જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા
‘સૈફ’ પાલનપુરી

પથ્થર થરથર ધ્રૂજે – નિરંજન ભગત

પથ્થર થરથર ધ્રૂજે !
હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?

અનાચાર આચરનારી કો અબળા પર, ભાગોળે,
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !

એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો’તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઈ ઉચાટે;
હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂઝે !

આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’
એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે ગુંજે !

– નિરંજન ભગત

સાવ જાણીતી કથાને કવિએ આપેલું સુંદર કાવ્ય-સ્વરૂપ… આ ગીત વાંચીને મને તો રાજેશ ખન્નાની ‘રોટી’ ફિલ્મનું આ ગીત યાદ આવ્યું… 🙂

12 Comments »

  1. pragnaju said,

    May 5, 2012 @ 1:50 AM

    ‘ જેણે પાપ કર્યું ના એકે
    તે પથ્થર પહેલો ફેંકે !’ જાણીતું સુંદર કથન અંગે એમ પણ વિચારી શકાય કે પરિપક્વ મનુષ્ય પથ્થર તો નથી જ મારતો પણ સ્ત્રીને વ્યભિચારી બનાવવાના સંજોગો કેવા હશે એનો વિચાર કરીને, એના પ્રત્યે સમભાવપૂર્વક વર્તે છે, કારણકે પરિપક્વ મનુષ્ય જાણે છે કે ‘ગુલાબને કાંટા કેમ છે ?’ એવી ફરિયાદ કરવાને બદલે કાંટા વચ્ચે પણ ગુલાબ ઊગી શકે છે એનો આનંદ માણવો એ જ જીવન પ્રત્યેની સમ્યક દ્રષ્ટિ અને સાર્થક દ્રષ્ટિ છે.
    આ અંગે મન્સૂર અને હસનનો પ્રસંગ બહુ સચોટ છે. મન્સૂરને મોતની શિક્ષા ફરમાવવામાં આવી. એના પર ક્રોધે ભરાયેલા લોકોએ પથ્થર મારી મારીને મન્સૂરને લોહીલુહાણ કરી નાખ્યો, પણ મન્સૂર તો દુ:ખી થવાને બદલે ખડખડાટ હસતો હસતો માર ખાતો જાય. હસનને તો મન્સૂર માટે ભારે આદર હતો, પણ એને થયું કે એ જો ટોળાની સાથે મન્સૂર પર હુમલો કરવામાં નહિ જોડાય તો વિફરેલું ટોળું એના પર તૂટી પડશે, એટલે હસને મન્સૂર પર ફકત એક ફૂલ ફેંક્યું, પણ પોતાના પર ફૂલ ફેંકતા હસનને જોઈને મન્સૂર રડી પડ્યો ! કારણકે, એણે હસન પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતી રાખી. પરિણામે પથ્થરમારાને હસી કાઢનારો મન્સૂર ફૂલના સ્પર્શથી રડી પડ્યો. વૃદ્ધનું વ્યક્તિત્વ પણ ઘણી વાર નાદાન બાળક જેવું હોય છે, જ્યારે ભરયુવાનીમાં પણ માણસ વૃદ્ધનાં ડહાપણ ને સમજણ કેળવી શકે છે. ‘એવું જીવ્યું, જીવ્યું સાચું ગણાય, લાંબે ટૂંકે જિંદગી ના પમાય.’ એ કવિશ્રી મનસુખલાલ ઝવેરીની પંક્તિ વ્યક્તિની પરિપકવતા પરત્વે પણ એટલી જ અર્થપૂર્ણ છે.

  2. Sharad Shah said,

    May 5, 2012 @ 8:29 AM

    પ્રજ્ઞામા,
    મંસુરને ફાંસીની સજાના અમલ માટે જ્યારે લઈ જવાતો હતો અને લોકો મંસુર પર પત્થરો ફેંકતા હતા ત્યારે હસને મંસુર પર ફુલ ફેંક્યું અને મંસુર ની આંખોમામ્થી અશ્રુ વહેવા માંડ્યા એટલે મંસુરને લઈ જતા સૈનિકોએ પુછ્યું કે “હમણા પત્થરો ફેંકાતા હતા ત્યારે તો તું હસ્તો હતો અને એક ફુલ ફેંકાયું અને તું રડવા માંડ્યો? તું ખરેખર પાગલ લાગે છે.” ત્યારે મંસુરે કહ્યું” જે લોકો પત્થરો ફેંકતા હતા તેમને તો ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. પણ જેને ફુલ ફેંક્યું છે તેને તો ખબર છે કે હું જે કહું છું “અનલ હક” તે જ સત્ય છે. પણ ફુલ ફેંકનારની હિંમત નથી કે મને સમર્થન આપે. આ અશ્રુ એટલે આવેલા છે.”

  3. harsha vaidya said,

    May 5, 2012 @ 9:43 AM

    આવા ગીતો વાંચીએ ત્યારે ખુબ જ ગમે છે અને મનમાં કઈ ન કરી શકવાની લાચારીની પીડા થાય છે.બહુ સરસ.

  4. harsha vaidya said,

    May 5, 2012 @ 9:47 AM

    ખુબ જ સરસ આવી કવિતાઓને-ગીતોને વાંચવાનો આનંદ તો આવેજ છે.પણ કઈ ન કરી શકવાની વેદના પણ થાય છે.

  5. himanshu patel said,

    May 5, 2012 @ 10:54 AM

    દલપત કાવ્યબાની અને શૈલીથી આ જુદી નથી,અને આજે અમેરિકન કાવ્યનમાં આ રીત જોવા મળે છે કથનરીતિ (નેરટીવ સ્ટાયલ) અને કદાચ આવી કથા બુધ્ધ પાસેથી પણ મળે છે.

  6. pragnaju said,

    May 5, 2012 @ 12:45 PM

    લૂપ્ત થતી આ કાવ્યબાનીનું ,સિધ્ધહસ્ત કવિ શ્રી નિરંજન ભગતનું ગીત માણવાની સાથે આપે જે મારી કૉમેંટ પર પૂર્તિ કરી ખૂબ અગત્યના મુદ્દા તરફ ધ્યાન દોર્યું તેમા ઘણું શીખવાનું મળ્યું.આ અનલહક ‘અહં બ્રહ્માસ્મિ’ના સત્ય પર પ્રાણ ન્યોછાવર કરનાર મંસુરને શત શત સલામ સાથે આ ગીત ગુંજન કરું…

    અગર હૈ શૌખ મિલને કા,
    તો હરદમ લૌ લગાતા જા.
    જલા કર ખુદ નુમાઈ કો,
    ભસમ તન પર ચઢાતા જા.

    પકડ કર ઈશ્ક કી જાદુ
    સફા કર હીઝરઈ દીલ કો
    દુઈ કી ધૂલ કો લેકર
    મુસલ્લે પર ઉડાતા જા

    મુસલ્લા ફાડ, તસ્બી તોડ,
    કિતાબે ડાલ પાની મૈ.
    પકડ હસ્ત તું ફરીશ્તો કા,
    ગુલામ ઉનકા કહાતા જા.

    ન મર ભૂખા, ન રખ રોઝા,
    ન જા મસ્જિદ, ન કર સિજદા.
    હુકમ હૈ શાહ કલન્દર કા,
    અનલહક તું કહાતા જા.
    આ રચના નીચે પ્રમાણે પણ જોવા મળે છે.
    ન હો મુલ્લા, ન હો બમ્મન
    દુઈ કી છોડકર પુજા
    હુકમ હૈ શાહ કલંદર કા
    અનલહક તું કહાતા જા

    ક્હે મન્સુર મસ્તાના,
    હક મૈને દિલમે પહેચાના.
    વહી મસ્તો કા મૈખાના,
    ઉસી કે બીચ આતા જા.
    સ્વામી ભજનપ્રકાશાનંદજી હંમેશા કહેતા કે જો મન્સુર જેવા સુફી સંત વૈદિક સંસ્કૃતિમાં થયા હો તો આજે તેઓ ખૂબ જ આદર પામ્યા હોત કમનસીબે એમના લોકો જ તેમને ઓળખી ન શક્યા અને શૂળીએ ચડાવી દીધેલાં.

  7. vihang vyas said,

    May 5, 2012 @ 1:02 PM

    આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
    ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :
    ‘ જેણે પાપ કર્યું ના એકે
    તે પથ્થર પહેલો ફેંકે !’
    એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે !
    અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીયે
    ગુંજે ! Adbhut !

  8. Maheshchandra Naik said,

    May 6, 2012 @ 8:42 PM

    વેદના અનુભવવાની કેટલીક તકો……..ગીતમા મળી રહે છે……..

  9. પી. યુ. ઠક્કર said,

    May 9, 2012 @ 11:49 PM

    આદમી તો જુઠ્ઠો હોય, પણ જ્યારે એ જુઠ્ઠાપણું હાથમાં આવી જાય ને નિર્દય બની પથ્થર ઉપાડીને મારવા જાય ત્યારે એ હાથ ને જુઠ્ઠો અને જડ નવાજવા… હાથ હરખથી જુઠ્ઠા ને જડ.. એ તો નિરંજન ભગત જેવા કવિ જ સૌમ્ય રીતે ગાળ આપે …અને નિર્દયતાપૂર્ણ કૃત્યમાં બિચારો પથ્થર પણ થર.. થર.. ધ્રુજે.. કવિશ્રીની આ સંવેદના પથ્થર માફરત પ્રગટ થઇ કોના દિલમાં એક ચિરાડ ના કરી જાય..પથ્થર દિલ નહીં ખુદ પથ્થર જ ધ્રુજી જાય ત્યાં ? સંવેદનાનો મહાસાગર… બીજુ શું… આ ગજના કવિશ્રી યુગો યુગ કવિતામય જીવી જાઓ… અને સંવેદનાઓ પોકાર કરવા બેતાબ બની જાય અને ઇશ્વર મજબૂર બની જાય .. આવી ઘટનાઓ રોકવા કૃષ્ણ જન્મી જાય.. એ જ પ્રાર્થના…

  10. પી. યુ. ઠક્કર said,

    May 10, 2012 @ 11:26 PM

    અનાચાર આચરનારી અબળાને કુલટા કહી –

    “એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે;
    ‘આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !’ એમ કિલોલે કૂજે !”

    – કવિશ્રીએ કાવ્યમાં અબળાને કુલટા તરીકે નવાજતા સમાજના પ્રતિબિંબને ઉજાગર કર્યુ છે. પરંતુ કહેવાતા એ અનાચારમાં કાઉન્ટર પાર્ટ તરીકે કોઇ પુરૂષ સામેલ હોય એ અભિપ્રેત જ(ભાર મૂકવામાં આવે) છે. સ્ત્રીના દુષ્કૃત્ય પ્રત્યે જેટલો ફીટકાર આ સમાજ દર્શાવે છે તેટલી માત્રાનો ફીટકાર દુષ્કૃત્ય આચરનાર એ પુરૂષ પ્રત્યે સમાજ નથી દર્શાવતો.

    બલકે, પુરૂષપ્રધાન સમાજનું એ પ્રતિનિધિત્વ “પુરૂષ” જ સજા કરવા તત્પર થઇ જાય છે. દંભ- એ સમાજની વિશિષ્ઠ લાક્ષણિકતા છે.જેને કવિશ્રીએ કાવ્યથી એવી સરસ વણી લીધી છે કે, ગદ્યમાં લંબાણપૂર્વક વર્ણન થાય તો ય કદાચ વાંચકને બરાબર (એક્ઝેટ) એવો જ બોધ થાય કે કેમ; તે એક પ્રશ્ન રહે છે. કવિતા વાંચીને ગામની ભાગોળનું એ દૃશ્ય આબેહુબ જાણે કે, મનસપટ પર, ઉભરી આવે છે. આમ થવામાં શબ્દોની તાકાત કારણભૂત હોય એના કરતાં કવિશ્રીના હૃદયમાં વહેતી સમાજની આ તાસીર પરત્વેની સાચી વેદના જ કારણભૂત હોય. એ વેદનામાંથી આ સંવેદના સાકાર થઇ હોય એમ લાગે છે.

    ખાનગીમાં અનાચાર આચરવા તત્પર એવા કંઇક દંભીઓથી આ સમાજ (દરેક દરેક દેશ-પ્રદેશમાં અને કાળમાં) ભરેલો હોય છે. અનાચારને કારણે જ અનાચાર તરીકે જોનારા કરતાં એ ટોળામાં કંઇક એવા પણ હોય કે, જેઓને માટે સમાન પ્રકારનો અનાચાર ખાનગીમાં શક્ય ના બન્ય હોય અને એ ટોળામાં પથ્થર લઇ સામેલ થઇ ગયા હોય.

    કોઇક જ વીરલો હોય કે જે કહી દે,-

    ‘ જેણે પાપ કર્યું ના એકે
    તે પથ્થર પહેલો ફેંકે !’

    અને બધા ગાયબ !!

    ટોટલી સમાજ પાપી.
    પથ્થર ફેંકનારાઓ પણ દૂષિત.

    જે અબળા ઉપર અનાચારનો આરોપ છે એ; અને સાચા અર્થમાં શાણો જન કે, જે માનવીય તત્વને નજર સમક્ષ રાખીને રક્ષા કાજે ઉભો થાય છે, એ બે જ બચે છે. છેવટે તો સાચો સ્નેહ, ઇશ્વરનું સાચુ સ્વરૂપ જ નિર્મળ હોઇ શકે ને ?

  11. Umang Bhavsar said,

    May 26, 2012 @ 4:42 AM

    Very Intresting Subject.

  12. Shivani Shah said,

    January 9, 2018 @ 9:25 AM

    મારું ગમતું કાવ્ય! Comments પણ ખૂબ depth વાળી…ઓલિયાની જગ્યાએ આપણે હોઇએ તો કદાચ એમ કહીએ કે , ‘ એણે જે કર્યું તે, ઈશ્વર એને એના કર્યાની સજા આપશે. સજા આપનાર આપણે કોણ ?’
    ઓલિયામાં હમદર્દીની માત્રા ઉંચા સ્તરની છે..એનામાં sympathy અને empathy બેઉ છે. એ સમજે છે અને સમજાવે પણ છે કે નિષ્પાપ માણસ શોધવો પડે.. ( કારણ પાપ તો મનમાં જન્મે છે. એ action માં પરિણામે કે ના પણ પરિણામે )
    હવે કાવ્યની મુખ્ય પંક્તિ જરાક બદલીને પછી એના પર ફરી એક વાર નવેસરથી વિચાર કરીએ :
    ‘અનાચાર ન આચરનારી એક અબળાપર
    એક ગામના ડાહ્યાજન સહુ આરોપ ખોટા મૂકે
    અને ન્યાય નિરાંતે તોળે…….’ ( a group follows herd mentality..ઓલિયા જેવા બુધ્ધિમાન માણસનું ત્યાંથી એ સમયેપસાર થવું એ પેલી અબળાનું સદભાગ્ય! )
    બાકીનું આખું કાવ્ય એમનું એમ રહે ..તો પછી
    વાચકોના પ્રત્યાઘાત કેવા રહે એ જાણવા જેવું ખરું ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment