હસિત બૂચ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 31, 2014 at 1:51 AM by વિવેક · Filed under ગીત, હસિત બૂચ
રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.
રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !
ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !
– હસિત બૂચ
લયસ્તરો પર પ્રદ્યુમ્ન તન્નાનું એક મજાનું સ્પર્શકાવ્ય માણ્યું ને આ ગીત યાદ આવી ગયું…
આલિંગનનું આવું મજાનું ગીત કદી માણ્યું છે? ક્ષણભર બે જણ વીંટળાયા એમાં તો અ-મર માંડવો રચાઈ ગયો… કેવો છે આ માંડવો? રૂંવા-રૂંવા ફૂલ થઈને મઘમઘે છે ને એની સુવાસ શ્વાસમાં પ્રસરે છે… જ્યાં બે ઓષ્ઠદ્વય એક થયાં કે તરત હૈયાના પાંદડા લહેરવા માંડે છે અને મિલનની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… કેવો પ્રેમનો અમલ ! કેવું અમી ! ખુદ કાળ પણ લળી લળીને સલામ ભરે છે…
(રૂં-રૂં= રૂંવા-રૂંવા; ઉરપરણ= હૈયાનાં પર્ણ; અમલ= નશો; મુજરો = સલામ)
Permalink
November 3, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હસિત બૂચ
એક નિરંતર લગન ;
. અમે રસ પાયા કરિયેં :
એકબીજામાં મગન :
. અમે બસ ગાયા કરિયેં.
કોઈ ચાંગળું લિયે, પવાલું-
. કુંભ ભરે, જો રાજી !
કોઈ કરે મુખ છોને આડું ,
. કે ઈતરાજી ઝાઝી ,
. છાંય હોય કે અગન ; -અમે 0
સફર મહીં હો ઉજ્જડ વગડો,
. કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
. કે ઝરણાં ખળખળતાં ;
. હવે મુઠ્ઠીમાં ગગન ; -અમે 0
-હસિત બૂચ
આવી અદભુત ગીતરચના આટલા વરસો સુધી નજરમાં આવી જ નહીં ! આવી રચના વાંચવાની-ગણગણવાની-જીવનમાં ઉતારવાની બાકી રહી જાય તો આખો જન્મારો એળે ગયો જાણવો.
Permalink
December 17, 2007 at 9:23 PM by ધવલ · Filed under ગીત, હસિત બૂચ
એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.
ફૂલ અકારણ કાંટો થાય;
ભઈ
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય ?
મળિયો મારગ તજી જવાય ?
એવુંયે અહીં બન્યા કરે;
પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,
કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;
ભલે
ન પળ એ રટ્યા કરાય !
ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય ?
એવું તો અહીં બન્યા કરે,
કે –
એવુંયે ભઈ, બન્યા કરે,
કે –
– હસિત બૂચ
(‘ઓચ્છવ’)
બન્યા કરે એ નિયતિના સ્વીકારનું કાવ્ય છે. આપણી અડધી જીંદગી બનેલાનો પ્રતિકાર કરવામાં જાય છે. જે બની ગયું છે – એ સત્યને સ્વીકારીને આગળ વધવું એ આપણો ધર્મ છે. આ સાદી વાત કવિએ બહુ મીઠી રીતે કરી છે.
( વિતથ = ખોટું, અસત્ય )
Permalink