જે નથી તારું તું એને પામવાના મોહમાં,
જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2007

અરણ્ય-રુદન – પ્રીતિ સેનગુપ્તા

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

– પ્રીતિ સેનગુપ્તા

સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો  થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !

Comments (6)

કોઈ આવશે – ભગવતીકુમાર શર્મા

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે;
આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે.

અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ?
પોતે નહીં તો એના વતી કોઈ આવશે !

ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં;
પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે.

ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં;
વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે.

પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં;
સંભવ છે રાજપાટ ત્યજી કોઈ આવશે.

ઇચ્છા, મેં તારા નામ પર પાણી મૂકી દીધું;
લાગે છે, તોય અશ્રુ બની કોઈ આવશે !

શૈશવની બાળવારતા શોધી રહી મને;
સોનેરી પાંખવાળી પરી કોઈ આવશે ?

-ભગવતીકુમાર શર્મા

ભગવતીકાકાની ગઝલ ખૂબ ઊંડા ચિંતનના તારતમ્યરૂપે નીતરતી હોવાનું મેં કાયમ અનુભવ્યું છે. આ એક એવા સર્જક છે જે સર્જનને શોખ તરીકે નહીં પણ શ્વાસથીય વધુ અનિવાર્ય આવશ્યક્તા તરીકે લે છે. કાવ્યનો કોઈપણ પ્રકાર હોય, એમની સાધનાનું ઊંડાણ એમાં તરત જ વર્તાય. પ્રસ્તુત ગઝલનો ઇચ્છાવાળો શે’ર તો બેનમૂન થયો છે. ચિનુ મોદીના ખ્યાતનામ શે’ર –કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો, એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો-નું અદ્દલોઅદ્દલ અવળું પ્રતિબિંબ જ જોઈ લ્યો જાણે !

Comments (8)

ગઝલ – ઉર્વીશ વસાવડા


(ખાસ ‘લયસ્તરો’ માટે શ્રી ઉર્વીશ વસાવડાએ સ્વહસ્તે લખી મોકલેલ અક્ષુણ્ણ ગઝલ)

શબ્દ ખરવાની કશી ઘટના ઘટી,
હાથ જ્યારે થઈ ગયા કંકાવટી.

મુખવટાને દોષ આપે છે બધા,
હોય છે ચ્હેરા અસલમાં તરકટી.

સાવ સાદી લાગતી આખી કથા,
અંત વેળા નીકળે છે અટપટી.

શ્વાસનું ભાથું હવે ખૂટી ગયું,
જીવ તારે જાતરા કરવી મટી.

આજ લાગે છે કશું અવસર સમું,
આંગણે આવી પીડાઓ સામટી.

-ઉર્વીશ વસાવડા

આ ગઝલ વિશે શું કહીશું? ફક્ત બે જ શબ્દો “અખિલમ્ મધુરમ્” ચાલશે?

Comments (18)

કિયે ઠામે મોહની – દયારામ

કિયે ઠામે મોહની ન જાણી રે,
.                          મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે ? મોહનજીo

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં
.                          કે શું મોહની ભરેલી વાણી રે ? મોહનજીo

ખિટળિયાળા કેશમાં કે મદનમોહન વેશમાં
.                          કે મોરલી મોહનની પિછાણી રે ? મોહનજીo

શું મુખારવિંદમાં કે મંદહાસ્ય ફંદમાં
.                          કે કટાક્ષે મોહની વખાણી રે ? મોહનજીo

કે શું અંગેઅંગમાં કે લલિતત્રિભંગમાં
.                          કે શું અંગ-ઘેલી કરી શાણી રે ? મોહનજીo

ચપળ રસિક નેનમાં કે છાની છાની સેનમાં
.                          કે જોબનનું રૂપ કરે પાણી રે ? મોહનજીo

દયાના પ્રીતમ પોતે મોહની સ્વરૂપ છે
.                          તનમનધને હું લૂંટાણી રે ! મોહનજીo

– દયારામ

ગોપીના મનોભાવનો અંચળો ઓઢીને નખશીખ કૃષ્ણપ્રેમની ચરમસીમાઓ આલેખતી દયારામની ગરબીઓ આપણી ભાષાની અણમોલ સમૃદ્ધિ છે. અત્યંત મનોહર ભાષામાં મુગ્ધ ગોપી અહીં કામદેવથી ય રૂપાળા મોહનનું વર્ણન કરે છે. શ્રીકૃષ્ણના કયા અંગમાં કે ગુણમાં એનું ખરું આકર્ષણ છે એ જાણે અહીં ગોપી શોધવાની કોશિશ કરી રહી છે અને અંતે ‘અખિલમ્ મધુરમ્’નો કાયદો સ્વીકારી લઈ તન-મન-ધનથી એના પ્રેમમાં લૂંટાઈ બેસે છે એ આખી રીતિમાં દયારામનું કવિત્વ એના સુભગ રૂપે પ્રકટ્યું છે. મટક-લટક, કેશ-વેશ, નેન-સેન જેવા મધ્યાનુપ્રાસ ગરબીને મીઠી ગાયકી બક્ષે છે.

Comments (1)

ગઝલ – ગની દહીંવાલા

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

-ગની દહીંવાલા

ગનીચાચાની એક જાણીતી ગઝલ મમળાવીએ આજે. હોઠના ગોખલાંમાં શબ્દોના કબૂતર ચૂપચાપ બેઠાં હોય અને એ ખામોશી જ પાંખોનો ફફડાટ બનવા માંડે ત્યારે સમજાય કે મૌનની ભાષા શબ્દની ભાષા કરતાં વધુ સશક્ત હોય છે. એક પછી એક શેર જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ ગઝલપંખીની પાંખોનો વ્યાપ વિસ્તરતો જતો સહેજે અનુભવાય અને ખુલતું જાય એક અસીમ આભ.

Comments (7)

પાંખ – ચંદ્રેશ ઠાકોર

કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.

એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…

– ચંદ્રેશ ઠાકોર

લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.

સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.

પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?

એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.

પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.

Comments (5)

લાઘવ ક્યાંય નથી કવનમાં – નિર્મિશ ઠાકર

ભૂલ કહે ભ્રમણાને, ભ્રમણા ભૂલવે વાત ભજનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કાલિન્દીનાં જલમાં ઝાંકી
પૂછે કદંબડાળી
યાદ તને બેસી અહીં કોણે
રચી શબ્દની જાળી ?
લહર વમળમાં પડે, વમળ ઝટ સરી પડે ચિંતનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

કરો કવિને જાણ:
અરથની તાણ રહી છે વરતી !
સ્હેજ ન રાખી લજ્જા લખતાં,
રાવ હવે ક્યાં કરવી ?
છંદ કહે લય-પ્રાસને, સહસા ફેર ચડે લોચનમાં:
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

શિર પર ગોરસમટકી (?)
ના એ છલકી કે નવ તૂટી,
કંકર અંદર-બાહર વાગ્યા
કશું ન નીકળ્યું ફૂટી !
નિર્મિશ કહે ઝટ વેચને પસ્તી… તોલ બધું વજનમાં !
લાઘવ ક્યાંય નથી રે કવનમાં !

– નિર્મિશ ઠાકર

એક સરસ પ્રતિકાવ્ય, મૂળ કાવ્યની લોકપ્રિયતાનો આધાર લઈને, એને અલગ સ્વરૂપમાં રજૂ કરીને હાસ્ય નીપજાવે છે. નિર્મિશ ઠાકરને આ કળા સારી રીતે હસ્તગત છે. અહીં આ ગીતમાં અતિ-સંકુલ કવિતાઓ લખતા કવિઓ પર સરસ કટાક્ષ કર્યો છે. સાથે મૂળ ગીતનું સ્વરૂપ પૂરેપૂરું જાળવી રાખ્યું છે. પ્રતિકાવ્ય મૂળ કૃતિની હાંસી ઉડાવે છે એવું ઘણા લોકો માને છે જે ખોટું છે. બલ્કે પ્રતિકાવ્ય તો મૂળ કૃતિની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે. નિર્મિશભાઈના જ બીજા બે પ્રતિકાવ્યો પણ આ સાથે જોવા જેવા છે – તે પંથીની અને રસ્તો જડી ગયો.

Comments (3)

જુવાનીમાં – વિંદા કરંદીકર (અનુ. જયા મહેતા)

જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.

અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.

– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)

Comments (5)

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

ભોળી   રે  ભરવાડણ  હરિને  વેચવા  ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી.       ભોળીo

અનાથના   નાથને   વેચે   આહીરની  નારી;
શેરીએ-શેરીએ  સાદ પાડે : લ્યો કોઈ મોરારિ.       ભોળીo

મટુકી     ઉતારી,    માંહી    મોરલી   વાગી;
વ્રજનારીને    સેજે    જોતાં   મૂરછા   લાગી.       ભોળીo

બ્રહ્માદિક  ઇન્દ્રાદિક  સરખા  કૌતક  એ  પેખે;
ચૌદ   લોકના   નાથને  કાંઈ  મટુકીમાં  દેખે.       ભોળીo

ગોવાલણીના   ભાગ્યે   પ્રગટ્યા  અંતરજામી;
દાસલડાંને  લાડ   લડાવે   નરસૈંનો  સ્વામી.       ભોળીo

– નરસિંહ મહેતા

દહીં વેચવા નીકળેલી ભોળી ભરવાડણ ‘મહી લ્યો’ કહેવાને બદલે ‘લ્યો કોઈ મોરારિ’ એમ બૂમો પાડતી શેરીએ શેરીએ ફરે છે. કૃષ્ણમાં લયલીન કૃષ્ણમય ગોપીને એટલે જ મટુકીમાં દહીંના સ્થાને શ્રી હરિ નજરે ચડે છે. ગોપીનો ભક્તિભીનો ઉલ્લાસ અને અચળ પ્રભુપ્રેમ આ ઊર્મિગીતમાં સુંદર અભિવ્યક્તિ પામ્યા છે. ગોપી-કૃષ્ણ દ્વારા આત્માની પરમાત્મા સાથેની રસલીનતા પણ અહીં ભક્તકવિએ કલાત્મક રીતે સૂચવી દીધી છે.

Comments (5)

खुदा भी हो – સુધીર પટેલ


(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)

ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !

मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !

उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !

लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !

मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !

जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !

-सुधीर पटेल

અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.

Comments (4)

Page 1 of 4123...Last »