વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
મરીઝ

વરસાદ આવ્યો – કિસન સોસા

હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,
ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,
સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,
જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

પાણી પર વરસાદ વરસે એ કલ્પનને પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો તરીકે કવિ મૂર્ત કરે ત્યારે શબ્દની શક્તિ આગળ અને કવિની કલ્પના સામે શિશ નમાવવાનું મન થઈ જાય… બધા જ શેર મજાના થયા છે પણ છાતીમાંથી ઊઠતી વેદનાની વરાળ, આંખમાં ઘેરાતા વ્યથાના વાદળ અને આંસુના ઊભરી આવતા ઘોડાપૂરવાળો શેર કલ્પન નવું ન હોવા છતાં કવિની અભૂતપૂર્વ માવજતના કારણે ઠેઠ ભીતર સુધી સ્પર્શી જાય છે…

4 Comments »

  1. pragnaju said,

    May 19, 2012 @ 5:28 AM

    છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
    ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

    વાહ

    જાણે

    નાગણ જેવી સીમ વછુટી
    ધસી આવતી ઘરમા…
    ભીંતે ભીતે ભાર પડ્યા
    હુ ભરતભુરૂં ઉંબરમા ..
    ચાસ પડ્યા તારા ચૌટામાં
    હું અંધારા ઓઢું

  2. Chandresh Thakore said,

    May 19, 2012 @ 4:38 PM

    સરસ રચના. વિવેકભાઈનું નિશાન બનેલું કલ્પન, સાચ્ચે જ, કાબેલિદાદ છે! પાણીના હોઠથી ચૂમાવા માટે પાણી એની નીકટ આવે, એના પર “વરસી” પડૅ, કે પાણીના હોઠ પાણીને ચૂમવા આતુર બેઠા હોય એ કવિની વિચારશક્તિ અદ્ભુત જ કહેવાય!

  3. Dhruti Modi said,

    May 20, 2012 @ 5:44 PM

    ખૂબ સુંદર રચના.

  4. Rahul Desai said,

    June 18, 2013 @ 9:37 AM

    I request you to include his gazal
    Hoy jo sandeh tujne, boond chakhi jo jara
    aabh na ne ankh na banne alag varsad che

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment