સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

નીકળીએ – રમેશ પારેખ

ચક્રની જેમ ચાલી ચાલી ચાલી નીકળીએ,
ભર્યા ઘરમાંથે અમે ખાલી ખાલી નીકળીએ.

એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ
પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ

દ્વાર ખખડાવીએ છીએ, તો દ્વાર ખોલી જુઓ
અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ.

આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ
અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ.

– રમેશ પારેખ

મુઠ્ઠી અને તાલી. બે શબ્દોએ મને વિચારતો કરી દીધો. કેટલાક માણસો તાલી જેવા હોય છે અને કેટલાક મુઠ્ઠી જેવા. એક પકડ્યા પકડાય નહીં,બીજાને ખોલતાય ખુલવાનું નસીબ થાય નહીં. કદાચ એવા, મુઠ્ઠી જેવા, માણસો માટે જ કવિએ દરવાજો ખોલી જોવાની વાત લખી છે.

6 Comments »

  1. pragnaju said,

    May 17, 2012 @ 4:38 AM

    કમાલનો મક્તા
    આ ભીડમાંથી નીકળવું સહેલું ક્યાં છે, રમેશ
    અમે મરણનો મૃદુ હાથ ઝાલી નીકળીએ.
    કારણનો એહસાસ…
    આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
    એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
    થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
    હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
    …………………………………………….
    એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ
    વાહ
    લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
    જીવન જીવી જવાની છે તો છે તદબીર મુઠ્ઠીમાં.
    દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
    મૂકી છે શક્તિ એવી સર્જકે અક્સીર મુઠ્ઠીમાં.

    પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ
    તાલીમાં તો ચોક્કસાઇ જરુરી
    માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે.
    તાલ રાગકો મૂળ હૈ, વાધ તાલકો અંગ;
    દોનો સંજોગ જબ હોત હૈ, ઉઠત અનેક તરંગ

  2. dr>jagdip said,

    May 17, 2012 @ 11:18 AM

    આજે ર.પા.ની પુણ્ય તિથિ છે….
    ક્યાંય પણ ઉલ્લેખ નથી….!!!!!!

    એક શબ્દાંજલિ

    “ર” સળગતાં જે વધી થોડીક મેશ
    આંખમાં આંજી બધાં થાજો “રમેશ”
    ડો. જગદીપ નાણાવટી

  3. Manish Shah said,

    May 17, 2012 @ 11:56 AM

    adbhoot…

  4. Sudhir Patel said,

    May 17, 2012 @ 12:02 PM

    વાહ, રમેશ! અદભૂત ગઝલ!!
    સુધીર પતેલ.

  5. Dhruti Modi said,

    May 17, 2012 @ 5:52 PM

    ચાર જ શે’રની અનોખી ગઝલ.

  6. Maheshchandra Naik said,

    May 17, 2012 @ 7:11 PM

    શ્રી રમેશ પારેખને શબ્દશ્રઢ્ઢાંજલી……………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment