તને મેં ઝંખી છે -
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રહરાજ નંદ

પ્રહરાજ નંદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ

તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !

તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !

તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.

-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ

પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…

Comments (3)