અદીઠો સંગાથ-મકરંદ દવે
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ભયની કાયાને ભુજા નથી,
નથી વળી સંશયને પાંખ,
ભરોસે ચાલ્યા જે અનભે રંગમાં,
ફૂટી એને રૂંવે રૂંવે આંખ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
ઊંઘતાને માથે ઓળો મોતનો,
ઊંઘતાને પાયે જગની જેલ,
આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો,
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
– મકરંદ દવે.
હિંમત અને શ્રદ્ધા- આ બે હલેસાં ભવપાર લઈ જવા પૂરતાં છે. મુખ્ય અવરોધ બુદ્ધિનો છે.
Kalpana said,
May 15, 2011 @ 4:11 AM
ઊઁઘની એકલતા, ઊઁઘની જેલ એ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાનો અભાવ દર્શાવે છે. પણ એ મનનો ક્ષણીક ભાવ છે. બીજી તરફ ચારે તરફ નજર નાખો તો કેટલાય ચહેરા આપણા મનના ભાવને ઓળખનારા અને નજીક આવી લાગણીનો ભાવ નીતારવા, આપણા મનનો ભાર હળવો કરવા તત્પર હોય છે.
દુઃખમા ઉઁઘ, એકલતા અને જાગો ત્યારે ભય, સઁશય ભાઁગનારો સદા સઁગાથે છે જ. અવરોધ બુદ્ધિનો છે તેમ પ્રભુનો સાથ પરોક્ષ રીતે સાથે છે જ, એનો અહેસાસ પણ બુદ્ધિ જ કરાવે છે.
બહુ જ સુઁદર કાવ્ય.
આભાર ઉર્વીશભાઈ.
jigar joshi 'prem' said,
May 15, 2011 @ 4:50 AM
ગાતો આવે અદીઠો સંગાથ-
બહુ સરસ
વિહંગ વ્યાસ said,
May 15, 2011 @ 6:04 AM
કવિની પોતાની પ્રતિતિ….!
pragnaju said,
May 15, 2011 @ 7:02 AM
ઋષિકવિના આ સુંદર લયબધ્ધ ગીતમા સ્વાનુભવને ગુંજતો કર્યો છે.
અને આંસુડે વાવે છે અમરવેલ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
અ દ ભૂ ત
પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપક છે આરંભમાં એવું દર્શન નથી થતું પરંતુ જેમ જેમ જ્ઞાનની અનુભૂતિના પ્રદેશમાં આગળ વધતું જાય છે તેમ તેમ એવું અલૌકિક અનુભવ દર્શન સહજ બને છે. . અજ્ઞાનની અવસાદપૂર્ણ અવસ્થામાંથી પ્રજ્ઞાના પવિત્રતમ પાવન પ્રદેશમાં જાગ્યા પછી વૃત્તિ તથા દૃષ્ટિ બંને બદલાઈ જાય છે. પછી જગત પરમાત્માના પ્રતીક જેવું લાગે છે.
નરસિંહ ભકતે આ અનુભૂતિ આ રીતે વર્ણવી છે..
જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઉંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે
પછી કેવો ભય, અજંપો કે ઓળો મોતનો…!
જયેન્દ્ર ઠાકર said,
May 15, 2011 @ 7:43 AM
ઘણું જ સુંદર કાવ્ય છે!
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
જાગીને જોઉં તો કોઈ નથી એકલું.
માનવી માત્રને સંસારમા અજંપોતો થાય જ છે, પણ જો તે પ્રભુમાં શ્રદ્ધા (વિશ્વાશ અને પ્રેમ) રાખે તો તેના ભવની ભાવટ પ્રભુ ભાંગે છે. આપણે આ અજ્ઞાનની ઊંઘમાંથી જાગવું જરુરી છે.
P Shah said,
May 15, 2011 @ 10:06 AM
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ-
ઋષી કવિની સુંદર રચના !
આભાર !
Ramesh Patel said,
May 15, 2011 @ 12:51 PM
સુંદર ભાવ જગતમાં રમાડતી કવિતા.આ માનવ જન્મને
ધન્ય બનાવે છે.
રમેશ પટેલ(આકાશદીપ)
DHRUTI MODI said,
May 15, 2011 @ 2:29 PM
અંદરના આનંદની કવિતા, જે સમાધિ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પણ જાગ્રત અવસ્થામાં અવસાદ સિવાય કશું જ નથી.
ધવલ said,
May 15, 2011 @ 3:37 PM
વાહ !
Neha said,
May 16, 2011 @ 3:52 AM
સુંદર !