલામ,
તેની નથ પકડનાર રાજ્યકર્તાઓને સલામ,
જેની સામે માઇક્રોફોન તેને સલામ,
તેમાંથી થંભ્યા વિના બોલનારને સલામ,
લાખોની ગિરદીને સલામ,
ગિરદીને ડોલાવનારને જાદુગરને સલામ,
નાકા પરના દાદાને સલામ,
હાથભઠ્ઠીવાળાને સલામ,
સ્મગલરને સલામ,
મટકાવાળાને સલામ,
તેમણે આપેલા હપતાને સલામ,
લોકશાહીને સલામ,
ઠોકશાહીને સલામ,
સત્તાની ટ્રક ચલાવનારને સલામ,
ટ્રક નીચે ચગદાયેલાં અળસિયાંને અને કુત્તાઓને સલામ,
જેના હાથમાં ચાકુ તેને સલામ,
વિમાનમાંથી બૉમ્બ ફેકનારને સલામ,
શસ્ત્રાસ્ત્રના પ્રચંડ વેપારીઓને સલામ,
કાળાબજારિયાઓને સલામ,
તેને ફાંસી દેવાની ઘોષણા કરનારઓને સલામ,
ગટરના પાણીથી ઇન્જેકક્ષન ભરનારને સલામ,
ઠાઠડીનો સામાન વેચનારને સલામ,
ઠાઠડી ઊંચકનાર ખભાઓને સલામ,
મોત સસ્તું કરનારા સર્વને સલામ.

દરને સલામ
દરના ઉંદરને સલામ,
ઘરના વાંદાઓને સલામ,
ખાટલાના માંકડોને સલામ,
દરારવાળી ભીંતોને સલામ,
કંતાયેલી પત્નીને સલામ,
દોઢ ખોલીમાં છૈયાંછોરાંને સલામ,
ગાડીમાં ચગદાતી ગિરદીને સલામ,
સડેલા ધાનને સલામ,
કાણા પડેલા પીળાં ગંજીફરાકને સલામ,
ધંધાના માલિકને સલામ,
યુનિયનના લીડરને સલામ,
હડતાલને સલામ,
ઉપવાસને સલામ,
સર્વ રંગના સર્વ ઝંડાઓને સલામ,
ચાલીચાલીના ભરાયેલા સંડાસના લીંડાઓને સલામ,
ડોક પકડનાર પ્રત્યેક હાથને સલામ.
આ મારા પરમ પવિત્ર ઇત્યાદિ દેશને સલામ,
આ દેશની સુ-ઉદાત્ત સુ-મંગળ, સુ-પરંપરાને સલામ,
સર્વ ઉસ્તાદી ઘોષણાને સલામ,
જાતિભેદના ઉકરડાને સલામ,
આ ઉકરડામાંથી સત્તાનો પાક માણનારને સલામ,
ઉપનિષદો અને વેદોને સલામ,
સાકર-કારખાનાંના દાદાઓને સલામ,
તેમની સેંકડો લોરીને સલામ,
ચૂંટણીને સલામ,
ચૂંટણીફંડને સલામ,
અદ્રશ્ય મુક્કાને સલામ,
મતના આંધળા સિક્કાને સલામ,
સસલું હાથમાં હોય એવા પારધીને સલામ,
તેની તહેનાતમાં રહેલા ભાડૂતી સૈનિકને સલામ,
હરિજનો પર અત્યાચાર કરનારાઓને સલામ,
આ બાતમી વાંચનાર સર્વ ષંઢોને સલામ.

સત્તા સંપતિના ભડવાનો દેશ કહું,
તો માથું ફોડી નાખશે,
હલકટ લાચારોનો દેશ કહું,
તો રસ્તા પર ઝૂડશે,
ખરીદવામાં આવનારાઓનો દેશ કહું,
તો રસ્તો રોકાશે.
દેવધર્મ વિશે, નેતાઓ વિશે ખરાબ બોલું
તો નાકા પર પકડીને ઠોકશે,
શોષણ કરનારાઓનો દેશ કહું,
તો નોકરી પરથી કાઢશે,
એટલે મારાં નપુંસકત્વને સલામ,
પછી ઠોકી શકનાર પ્રત્યે હાથને સલામ,
અને તે પછી અલબત્ત જ
આ મારા
પરમ પવિત્ર ઉદાત્ત સુમંગલ દેશને સલામ,
આ દેશની મહાન પરંપરાને સલામ,
સલામ, પ્યારે ભાઈઓ ઔર બહેનો સબકો સલામ.
અનેક હાથ હોત તો,
અનેક હાથથી કરી હોત સલામ,
લેકિન માફ કરના ભાઈઓ
હાથ તો બે જ
અને તેમાનો ડાબો
લાતના ભયથી રાખેલો કૂલા પર
એટલે ફકત જમણા હાથે સલામ
સલામ સબકો સલામ,
ભાઈઓ ઔર બહેનો, સબકો સલામ.

– મંગેશ પાડગાંવકર
(અનુ. સુરેશ દલાલ)

આજકાલ કોંગ્રેસ જે લટકાં કરી રહી છે એના પરના લેખની શરૂઆતમાં જય વસવડાએ આ કવિતા ટાંકી છે.

કવિતા ઘણી લાંબી છે પણ એનો ટેમ્પો ક્યાંય ઓછો થતો નથી. કવિતા ને રસ્તા પર મદારી વાંદરાને નચાવતા બોલતો હોય એમ મોટેથી વાંચવાની છે. કવિતા ઘણી જૂની છે પણ નવી જ લાગે છે. વ્યંગની આ ધારને સમય બુઠ્ઠી કરી શક્યો નથી. આ કવિતામાં જે હૈયાવરાળ છે એ તો આઝાદીના સમયથી એની એ જ રહી છે. બીજું જે થવું હોય તે થાય…. પણ વાંદરો તો ખેલ કરે રાખે છે અને સલામ પણ ઠોકે રાખે છે !

(દગડ=પથ્થર, ષંઢ=નપુંસક)

Comments (10)

હું એકલો….- રમેશ પારેખ

હું મને બહુ એકલો લાગું…..

એમ થાતું કે સાવ છું હું તો ઘઉંવછોયું ફોતરું
ઘોર અંધારું છે એમાંથી પડછાયો કેમ કોતરું ?
પડછાયા વિણ વલવલાટો કોણની સાથે જોતરું ?

આવતી ઊંઘના પગરવે હું ઝબ્બ દઇને જાગું…

એકલતાનો દરિયો અફાટ હું જ પોતે હું જળ રે
શૂન્ય છું હું ને હું જ જાણે શૂન્યનું પ્રકટ ફળ રે
ટકવા માટે દોડતો લેવા ટકવાનું હું બળ રે

સોયની અણી જેમ જ્યાં ને ત્યાં સોંસરો મને વાગું….

loneliness અને aloneness વચ્ચે એક સુસ્પષ્ટ ભેદરેખા હોય છે. જાત સાથે એકલા રહેવું એ કોઈ સહજસિદ્ધ બાબત નથી. જો જાત સાથે એકલા રહી સંપૂર્ણ ઈમાનદારી સાથે જાતને તટસ્થતાથી અને પૂર્વગ્રહમુક્ત રહીને observe કરીએ તો કદાચ ઘણા ચોંકાવનારા સત્યો લાધે….

Comments (5)

થાય તે સાચું – કિરીટ ગોસ્વામી

બધું મિથ્યા ગણી બેઠો, હવે જે થાય તે સાચું,
જગતને અવગણી બેઠો, હવે જે થાય તે સાચું.

ગયો બારાક્ષરીની બ્હાર એને શોધવા કાજે:
નવો કક્કો ભણી બેઠો, હવે જે થાય તે સાચું.

વિચારોના નગરમાં નીકળ્યો’તો ટહેલવા ખાતર;
અજબ મ્હેલો ચણી બેઠો, હવે જે થાય તે સાચું.

પ્રથમ જે નામ લીધું’તું અમસ્તું ને અનાયાસે;
પછી શ્વાસે વણી બેઠો, હવે જે થાય તે સાચું.

પરીક્ષા આકરી આપી રહ્યો છું એ જ શ્રદ્ધાથી:
હશે સામે ધણી બેઠો, હવે જે થાય તે સાચું.

– કિરીટ ગોસ્વામી

હવે જે થાય તે સાચું જેવી મજબૂત રદીફ કવિએ કેવી બખૂબી નિભાવી છે !!

*

(દોઢ મહિનાનું લાંબી રજા ભોગવીને આજે અમેરિકાથી ભારત પરત થયો છું… લયસ્તરોની બધી પોસ્ટ્સ અગાઉથી તૈયાર કરી દીધી હતી એટલે મારું પોસ્ટિંગનું કામ તો અનવરત ચાલુ જ રહ્યું પણ મિત્રોના પ્રતિભાવો જોવાનું ભાગ્યે જ શક્ય બન્યું છે.  મારા આ અમેરિકા પ્રવાસ દરમિયાન લયસ્તરો પર કોઈ મિત્રોએ આપેલા પ્રતિભાવનો કે પ્રશ્નનો જવાબ મારાથી આપવો રહી ગયો હોય તો ક્ષમા ચાહું છું.)

Comments (22)

ગઝલ – હરીન્દ્ર દવે

એના પાયલ તો સદાકાળ રહે રણઝણતાં,
જિંદગી વીતી ગઈ એક ઝલક સાંભળતાં.

જાણે ક્યારેય કોઈ ઓળખાણ પણ ન હતી,
માર્ગ પર સામા મળે તોય એ નથી મળતાં.

યુગયુગોથી બની ગંગા એ વહે છે અહિંયા,
એના એક સ્પર્શથી જોયો જે બરફ પીગળતાં.

હું જ શબ્દોને કહું છું કે તમે ના ઊગો,
ને છતાં ફૂલ શા ફૂટી રહે તને લખતાં.

આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,
જન્મજન્માંતરો વીત્યા છે તને ઓળખતાં.

– હરીન્દ્ર દવે

Comments (11)

મંજૂર -પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

જિંદગી !
બેચાર અમથાં છાંટણાં
લાવણ્યભીની આંખનાં અમિયલ
મને મળતાં રહે તો બસ,
મંજૂર બારે માસ
વૈશાખ વરસતો તાપ મુજને

– પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

હાવ હાચી વાત…. કે નેહભરી આંખડીનાં બેચાર અમીછાંટણાં મળે તો જિંદગીનો ધોમધખતો વૈશાખ પણ શીતળ જ લાગે !

Comments (5)

(જુદો વરસાદ) – હર્ષદ ચંદારાણા

ઘરમાં ઘૂસી આવે તે વરસાદ જુદો છે
અબોલાં ય તોડાવે તે વરસાદ જુદો છે

ચોખ્ખાં કરતો ઘસી-ઘસી  પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે

સરોવરને ક્યાં ખોટ ? પણ દાતાઓના દાતા
છલકતા છલકાવે તે વરસાદ જુદો છે

ભાન ભૂલી ભીંજાવું એ તે કઈ બલા છે ?
એનો અરથ સમજાવે તે વરસાદ જુદો છે

પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે !

– હર્ષદ ચંદારાણા

છત્રીની અંદર વરસતો વરસાદ તો જુદો જ હોય ને !  🙂

Comments (10)

એટલે તું કૌંસમાં… – મુકુલ ચોકસી

શ્વાસમાંથી સંચરી ને આંખમાંથી નીતરી,
એટલે તું કૌંસમાં પારેવું અથવા જળપરી.

જે લખાવાની હજી બાકી છે તે કંકોતરી,
એટલે તું કૌંસમાં એક વેદના આગોતરી.

આમ પાછું કંઈ નહીં ને એક સ્વપ્નીલ શૂન્યતા,
એટલે તું કૌંસમાં એક અર્થહીન યાયાવરી.

થડથી આગળ જાય તો પણ થડ વગર ચાલે નહીં,
એટલે તું કૌંસમાં ડાળી અને ફૂલપાંતરી.

– મુકુલ ચોકસી

અર્થને આગળ વધારવા કૌંસમાં વધારાની માહિતી મૂકીએ એવું કવિએ આ ગઝલમાં કર્યું છે.

Comments (8)

(કિતાબ) – અમૃતા પ્રીતમ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?

(ઈબારત=લેખ)

Comments (9)

ગઝલ -યોગેશ વૈદ્ય

લઈ શ્વાસની સાંઢણી, દોસ્તો
ચલો, નીકળો રણ ભણી, દોસ્તો

ઊભી સ્કાયસ્ક્રેપર સમી શ્હેરમાં
ઉદાસીનતા આપણી, દોસ્તો

કર્યાં, બુગદાં વક્ષમાંથી કર્યાં
ચણી, તો દીવાલો ચણી, દોસ્તો

નીકળતી નથી એકે પળ સોંસરી
હયાતીની બુઠ્ઠી અણી, દોસ્તો

નર્યાં સ્વપ્નનાં સોયરાંથી કદી
મટી ના શકે આંજણી, દોસ્તો

-યોગેશ વૈદ્ય

આપણું અસ્તિત્વ જ જો નર્યું બુઠ્ઠું હોય તો હોવાપણાંની કઈ પળ આરપાર નીકળી શકે ?…

Comments (7)

સો ટકા – મહેશ દાવડકર

હા, ગઝલમાં તો લખાયું સો ટકા,
પણ લખીને ક્યાં જિવાયું સો ટકા ?

આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાથી ક્યાં મળાયું સો ટકા !

પારદર્શક થઈને જો તું એકવાર,
કોઈ લાગે નહિ પરાયું સો ટકા.

ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
બહાર ક્યારે નીકળાયું સો ટકા.

બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
બોલ તારાથી હસાયું સો ટકા ?

વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા !

– મહેશ દાવડકર

સો ટચના સોના જેવી આ ગઝલને 99.99 માર્ક્સ આપીએ તો પણ અન્યાય છે એટલે સોમાંથી સો ટકા આપીને જ ચાલીએ…

Comments (19)

હાઈકુ – ઉમેશ જોશી

કેમ દરિયો
આંખ સામે જોઈને
પાછો વળી ગ્યો.

– ઉમેશ જોશી

Comments (2)

કવિતા : બ્રેસ્ટ કેન્સરની – એષા દાદાવાળા

હવે મને
ગુલાબને સ્પર્શવાનું ગમતું નથી…
સ્પર્શું છું તો એની પાંદડીઓ કાંટાની જેમ ભોંકાય છે હથેળી પર
પછી હથેળી પર લોહી જામી ગયું હોય એવું
લાગ્યા કરે છે સતત…

બાલ્કનીના કૂંડામાં ઊગેલાં ગુલાબને જોઈને
ઘણીવાર ઝનૂન સવાર થઈ જાય મનમાં…
પછી જોરથી શ્વાસ ચાલવા માંડે
અને હું
કૂંડામાં ઊગેલાં બધાં જ ગુલાબને એક સામટાં તોડી નાખું
અંદરના રૂમમાં દોડી જઈ અરીસા સામે ઊભી રહું
શ્વાસ ચઢી જાય
પણ
જોરથી ચાલતા શ્વાસનો પડઘો પાડવાનું છાતી ભૂલી ગઈ હોય
એમ
સાવ સીધું સપાટ
એનાં જેવું જ
પ્રતિબિંબ
અરીસો પાડે
અને
હું હાથમાં પકડેલાં બધાં ગુલાબને મુઠ્ઠીમાં ભીંસી નાખું…!!

– એષા દાદાવાળા

એષાની કવિતા કાંટાની જેમ ન ભોંકાય તો જ નવાઈ…

Comments (11)

હજી નહીં – એરિક ફ્રાઈડ

કોઈક
પથ્થરો પાસે આવ્યું
ને કહ્યું :
માણસ બનો.
પથ્થરોએ
ઉત્તર આપ્યો :
હજી અમે
પૂરતા કઠોર નથી.

– એરિક ફ્રાઈડ

Comments (10)

થવાની વાત – હરીન્દ્ર દવે

અળગા થવાની વાત, મહોબ્બત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું,
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત.

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત.

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું,
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત.

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું,
માણસને આવડી ન હકીકત થવાની વાત.

– હરીન્દ્ર દવે

વાતચીત જેવી જ સરળ ભાષાનો પ્રયોગ ખાસ ધ્યાન ખેંચે છે. સ્વપ્નમાં રહેવા ટેવાઈ ગયેલા માણસને હકીકત સાથે કામ પાર પાડતા અઘરું પડી જાય છે.

Comments (11)

મઝધારે મુલાકાત-હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત,
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.

વેળા આવી તો જરા વેણ નાખું, વાલ્યમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલ્યમા,
ફેણ રે ચડાવી ડોલે અંધારાં દૂર,
એને મોરલીને સૂર કરું મ્હાત;
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવાં રે મહોબતનાં તાણ જરા જોઈ લઉં,
મારા કિનાર રહો દૂર ને સુદૂર,
રહો મઝધારે મારી મુલાકાત,
રૂપલે મઢી છે સારી રાત રે, સજન,
એનું ઢૂકડું ન હોજો પ્રભાત.

– હરીન્દ્ર દવે

ગીતની અનુપમ સુંદરતા વિષે કંઈપણ કહેવું તે સૂરજને ટોર્ચ બતાવવા જેવું છે. ‘આંધી’ નું ગુલઝારનું અમર ગીત યાદ આવી જાય છે-‘ તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહિ….રાત કો રોક લો….’. આ ગીત સ્વ.દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં લતા મંગેશકરે ગાયું છે અને એને માણવું હોય તો આ આ શબ્દોનું google search કરવા વિનંતી-
Lata – Ruple Madhi Chhe – Rupale Madhi Chhe Saari Raat – Lata …

Comments (11)

ગઝલ – ચંદ્રેશ મકવાણા

કોણ કહેશે કે વમળ હોતા નથી
આપણા ચક્ષુ ચપળ હોતા નથી

ક્યાંકથી ઓછી પડે છે સાધના
ક્યાંક સંજોગો સરળ હોતા નથી

આદમી તો સાવ સાચ્ચો હોય છે
…ફક્ત પુરાવા સબળ હોતા નથી

આયનો પણ આભનો પર્યાય છે
આયનાના ક્યાંય તળ હોતા નથી

આંખમાં આંજ્યા પછી નારાજગી
લૂછવા માટેય જળ હોતા નથી

– ચંદ્રેશ મકવાણા

મનુષ્યમાત્રની મર્યાદા આલેખતી મજાની ગઝલ…

Comments (17)

આદમી – આશિત હૈદરાબાદી

જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી
દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !

સાંધી શકાય કોઈ દી’ સંભવ નથી હવે,
કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !

માણસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,
વરવો હવે છપાય છે છાપામાં આદમી !

કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,
સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !

જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,
વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !

આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,
શેની કરે તલાશ આ છાયામાં આદમી ?

શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,
‘આશિત ‘ મૂંઝાય ‘આ’ અને ‘અથવા’માં આદમી !

– આશિત હૈદરાબાદી

માણસનો અર્થ શોધવા મથતી સેંકડો ગઝલોમાંની એક પણ પોતીકો અવાજ યથાવત જાળવી રાખવામાં કવિ સફળ થયા છે… મત્લાનો શેર તો શિરમોર થયો છે…

Comments (11)

પ્રેમ સર્વસ્વ છે -અનિરુદ્ધસિંહ ગોહિલ

અન્ય સૌ હ્રસ્વ છે.
પ્રેમ સર્વસ્વ છે.

સાદગી એમનું,
આગવું અસ્ત્ર છે.

ધ્યાનથી વાંચજે,
એમનો પત્ર છે.

બાહ્ય ખેચાંણ તો,
માત્ર અંધત્વ છે.

દેખ કાં શાખને?
મૂળમાં તત્વ છે.

કોણ તું ? કોણ હું ?
એજ તો પ્રશ્ન છે.

– અનિરુદ્ધસિંહ ગોહિલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

વાંચતાવેંત ગમી જાય એવી ટૂંકી બહેરની ગહન ગઝલ…

Comments (14)

મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી,
મારા સપનામાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાનાં સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

આંધણ મેલ્યા મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બહાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

– રમેશ પારેખ

રમેશ પારેખનાં ઘણા ગમતીલાં ગીતોમાંનું મારું એક ગમતીલું ગીત… થોડા વખતમાં ઓડિયો સાથે જરૂર મૂકીશ.

ફરમાઈશ ઃ તુલસી ઠાકર

Comments (10)

ઓ મન ! – મુકુલ ચોકસી

હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.

– મુકુલ ચોકસી

Comments (3)

જે ક્ષણે- હરીન્દ્ર દવે

જે ક્ષણે
તું મને સ્વીકારતી નથી
એ ક્ષણે
હું પણ મને ક્યાં સ્વીકારું છું ?

અને એ તરછોડાયેલો ‘હું’
સંસારના ગીચ વનમાં
ક્યાં ક્યાં ઉઝરડાતો જાય છે !

– હરીન્દ્ર દવે

Comments (11)

ગઝલ – આશ્લેષ ત્રિવેદી

ઓઢીને લીલોતરી બેઠા છીએ,
એક ટહુકાને સ્મરી બેઠા છીએ.

ખૂટતા રંગો ભરી દે તું હવે,
સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.

કૈંક વડવાનલ ધખે પેટાળમાં,
બસ, ઉપરથી આછરી બેઠા છીએ.

અંત એનો શું હશે કોને ખબર !
વારતા તો આદરી બેઠા છીએ.

મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા
આજ કોને સાંભરી બેઠા છીએ.

– આશ્લેષ ત્રિવેદી

એક મિત્રે પોસ્ટકાર્ડમાં એની ગમતી એક ગઝલ મોકલી… એક તો આ જમાનામાં આપણા સરનામે પોસ્ટકાર્ડ જેવી વસ્તુ આવવી જ દુર્લભ અને આવી મસ્ત ગઝલ મળે અને મિત્રો સાથે ન વહેંચું તો તો એ મોટું પાપ…

Comments (17)

આ તે કેવું સવાર ? – ચંદ્રકાન્ત શેઠ

આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!

આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !

કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !

– ચંદ્રકાન્ત શેઠ

કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…

Comments (5)

(પ્રભુને પત્ર) -અંકિત ત્રિવેદી

પ્રિય પ્રભુ,

સેન્ટ પૅટ્રિક્સનું એક વાક્ય છેઃ

‘પરમાત્મા, મારા પર એવી કૃપા કરો,
કે આજના દિવસે જે કોઈ
મારા સંપર્કમાં આવે તે એને કારણે
જરાક વધારે સુખી બનીને જાય.’

આ વિધાન તમને પણ લાગુ પડી શકે છે.

બોલો,
મળવા આવો છો ને ?

લિ.
રાહ જોવામાં વ્યસ્ત……

-અંકિત ત્રિવેદી

Comments (14)

મુગટ – રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

– રઈશ મનીઆર

Comments (13)

મીણબત્તી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.

એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

‘લાઈટ’ જતી રહી હોય એ મોકાનો લાભ લઈને દીવાસળી મીણબત્તીને ચુંબન કરે – એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! વળી, ચુંબન પછી – એક નિશ્વાસ (હવે બળવાનો વખત આવ્યો !)…એક શ્વાસ (હવે જ મીણબત્તીનું ખરું ‘જીવન’ આરંભાય છે !) … અને છેલ્લે ઉજાસ !

અમારા અમેરિકામાં તો આ મૂઈ લાઈટ પણ કદી જતી નથી, એનું શું કરવું ? 🙁

Comments (9)

અદીઠો સંગાથ-મકરંદ દવે

પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.

ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
– મકરંદ દવે.

હિંમત અને શ્રદ્ધા- આ બે હલેસાં ભવપાર લઈ જવા પૂરતાં છે. મુખ્ય અવરોધ બુદ્ધિનો છે.

Comments (10)

ગઝલ – જાતુષ જોશી

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

– જાતુષ જોશી

મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.

કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !

Comments (10)

હાઈકુ – ચંદ્રેશ ઠાકોર

ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.

– ચંદ્રેશ ઠાકોર

હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને  કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!

Comments (8)

તરસ – સોનલ પરીખ

જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો

ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.

– સોનલ પરીખ

ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…

Comments (4)

કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો  ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

– ચંદ્રકાંત શેઠ

કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.

ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.

ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.

ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.

ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.

Comments (7)

બાગ – ગુરુનાથ સામંત ( અનુ.જયા મહેતા)

તું બાગમાં આવી :
ફૂલો ખીલેલા હતાં;

હું બાગમાં આવ્યો :
ફૂલો ખીલેલા જ હતાં !

તું બાગમાંથી ગઈ :
ફૂલો ખીલેલાં હતાં;

હું બાગમાં જ મરી ગયો :
ફૂલો ખીલેલા જ હતાં ?

– ગુરુનાથ સામંત
(અનુવાદ : જયા મહેતા)

કવિ છેલ્લી લીટીમાં સવાલ કરે છે એ માત્ર નામનો જ છે. બાકી એનો જવાબ તો આપણે જાણીએ જ છીએ : કોઈના હોવા કે ન હોવાથી બાગને કાંઈ ફરક પડતો નથી.

Comments (9)

સ્મૃતિ – લાભશંકર ઠાકર

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.
– લાભશંકર ઠાકર

એક classical કાવ્ય !

Comments (4)

આજ તો મને સોળમું બેઠું – યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…

– યોગેશ જોષી

ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !

Comments (10)

કાળ – ધીરેન્દ્ર મહેતા

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

– ધીરેન્દ્ર મહેતા

ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!

Comments (8)

ચર્ચામાં રહ્યો -પ્રવિણ શાહ

રાતભર એની જ ચિંતામાં રહ્યો
ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો

આપવાની વાત આવી દિલ તને
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો

કાફલા સૌ નીકળી આગળ ગયા
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો

ટોચ પર જઇને ધજા પણ ફરફરે
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં
થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો

-પ્રવિણ શાહ

થોડા દિવસ પહેલા પ્રવિણભાઈની આ ગઝલ વાંચી, વાંચતાવેંત ગમી ગઈ અને આ અહીં આપ સૌને માટે મૂકી દીધી…  આખી ગઝલ ખૂબ જ સુંદર થઈ છે, પણ મને મક્તાનો શેર જરા વધુ ગમી ગયો.  ‘ગુર્જર કાવ્યધારા‘ બ્લોગ ચલાવતા પ્રવિણભાઈ અન્યોની ગઝલો પોસ્ટ કરતા કરતા હવે પોતે પણ ગઝલ લખતા થઈ ગયા છે… પ્રવિણભાઈને શુભેચ્છાઓ.

Comments (22)

વિચ્છેદ -સુરેશ દલાલ

જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.

-સુરેશ દલાલ

વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?

Comments (9)

છળ મહીં હતો – શ્યામ સાધુ

પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.

હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ
‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો.

પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.

-વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.

– શ્યામ સાધુ

આજે આ અર્થવિભાવનાના ‘રોલર-કોસ્ટર’ સમાન ગઝલ માણો. એકે એક શેર મનનીય થયા છે.

Comments (9)

ઝૂમતો ફરું છું હું – શેખાદમ આબુવાલા

ભીન્ન ભીન્ન બાગોમાં ઘૂમતો ફરું છું હું
હોય એ કળી કે ગુલ – ચૂમતો ફરું છું હું
મૃત્યુ કેરી ખીંટી પર જિન્દગીને ટિંગાવી
કોઈ પ્યારી મસ્તીમાં ઝૂમતો ફરું છું હું

– શેખાદમ આબુવાલા

Comments (6)

અસલ ઝુરાપો આલો – – ઊજમશી પરમાર.

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!

ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.

અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.

– ઊજમશી પરમાર.

અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.

Comments (2)