ગઝલ – બકુલેશ દેસાઈ
અહીં કાચ ને પથ્થરો પણ અહીં છે,
બરડ શ્વાસનાં ઝુમ્મરો પણ અહીં છે.
કડડભૂસ ગીતો તણા કાંગરા અહીં,
બચેલો મધુર અંતરો પણ અહીં છે.
ટહુકવાને ઉત્કંઠ જો કે મયૂરો,
ચૂક્યા હોય એ અવસરો પણ અહીં છે.
ખબર પણ પડે ના અને ખોઈ બેસો,
પળો ચોરતા તસ્કરો પણ અહીં છે.
અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.
-બકુલેશ દેસાઈ
બકુલેશ દેસાઈ ભલે વ્યારામાં જન્મ્યા હોય, અમે એમને પક્કા “હુરતી” જ ગણીએ છીએ. વર્ષોથી સુરતમાં જ સ્થિર થયેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા બકુલેશ દેસાઈ હળવા હાસ્યલેખ અને વાર્તાઓમાં વધુ ખીલતા દેખાય. દર રવિવારે ‘નર્મદ સાહિત્ય સભા’માં નવોદિત સર્જકો સાથેની ગોઠડીમાં એમના આશીર્વાદ અચૂક મળે જ. શબ્દોમાં નાજુક મીનાકારી એ કઈ રીતે કરે છે એ સમજવું હોય તો આ ગઝલ જોવા જેવી છે…
(જન્મ તારીખ: (૧૪-૦૭-૧૯૪૭), કાવ્યસંગ્રહો: ‘અવાન્તર’, ‘અમીરાત’).
ધવલ said,
December 13, 2007 @ 9:35 AM
બહોત ખૂબ ! … એક કેન્દ્રવર્તી વિચારને લઈને લખાયેલી બહુ અસરકારક ગઝલ. ‘મળે ને મળે’ની યાદ તરત જ આવે.
pragnajuvyas said,
December 13, 2007 @ 10:42 AM
ચિ. બકુલેશ ડેહાઈને અમારા પાલવાડા,વ્યારા કે સુરતનો કહેવા કરતા ગુજરાતી ભાષાનો ફક્ત કવિ જ નહીં પણ સાહીત્યકાર કહેવો વધુ યોગ્ય લાગે છે.સુંદર ગઝલની આ પંક્તીઓ વધુ ગમી-
અહીં ખારપાટી ભૂમિ છે, ‘બકુલેશ’,
કહો, સંસ્મરણનો ઝરો પણ અહીં છે.
વાંચતા રા.પા.નું ન પુરાય તેવા,અમે ભણતા
હતાં તે સંસ્મરણની યાદ આવી…
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
સુનીલ શાહ said,
December 14, 2007 @ 9:13 AM
સુંદર ગઝલ.