અધૂરો ખેલ – પ્રફુલ્લા વોરા
કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી… કે શોધું…
યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
એકલદોકલ વાત નથી આ,
બંધ ગઠરિયાં છૂટી…. કે શોધું…
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
-પ્રફુલ્લા વોરા
મઘઈ પાનનું બીડું મોઢામાં મૂકીએ અને ધીમે ધીમે ચાવતાં જઈ એનો રસ ખૂટી જવાનો કેમ ન હોય એવી અધીરપથી શક્ય એટલા સમય સુધી માણવાની કોશિશ જેમ કરીએ એમ જ ખૂબ આહિસ્તે-આહિસ્તે મમળાવવા જેવું આ ગીત. દરેક કલ્પનો પર અટકીને વિચાર કરવો પડે કે આ માત્ર શબ્દોના પ્રાસ છે કે પ્રાસથી ય કંઈક આગળ… ઘોડાની આગળ ગાજર બાંધીએ અને ઘોડો દોડતો રહે એવી પરિસ્થિતિ આપણા સહુની છે પણ કવયિત્રી કેવા કમનીય શબ્દો લઈને આવે છે! એમણે ભ્રમણાઓ અને એ પણ ભૂરી અને તૂરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂરો રંગ આકાશનો રંગ છે એ અર્થમાં એ ભ્રમણાઓની વિશાળતાનો સંકેત કરે છે તો તૂરો શબ્દ ગમે એવી વિશાળ કેમ ન હોય, ભ્રમણાનો સ્વાદ તો આવો જ રહેવાનો એમ ઈંગિત કરતો ભાસે છે. અને કઈ ભ્રમણાઓ માણસને દોડતો રાખે છે? આજે નહીં તો કાલે, સુખના વાદળ ઊગશે એજ ને? અહીં કવયિત્રી કદાચ અજાણતાં જ બીજી અર્થસભર વ્યંજનાનો કાકુ સિદ્ધ કરે છે. સુખ માટે એ વાદળનું કલ્પન વાપરે છે. પણ વાદળની જિંદગી કેટલી? વાદળે ક્યાં તો પવન સાથે વહી જવાનું ક્યાં સમય સાથે વરસી જવાનું, પણ એનું હોવું તો ક્ષણભંગુર જ ને… આ તો બે લીટીની વાત થઈ. આખું કાવ્ય જ મઘઈ પાનના બીડાંની જેમ ચગળવું પડશે…
સુનીલ શાહ said,
December 20, 2007 @ 8:50 AM
સુંદર કલ્પનાઓ સાથેનું મમળાવવું ગમે તેવું ગીત…વિવેકભાઈ, મઘઈના પાનની વાત સાચી છે.
Harnish Jani said,
December 20, 2007 @ 8:54 AM
વાહ વાહ શુ’ ફિલોસોફી છે? વિવેચન પણ ગમ્યુ’.વરસોથી પાન નથી ખાધુ’. હુ’ કહુ’ કે હાથમા’ ફેનચ વાઇન-મરલોનો ગ્લાસ હાથમા’ રાખી ધીમે ધીમે પીતા જવાનો -/એવૉ નશો આ કાવ્યમા’ છે.
Pragnaju Prafull Vyas said,
December 20, 2007 @ 10:09 AM
ગીત ગમ્યું-વિવેચન વધુ ગમ્યું.
હવે તો મઘાઈ પાન મમળાવવાની વાત અહીં પણ સમજાવી શકાય છે!
” કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી…કે શોધું”
પંક્તીઓ ગમી…
યાદ આવી બેફામની પંક્તીઓ——
શોધુ છુ એક અકાશ ક્ષિતિજની પેલે પાર,
મળવા કેરી આશ વિરહને પેલે પાર,
કહી શકુ જો વાત શબ્દોની પેલે પાર,
પકડે જો તુ હાથ જવાય જીવનને પેલે પાર.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
અને દલપતભાઈ કહે છે તેમ-
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું
કોઇ બતાવો ક્યાં છે મારી ભોંય… મને.
વધુ ગમી—
“ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,”
યાદ આવી
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી
‘કવયિત્રી’ શબ્દને બદલે ‘કવિ’જ રાખો તો કેમ?
કદાચ તેનો અર્થ કવિ-પત્ની થાય છે,વળી કવિ
કરતા ઉતરતી કક્ષા જેવું લાગે છે! હવે જેમ
નર-નારીને બન્ને માટે એકટર શબ્દ વપરાય છે.
મારી ભૂલ થતી હોય તો સુધારશો…
ભાવના શુક્લ said,
December 20, 2007 @ 11:01 AM
નામ રટંતાં જે સુખ ચાખ્યું, એ માળા મેં ગૂંથી…
ને છતા પણ અંતમા કહેવુ કે,
અંતે તો આ ખેલ અધૂરો, ને ચોપાટું પણ ઊઠી…
……………………….
માલુમ કહા હે હમે મંઝીલ કા કોઈ મકા…
હમ ચલતે રહે હે, રાહ છુટતી રહી હે…
ધવલ said,
December 20, 2007 @ 11:19 PM
યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
– સરસ !
Kashyap Naik said,
December 20, 2007 @ 11:28 PM
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી
Ketan Shah said,
December 21, 2007 @ 3:36 AM
વિવેકભાઈ તમે એકદમ સાચુ કહ્યુ હતુ કે ,not to miss this one.
Ketan Shah said,
December 21, 2007 @ 3:37 AM
ખરેખર બહુ જ સરસ રચના વાંચવા મળી.
prakash said,
December 21, 2007 @ 4:07 AM
આલ્
jayesh joshi said,
December 21, 2007 @ 6:03 AM
યુગ યુગ થી હું શોધુ છું કોઈ લખવા જેવો અક્ષર
કાગળ – લેખણ હાથમા લઉ ત્યાં કેમ બધુ છૂ મંતર,
એકલ દોકલ વાત નથી આ બંધ ગઠરીયા છૂટી …………………………
બહૂજ સરશ રિતે શ્બ્દોની ગૂથણિ કવ્યત્રી એ કરિ છે
મારા મતે તો કવિ એવુ કહેતા હોઈ એમ લાગે છે કે
આ ક્ષણીક જીવન મા સુખ નો શુબ્દ શોધે છે સહુ
અને જ્યારે તે દેખાય છે અને તેને મેળવવા હથ લાંબો કરીએ ને તે અલોપ થાય
આ એક અમથિ વાત નથી આતો આવા સ્વ્પ્નો ની અરમાનો ની પૂરી વણઝાર છે
Pinki said,
December 28, 2007 @ 10:01 PM
રસદર્શન ખૂબ જ સુંદર
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
સાચે જ ભૂરી તૂરી ભ્રમણા વાળી વાત ઘણી ગમી ………..