યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?
શ્યામ સાધુ

વિશ્વ-કવિતા:૧૧: પ્રેમ અને પુસ્તક (પંજાબી) – સુતીંદરસિંહ નૂર (અનુ. સુજાતા ગાંધી)

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!

6 Comments »

  1. KAVI said,

    December 9, 2007 @ 2:41 AM

    હું આ કૃતિ સાથે સંપૂર્ણપણે સહમત છુ..
    રચના વાંચવી ગમી

  2. ધવલ said,

    December 9, 2007 @ 12:06 PM

    જે કાર્યમાં મન ખોવાઈ જાય અને દુનિયાને ભૂલી જાય એને પ્રેમ કર્યો કહેવાય… પુસ્તક વાંચવામાં એવી intensity ઘણી વાર અનુભવી છે. કવિતા નો આખો વિચાર જ સુંદર છે !

  3. pragnajuvyas said,

    December 10, 2007 @ 3:57 PM

    ‘પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!’
    સમાજનાં બંધનો,અને ખાસ કરીને પ્રેમ અને લગ્ન બાબતના સમાજના નિયમોથી એક ત્રસ્ત થઈ ગયેલીએ કહેલું કે-‘ સમાજ દંભી છે. નૈતિકતાને નામે ભરપૂર છૂપે છૂપે પોતાની જ વ્યાખ્યા પ્રમાણેની અનૈતિકતામાં આનંદ લઈ બહારથી નૈતિક બની રહેવાનો અંચળો પહેરે છે!’
    અમદાવાદનાં એક બહેન ગાયનેકોલોજિસ્ટ લખે છે કે,`હાલના લગ્નજીવનમાં હું મન મારીને રહું છું. હકીકતમાં મારાં પ્રેમલગ્ન હતાં.મારી પોતાની હોસ્પિટલ બનાવવામાં પતિનો ઘણો ફાળો હતો. પરંતુ સમય જતાં મને લાગ્યું કે તે વેપારી હોઈ સંબંધમાં સોદાની ગંધ આવવા માંડી છે.
    …સંબંધમાં પારદર્શકતા કે સ્વતંત્રતા રહી નહોતી… ધીરે ધીરે મારા જીવનમાં એક બીજી વ્યકિત આવી, જેણે કોઈ પણ ગણિત વગર મને ચાહી છે. એને હું બધું જ કહી શકું છું…’
    તો વળી
    “મેજૉરિટી ગુજરાતી, રાજસ્થાની કે બીજી ભારતીય નારી પડયુંપાનું નિભાવી લે છે. મને કોઈ સલાહ પૂછે તો હું ઈશ્વર પેટલીકર કે બીજા સમજદાર કહેવાતા લેખકો જેવી ડાહી ડાહી શિખામણ ન આપી શકું. દરેકે લગ્ન બહારના સંબંધોનું મેનેજમેન્ટ પોતે જ કરવું જૉઈએ!”વાંચતા લાગે છે કે…
    પ્રેમ કરવો
    અને પુસ્તક વાંચવું
    એમાં કોઈ અંતર નથી હોતું.

  4. ભાવના શુક્લ said,

    December 10, 2007 @ 4:08 PM

    કચરો વાળતા વાળતા જડેલા છાપા ના કટકામા (ઓફ કોર્સ તેમા લખેલી વાત/વાર્તા મા) ખોવાઈ જવુ અને કામ સમય સર પુરુ થાય તો મમ્મીના હાથનો માર સુદ્ધા ખાવો અને છતા કોઈ દિવસ ભુલથી એકાદ વાર પણ આદત ના સુધરે તે કેવુ? વાંચવુ એ જીવન માથી ક્યારેય બાદબાકી ના પામ્યુ અને એક અંગત ખુણો બની ને રહ્યુ. વાચી શકીયે માટે પ્રેમ કરી શકીએ અને પ્રેમ કરીએ તો વાચતા તો જરુર રહીયેજ.

  5. વિવેક said,

    December 11, 2007 @ 12:04 AM

    પ્રેમ અને પુસ્તકની અદભુત સરખામણી…. કવિતાનું કામ જ આપણા બારીક સંવેદનોને હળવેથી ઝંઝોળીને નવા કલ્પનોની તાજગીથી ભરી દેવાનું છે… છે આમાં કંઈ એવું જે આપણે જાણતા ન હોઈએ? અને તે છતાં સાવ નવીનક્કોર તાજગીથી એ આપણી ભીતર કંઈક ભરી દે છે…

  6. hemantpunekar said,

    December 13, 2007 @ 8:01 AM

    ખૂબ સુંદર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment