વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ
તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !
તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !
તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.
-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ
પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…
Pinki said,
December 6, 2007 @ 2:34 AM
પહેલો નિઃશ્વાસ જાણે વિરહની આશંકામાં મિલનને વાગોળે છે
બીજો નિઃશ્વાસ વિરહ બાદની વ્યાકુળતા દર્શાવે છે
ત્રીજો નિઃશ્વાસ પણ, ‘નિઃસંગ હું’ કહી વિરહની કાલિમામાં પણ ચંદ્રની ઝાંખી કરાવે છે.
વગર શબ્દોએ નિઃશ્વાસ કેટલું કહી જતાં હોય છે……….!!
પ્રહરાજ નંદ જ જાણે સાંભળી શક્યા કે સમજી શક્યાં ?!!
pragnajuvyas said,
December 6, 2007 @ 2:30 PM
અઘોષ “હ્” -નિઃશ્વાસ
રંગ-તાપ-અંધકારનો
હ્રુદય ભરી દે છે
અનુભવવાની વાત વર્ણવવાનું મુશ્કેલ.
કવિઓ એ આ રીતે પણ પ્રયોજ્યો છે!
‘વેદના, નિઃશ્વાસ ,આંસુ, પ્યાર મારી નાખશે,
જીદગી સુંદર છે પણ આ ‘ચાર’ મારી નાંખશે.’
‘પંખી તો આવે,ટહુકે અને ઉડી પણ જાય
દાળી જો મુકે નિઃશ્વાસ તો ખરે છે પાંદડું’
‘નીકળે નિઃશ્વાસ નિત ઉચ્છવાસમાં,
કોણ શ્વાસોને છળે મારી ભીતર ?’
ધવલ said,
December 6, 2007 @ 10:29 PM
એકલતાનો ઉપનિષદ !