સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

જે ક્ષણે- હરીન્દ્ર દવે

જે ક્ષણે
તું મને સ્વીકારતી નથી
એ ક્ષણે
હું પણ મને ક્યાં સ્વીકારું છું ?

અને એ તરછોડાયેલો ‘હું’
સંસારના ગીચ વનમાં
ક્યાં ક્યાં ઉઝરડાતો જાય છે !

– હરીન્દ્ર દવે

11 Comments »

  1. pragnaju said,

    May 22, 2011 @ 6:58 AM

    સ્વાનુભૂતિના ઉદ્ગાર
    ત્યારે સદ ગુરૂ …
    હે મારા ગુરુ! જો બધા જ દેવો ક્રોધાયમાન હોય છતાં પણ તમે મારાથી પ્રસન્ન હો તો તમારી કૃપાના દુર્ગમાં હું સલામત છું અને જો બધા જ દેવો તેઓના આશિર્વાદની પાળી વડે મને સલામતી બક્ષતા હોય અને છતાં પણ તમારી કૃપા ન મેળવું તો હું તમારી અવકૃપાના ખંડિયેરમાં આધ્યાત્મિક ઝંખનામાં તરછોડાયેલો અનાથ છું.

  2. Atul Jani (Agantuk) said,

    May 22, 2011 @ 8:50 AM

    જે ક્ષણે
    તું મને સ્વીકારતી નથી
    એ ક્ષણે
    હું પણ મને ક્યાં સ્વીકારું છું ?

    આ વાત ને બધા પોત પોતાની રીતે મૂલવશે. કોઈ પ્રેમિકા માટે કહેવાયેલ છે તેમ કહેશે કોઈ ગુરુ માટે તેમ.

    મારી દૃષ્ટિએ આ વાત એક બાળક તેની માતાથી વિખૂટો પડી ગયો હોય ત્યારે અથવા તો એક માતા જ્યારે પોતાના બાળકને હડસેલીને દૂર કરે છે ત્યારે કહેવાઈ હોય તેમ લાગે છે.

  3. Kirftikant Purohit said,

    May 22, 2011 @ 9:56 AM

    ‘હુઁ’નુઁ સરસ વિશ્લેષણ એક ઉર્મિ-કવિ દ્વારા.

  4. Jashvantpuri said,

    May 22, 2011 @ 10:38 AM

    ‘હુ’ બધે જ અથડાતો કુટાતો,પોતાની જાત ને પણ નડતર રુપ હોય તેમ ઘણી વખત નથી લાગતુ?

  5. Maheshchandra Naik said,

    May 22, 2011 @ 2:41 PM

    સરસ કાવ્ય, ઈશ્વરને પ્રાર્થનામા આ શબ્દોથી વિશેષ શું કહી શકાય……………

  6. Bharat Trivedi said,

    May 22, 2011 @ 6:21 PM

    ગીતા કહે છે કે ઇશ્વરથી આપણને કોઈ અલગ કરતું તત્વ હોય તો છે આપણું હોવા પણાનો અહેસાસ કે અહમ જે કહીયે તે. હવે જેમ માછલીનું પાણીથી અલગ અસ્થિત્વ જ ના હોઈ શકે તેમ આપણે પણ ‘તેના’થી અલગ થઈને ટકી જ ના શકીયે ! આ જે સુખ કે દુઃખ છે તે આપણા હોવા પણાને કારણે છે. આપણો અહમ ઉઝરડાતો હોય છે જેને આપણે ‘હું ‘ માની બેઠા છીયે !

    કેવી સરસ વાત કરી છે ! પણ અહીં કવિતા બને છે ખરી ? જવાબ હું આપીશ તો તે વાત તમને નહીં ગમે ને તે વાત પાછી મને નહીં ગમે ! ‘ અહમ’ ટકરાય ત્યારે દુઃખ પેદા થાય છે ! વાત તો સરળ છે પણ તે ગળે ઊતરતાં આખું જીવન વિતી જાય છે .

  7. Bharat Trivedi said,

    May 22, 2011 @ 6:58 PM

    અહીં કવિતા કેમ નથી બનતી ? અહીં એક ઉદ્દાત્ત વિચાર જરુર છે પણ કેવળ વિચાર કાવ્યત્વ સુધી પહોંચવા અપર્યાપ્ત લાગે છે .એક સફળ કવિતા બનવા અનુભુતિ આકલન અનિવાર્ય છે – જેમ કેરીના અથાણામાં બધો જ મસાલો અથાઈને એકરુપ થઈ જાય તેમ કવિતામાં પણ તેવી પ્રક્રિયા બનવી જરુરી હોય છે. અહીં વિચારના ગાંગડા રહી ગયા હોય લાગે છે. ? જો તેમ થયું હોત તો તો કવિતા સરળતાથી સમજાઈ ગઈ હોત – જેમ નરસિંહ મહેતાની કવિતા સમજાઈ જાય છે !

  8. Bharat Trivedi said,

    May 22, 2011 @ 9:47 PM

    કવિતા હરીન્દ્રભાઈની હોવા છતાં આવું કેમ બન્યું હશે? કવિ નિયમિત રીતે લખતા હોય છે – મોટા ભાગનું લખાણ – journal entiries જેવું હોય છે જે કાચા માલની જેમ ઘણો સમય પડી રહેતું હોય છે પણ ક્યારેક કવિની અસાવધ પળે ક્યાંક પહોંચી જાય કે પછી તેના મરણ પછી કોઈ અતિ ઉત્સાહી કોઈ પ્રકાશક જે કઈ હાથવગુ હોય તેને ઉતાવળે છાપી મારતો હોય છે! આ કવિતાની બાબતમાં પણ કદાચ એમ બન્યું હોય! અંગત ગમા અણગમા આધારિત વિવેચન થતું હોઈ શકે અને થાય છે પણ ખરું ! તો પણ કવિતા તો આખરે તો એક કળા-ક્રુતિ છે જેને objectively મૂલવી શકાય અને તેને એ રીતે જ મૂલવવી રહી.

  9. gunvant thakkar said,

    May 24, 2011 @ 12:58 AM

    કવિતા,
    જે ક્ષણે
    તું મને સ્વીકારતી નથી
    એ ક્ષણે
    હું પણ મને ક્યાં સ્વીકારું છું ?
    કવિતાની સર્જનપ્રક્રિયાની અનેક મથામણો પછીની નિષ્ફળતા અને એ સમયે ઉઠતા મનોભાવો તરફ
    પણ કવિનો ઇશારો હોઇ શકે.

  10. bharat vinzuda said,

    May 24, 2011 @ 12:05 PM

    હરીન્દ્ર દવેને સલામ..
    તેમના દરેક શબ્દને સલામ !

  11. nita shah said,

    June 2, 2011 @ 10:18 AM

    આજે લયસ્તર્…નિ નાનકદિ યાત્રા કરિ….પહેલિવાર….હ્રદય અને આન્ખો બન્ને ભિન્જાઇ ગયા, હુતો ધન્ય થઇ ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment