અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઈન્દુકુમાર ત્રિવેદી

ઈન્દુકુમાર ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતાં સહેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટ્યું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.

કવિનો હૈયે થયેલો ‘ફફડાટ’ કલાપીનાં હૈયે થયેલા ‘એક ઘા‘ની યાદ અપાવે છે…

– ઇન્દુકુમાર ત્રિવેદી

Comments (10)

નળસરોવર – ઈન્દુકુમાર ત્રિવેદી

શાન્ત શિયાળુ સવાર…
ને આ નભનીલ સરોવર નીર
જેનાં સ્વચ્છ તરંગે
રંગ રંગનાં પંખી,
તરતાં, ફરતાં,
કહીં કહીં ગગનમાં ઊડતાં
આછાં આછાં જણાય નજરે
એને દૂરબીનથી જોતાં
લાગે પાસે
અડવા ઇચ્છા થાય એટલાં પાસે
દૃગથી જ્યાં પંપાળું
ત્યાં તો
બધાંય સરરર… ગેબ મહીં ગાયબ –

– ઈન્દુકુમાર ત્રિવેદી

નળસરોવરમાં પક્ષી જોવા જઈએ… પક્ષીઓના રંગો અને અજાયબ વિશ્વો જોઈને દંગ થઈ જઈએ અને હળવેથી નજીક જઈ અડવા જઈએ કે તરત બધા ઊડી જાય… આમાં વળી કવિતા ક્યાં આવી? પણ આ ગદ્યકાવ્યને જરા ‘દૂરબીન’ માંડીને જોઈએ તો ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ઝીણો તફાવત ઊડીને આંખે વળગે અને વાહ..વાહ.. બોલી ઊઠાય! દૂરબીનથી નજીક લાગે એવા પક્ષીઓને ઇચ્છાની આંખોથી પંપાળીએ અને એ ગેબ મહીં ગાયબ… આ સમાધિ જ કવિતાનો સાચો પ્રાણ છે…

Comments (6)