વિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) – દ.ભા. ધામણસ્કર
વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”
મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…
હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.
– દ.ભા. ધામણસ્કર
પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.
વિવેક said,
December 5, 2007 @ 9:49 AM
વાંચતાની સાથે જ વિચારતા કરી દે એવું કાવ્ય… વિચાર્યા પછી કરી દે અવાક્… વાહ કવિ! બાપને યયાતિ જેવો યુવાન અને પુત્રને પરંપરાના બોજ હેઠળ દબાયેલ વૃદ્ધ કહી કમાલ કરી…
ઊર્મિ said,
December 5, 2007 @ 4:40 PM
વાહ… સુંદર કાવ્ય!
ધવલભાઈએ પણ ખૂબ સરસ, સત્ય અને કડવી હકીકતની વાત કરી…
pragnajuvyas said,
December 6, 2007 @ 1:28 PM
સુંદર
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…
વિચારમાં ઉતારી દે તેવી પંક્તીઓ
પરંપરા અને પરિવર્તનએ સાપેક્ષ છે.અહીં અમેરીકામાં પણ કેટલાક એવાં પરિવર્તનો જોવામાં આવે છે કે તેઓ ગુમ થઈ ગયેલાં લાગે,તો કેટલાક હાલની પરીસ્થિતીને અનુસાર ન કર્યાં હોત તો અંટવાઈ જાત ત્યારે કેટલીક પરંપરા
જેવી કે અસ્થી પધરાવવાની,નદી દરીયાનું પર્યાવરણ ન સાચવવું કે વડીલ તરીકે દાદાગીરી કરવી એ ગુન્હામાં ગણાય છે.