એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અત્તરિયા રાજા ! – લાલજી કાનપરિયા

ઊગ્યા ઊગ્યા ડુંગર વચ્ચે દરિયા રે અત્તરિયા રાજા !
પડછાયા પાણીમાં  એવા તરિયા રે અત્તરિયા રાજા !
પાંપણમાંથી કોઈ અચાનક છટક્યું રે અત્તરિયા રાજા !
લોચનને અંધારું એવું ખટક્યું રે અત્તરિયા રાજા !
ખરી ગયેલા શ્વાસ છાતીએ વાગ્યા રે અત્તરિયા રાજા !
અડધી રાતે સાગ-ઢોલિયા જાગ્યા રે અત્તરિયા રાજા !
હથેળીયુંમાં ખળખળ નદીયું વહેતી રે અત્તરિયા રાજા !
ભીની ભીની દંતકથાઓ કહેતી રે અત્તરિયા રાજા !
ઘર, ફળિયું ને નળિયાં ડસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !
અમને અમારાં સમણાં હસવા લાગ્યાં રે અત્તરિયા રાજા !

– લાલજી કાનપરિયા

ટૂટી ગયેલા સંબંધની વાત, અલગ અંદાજ ને અલગ અસર સાથે. એક તરફ લોકગીતો જેવો માહોલ જ્યારે બીજી તરફ જગદીશ જોષી જેવી અસર. કવિએ વાંચતાની સાથે ખાલીપો ઘેરી વળે એવા કલ્પનોનું આખું ટોળું ભેગું કર્યું છે.

Comments (8)

એ દેશની ખાજો દયા – ખલિલ જીબ્રાન

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

– ખલિલ જીબ્રાન
અનુવાદ : મકરંદ દવે

રાષ્ટ્રની વ્યાખ્યા કરતી પંક્તિઓ જીબ્રાને એના પુસ્તક ગાર્ડન ઓફ પ્રોફેટમાં લખેલી. એના પરથી મકરંદ દવેએ આ ગીતની રચના કરી છે. ગીત એટલું સરસ છે કે એમાં ભાષા, સમય અને સ્થળની સિમાઓથી પર એક ચિરંજીવ સંદેશ અવતરિત થાય છે. કમનસીબે આ ગીત હજુ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કહે છે The more things change, the more they stay the same.

Comments (9)

ફાગુનું ફટાણું – રમેશ પારેખ

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું ય વારવાર લાગે

છોક્કરીને શમણાં લઈ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગૈ ફાટી

છોક્કરાના લમણાંમાં ખાકટીઓ પાકી
ને લોહી હાળાં ધકામૂકી ધકામૂકી થાય…

– રમેશ પારેખ

‘લયસ્તરો’ તરફથી સહુ કાવ્યરસિક મિત્રોને ધૂળેટીની રંરી શુભેચ્છાઓ…

ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરે ચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલા છોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓ ને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

Comments (9)

તમે કહો તો હા – સુરેશ દલાલ

તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

તમે કહો કે ચાલવું છે
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે
તો યાદ કરીને ભૂલશું.

મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

તમે કહો કે નહીં બોલો
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે
નામતણી    જપમાળા

તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

– સુરેશ દલાલ

સહજ-પ્રેમની સહજ અભિવ્યક્તિ.

Comments (11)

(તારું નામ) – મિતુલ આશર

એક સોનેરી કાગળનો કટકો લીધો
               અને લખ્યું તારું નામ મેં નવાબ;
તકિયાની નીચે મેં સંતાડી રાખ્યું :
               ને જાગીને જોઉં તો ગુલાબ.

અરસપરસ પાંદડી પૂછે સવાલ
               પણ હોઠ નહીં ખોલે જવાબ;
કોનું એ નામ છે ને કોણે લખ્યું :
               એના મૌનમાં તો મ્હેકે રુઆબ.
તારા તે નામથી ભરચક ભરી છે
               આમ જુઓ તો કોરી કિતાબ.

એકએક પાંદડીને છુટ્ટી કરી
               અને તરતું મૂક્યું મેં તળાવ
તારા તે નામનાં ખીલ્યાં કમળ
               મને તારો તે કેવો લગાવ
ચાંદનીના જામમાં ઘૂંટે ઘૂંટે
               હું તો પીઉં તારા નામનો શરાબ

– મિતુલ આશર

જૂની રંગભૂમિના ગીતો જેવી અસર ઉપજાવતું આ ગીત ઘણા વખતથી મનના ખૂણામાં પડી રહેલું તે આજે અચાનક મળી ગયું. પહેલી ચાર પંક્તિઓમાં કવિએ શૃંગારરસની એક નાજુક અદાને આબાદ ઝડપી લીધી છે. એક જમાનામાં આ પંક્તિઓ એવી હોઠે ચડી ગયેલી કે પંદર દિવસ સુધી એ જ ચાલ્યા કરી… પછી ‘ગુલાબ’ને થોડા વખત માટે ફરજીયાત આરામ આપવો પડેલો !

Comments (8)

મુસાફરીના વિઘન – અનિલ જોશી

(નદીમાં બરફના ટુકડા તરતા જોઈને પનિહારી ગાય છે.)

સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.
ડેલી ઉઘાડ…
મારું બેડું ઉતાર…
કાળ ચોઘડિયે સુધબુધ મેં ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ
મરચાં ને લીં બુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બખિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધુણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ને ટીપણું કાઢીને વદ્યા વાણી
જળની જન્મોતરીમાં બરફ નડે છે ને બરફની કુંડળીમાં પાણી.
હવે નદીયુંની જાતરામાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
તમે ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મેં ક્યાં જઈ ધોઈ ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ.

-અનિલ જોશી

સંબંધમાં ગાંઠ પડી જાય ત્યારે માણસ સુધબુધ ખોઈ બેસે છે.  પણ કવિતા ત્યાં નથી. કવિતા તો જન્મે છે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ ગણવાની સાવ અનૂઠી વાતના કલ્પનથી ! યુગયુગોથી બેઉ કાંઠે વહેતી ગંગા કયા કારણોસર નજરાઈ ગઈ છે એ પર્યાવરણના અસમતુલનની પંચાતમાં કવિ પડતા નથી. કવિને નિસબત છે પનિહારીના માધ્યમ વડે નદીપ્રેમ અને નદીના સૂકાવાની વેદના અને હિમાલયના પીગળવાની વ્યથા વ્યક્ત કરવામાં. અને વ્યથા રજૂ કરવા માટે કોઈ પોતાનું તો હોવું જોઈએ ને? એટલે જ કવિ ‘સૈ’ને સંબોધીને કાવ્યનો ઉઘાડ કરે છે અને આખા ગીતને બોલચાલનું ગીત બનાવી ભાવકના હૃદયને સીધું સ્પર્શવામાં સફળ રહે છે…

Comments (11)

બા – મૂકેશ જોશી

બા એકલાં જીવે                
                             બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે  
                                  બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
                                                    બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
                                                  બા સાવ એકલાં જીવે

કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
                                              બા સાવ એકલાં જીવે

– મૂકેશ જોશી

ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરતું ગીત.

Comments (21)

કેમ છો ? – ચિનુ મોદી

                                               કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત  પગલાંની  છાપ  દેખાતી  હોય
અને મારગનું નામ ? તો કહે: કાંઈ નહીં,
દુણાતી   લાગણીના   દરવાનો   સાત
અને દરવાજે કામ ? તો કહે: કાંઈ નહીં;
દરિયો  ઉલેચવાને  આવ્યાં  પારેવડાં
ને  કાંઠે  પૂછે   કે   પાણી  ખારું  છે ?
કેમ છો ? સારું છે ?

પાણીમાં   જુઓ   તો   દર્પણ  દેખાય
અને  દર્પણમાં  જુઓ  તો  કોઈ નહીં,
‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ
અને  ઝરમરમાં  જુઓ તો કોઈ નહીં;
કરમાતાં   ફૂલ  જેમ ખરતાં  બે  આંસુઓ
ને   આંખો  પૂછે  કે  પાણી  તારું છે ?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

કવિ એવી અવસ્થાની વાત કરે છે કે જ્યાં કોઈ ખરો રસ્તો કે ખરી લાગણી બતાવે નહીં, ને કામ લાગે એવો સહારો પણ આપે નહીં અને પૂછે રાખે ‘કેમ છો ? સારું છે ?’ અંદરનો ખાલીપો જોઈને આંખ ભરાઈ આવે ત્યારે પોતાને એવો સવાલ થાય, આ આસું ખરેખર મારાં છે ? – આ ખાલીપાની ચરમસિમા છે. પણ આ બધા અર્થવિસ્તાર કોરે મૂકી ગીતને ખાલી બે વાર મોટેથી વાંચી જુઓ – ગીતની ખરી મઝા તો એમા છે !

Comments (8)

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

-ઉમાશંકર જોશી

આજે વસંતપંચમીના દિવસે ઋતુરાજ વસંત વિશેનું મારું સૌથી વધારે મનગમતું અને મેં સૌથી વધારે સાંભળેલું આ ગીત… ગણગણીને કે ગાઈને આ ગીત ન વાંચો તો એનું સૌંદર્ય નજર બહાર રહી જવાની પૂરી શક્યતા છે…

આજે વસંતપંચમી એટલે વસંતના આવણાંનો પહેલો પડઘમ. ઝાડોએ રંગોના નવા વસ્ત્રો પહેરવાની મોસમ. વસંતપંચમી એટલે કામદેવ અને રતિના પ્રથમ મિલનનો દિવસ અને એટલે જ એને મદનોત્સવ પણ કહે છે. આજ દિવસે શબરીના એંઠા બોર શ્રી રામચંદ્રે પણ ખાધા હતા. આજ દિવસે ચાંદકવિની કવિતાના દોરે બંધાઈને અંધ મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે શબ્દવેધી બાણની મદદથી મોહમ્મદ ઘોરીનો વધ કર્યો હતો… વસંતપંચમી એટલે સૂર અને શબ્દના દેવી મા સરસ્વતીનો જન્મદિવસ પણ. વસંતપંચમી એટલે સાચા અર્થમાં ભારતીય ‘વેલેન્ટાઈન ડે’.

ભૃંગ=ભમરો, મકરંદ= પુષ્પરસ/પરાગ/સુવાસ,

Comments (13)

ગાંધીને પગલે પગલે – ઉમાશંકર જોશી

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

-ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને લયસ્તરો તરફથી આ યુગમાનવને શત શત કોટિ વંદન…

પોતાના ગુજરાત રાજ્યને ગાંધીના પગલે પગલે ચાલવાનું આહ્વાન આપતા કવિ આ ધરતી કૃષ્ણ, જરથુષ્ટ્ર, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સંસ્કારોથી સિંચિત હોવાનું અને નરસિંહ-મીરાં જેવા ભક્તકવિઓ અને સરદાર જેવા શૂરાઓની સિંહડણક અને ગાંધીના સત્ય-અહિંસાની આંખે દેખતી હોવાનું યાદ કરાવે છે.

ગુજરાતના જન્મસમય સમીપે લખાયેલા આ ગીતમાં કવિ ગુજરાતને મળેલા ‘વિવેકબૃહસ્પતિ’ બિરુદની વાત કરે છે. આ વિશેનો સંદર્ભ શોધવામાં હું નિષ્ફળ રહ્યો છું. કોઈ સુજ્ઞ વાચકમિત્ર એના વિશે જાણકારી આપશે તો અહીં સાભાર નોંધ લઈશું…

Comments (10)

વૃક્ષ નથી વૈરાગી – ચંદ્રેશ મકવાણા

Chandresh Makwana_Vruksh nathi vairagi

(લયસ્તરો માટે ચંદ્રેશ મકવાણાના પોતાના હસ્તાક્ષરમાં એમનું મનગમતું ગીત)

વૃક્ષ નથી વૈરાગી,
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી ?
વૃક્ષ નથી વૈરાગી.

જેમ ખૂટ્યાં પાણી સરવરથી
જેમ સૂકાયાં ઝરણાં,
જેમ ભભકતી લૂ લાગ્યાથી
બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ એને ઠેસ સમયની લાગી
વૃક્ષ નથી વૈરાગી

તડકા-છાંયા-અંદર હો
કે બ્હાર બધુંયે સરખું
શાને કાજે શોક કરું હું ?
શાને કાજે હરખું ?

મોસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી
વૃક્ષ નથી વૈરાગી

-ચંદ્રેશ મકવાણા

વૃક્ષના ત્યાગ અને સમર્પણની વાત કોઈ કરે તો લાગે કે કદાચ હજારમી વાર આ વાત સાંભળીએ છીએ પણ વૃક્ષ વૈરાગી નથી, સંત નથી એવી વાત કોઈ કરે તો બે ઘડી આંચકો લાગે કે નહીં ? જિંદગીની કલ્પી ન શકાય એવી તડકી-છાંયડી નિહાળીને આપબળે ઊભા થયેલા ચંદ્રેશ મકવાણા અમદાવાદમાં હાલ શિક્ષક તરીકે સેવા બજાવે છે. વૃક્ષને સંત તરીકે જોવાની આપણી દૃષ્ટિનો છેદ ઊડાડી કવિ આખા ઘટનાચક્રને સમયની બલિહારી ગણાવે છે. કદાચ આપણી વચ્ચે સંત થઈને જીવતા કેટલાક લોકોની આ વાત છે જેઓ સમયના કે સંજોગોના માર્યા વૈરાગી બને છે…

Comments (15)

તો, પપ્પા, હવે ફોન મૂકું ? – મનોહર ત્રિવેદી

તો, પપ્પા, હવે ફોન મૂકું ?
તમને   યે મૉજ  જરી આવે  તે  થયું મને !  STDની ડાળથી ટહૂકું…..

હૉસ્ટેલને ? …   હૉસ્ટેલ તો ફાવે છે….   જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
તોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું……..
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

મમ્મીબા જલસામાં ?…બાજુમાં ઊભી છે? ના ના… તો વાસણ છો માંજતી
કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી
સાચવજો… ભોળી છે… ચિન્તાળુ… ભૂલકણી… પાડજો ના વાંકું કે ચૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

શું  લીધું ?… સ્કૂટરને ?… ભારે   ઉતાવળા… શમ્મુ  તો   કેતો’તો   ફ્રીજ
કેવા છો જિદ્દી ?… ને હપ્તા ને વ્યાજ ?… વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ
ઝાઝી   તો   વાતુંનાં  ગાડાં   ભરાય : કહું  હાઈકુમાં … એટલે   કે   ટૂંકું…
તો, પપ્પા, હવે ફોન મૂકું ?

– મનોહર ત્રિવેદી

ગીતો એટલે જાણે તળપદી ભાષા જ મીઠા લાગે એ વાત ખોટી છે. ગીત હોય મઝાનું તો ‘આજની ગુજરાતી’માં પણ એટલું જ મીઠુ લાગે. પોતે પપ્પાની પણ મમ્મી હોય એવી સ્ટાઈલથી વાત કરતી, દૂરથી ય ચિંતા કરે રાખતી, ફોન મૂકું મૂકું કહીને STDના મીટર ફેરવે રાખતી દિકરીની વાતો સ્વયંભૂ જ એક ગીત બની જાય છે.

Comments (19)

ઢૂકડાં લગ્નનું ગીત – નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !

-નિરંજન યાજ્ઞિક

લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…

Comments (6)

પાંદડીશી હોડી – ચંદ્રવદન મહેતા

પાંદડીશી  હોડી  રે  હો,  પાંદડીશી   હોડી !
જળમાં તરવા છોડી રે હો, પાંદડીશી હોડી !

તણખલાનું  હલેસું ને રેશમની છે દોરી
પવનનું પારેવું હું તો મારો મારગ ધોરી.
                                              પાંદડીશી હોડી…

ચાંદરણાનું પાથરણું ને એમાં ટપકી તારા
શાંતિને સળકાવે મારા હૈયાના ધબકારા.
                                              પાંદડીશી હોડી…

– ચંદ્રવદન મહેતા

‘કવિ શું કહેવા માંગે છે?‘ની લપ્પનછપ્પન છોડીને માત્ર કાન ને કલ્પનાના ઉપયોગથી માણવાયોગ્ય નિતાંત મુલાયમ ગીત.

Comments (3)

ઝેર તો પીધાં છે જાણી જાણી – મીરાંબાઈ

ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા !
ઝેર તો પીધાં છે જાણી જાણી.         મેવાડા 0

કોયલ ને કાગ રાણા ? એક જ વર્ણાં રે;
કડવી લાગે છે કાગવાણી.             મેવાડા 0

ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.              મેવાડા 0

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.               મેવાડા 0

બાઇ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
મન રે મળ્યાં સારંગપાણિ.            મેવાડા 0

-મીરાંબાઈ

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ જેવી અમર અને અદ્વિતીય કહેવતકક્ષાની પંક્તિ મીરાં આપણને આ ગીત વડે આપે છે. મીરાંબાઈ ‘ઝેર’ શબ્દનો પણ કેવો સરસ વિનિયોગ કરે છે ! આ ઝેર સંસારનું ઝેર હોઈ શકે, અપમાન, નિંદા કે તિરસ્કારનું પણ હોઈ શકે. એ વાસ્તવિક અર્થમાં પણ ઝેર હોઈ શકે અને જે મીરાંબાઈને વધુ અભિપ્રેત જણાય છે એવું પ્રેમલક્ષણા ભક્તિનું ઝેર પણ હોઈ શકે જેને મીરાંબાઈ અમૃત ગણીને પીવે છે. રાણો શ્યામભક્તિ છોડી દેવા માટે મીરાંને પટરાણીપદની લાલચ પણ આપે છે પણ મીરાં જાણે છે કે કાગડો અને કોયલ બંને એક જ રંગના હોવા છતાં જેમ કાગવાણી કર્કશ અને અપશુકનિયાળ ગણાય છે એમ સંસાર અને હરિ – બંનેમાં પ્રેમ હોવા છતાં હરિવરના પ્રેમ આગળ સંસારનો પ્રેમ કાગવાણી જેવો છે…

Comments (14)

ગીત – વિનોદ ગાંધી

તોળ્યું તો તરણાંના જેવું માપ્યું તો છે માટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

તાણીતોસી તારણ કાઢ્યું
.               એનો શો વિશ્વાસ ?
માખણ નીચે ઠરી રહ્યું ને
.             ઉપર તરતી છાશ,
પાંદડીઓને ઉપર મૂકી નીચે સુગંધ દાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

ઉપર પાકું ભીતર કાચું
.                એમાં શું ટકવાનું?
સ્વયમ્ ન પગટે એ જ્યોતે
.             ના અંધારું ઘટવાનું,
ઊંડા પર્વત, ઊંચી ખીણો, વચ્ચે સીધી ઘાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?

– વિનોદ ગાંધી

તોલમાપ કરવાની આપણી પ્રકૃતિ અને પાયો પાકો કર્યા વિના જ બાંધકામ કરી દેવાનો આપણો સ્વભાવ અહીં ગીતના લયમાં સરસ રીતે ઉપસી આવ્યા છે. વસ્તુને માપી શકાય પણ એના તત્ત્વને નહીં એ આપણે જાણવા છતાં જાણતા નથી. તરણાંને આપણે જોઈએ છીએ ત્યારે માટીમાં રહેલા મૂળને ઉવેખીએ છીએ. દરિયાની સપાટીને જોઈએ છીએ ત્યારે એનું ઊંડાણ અનુભવતા નથી. જ્યાં સુધી આપણે આપણા માંહ્યલાને પાકો નહીં કરીએ ત્યાં સુધી આ અંધારું ઘટવાનું નથી.

Comments (1)

ક્ષણ હસવું, ક્ષણ રડવું – નિરંજન ભગત

ક્ષણ હસવું,  ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું ?

સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું !

સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું !

– નિરંજન ભગત

‘સ્વર્ગ’ શોધવા કરતા કવિને પોતાનું ‘વ્રજ’ જ વહાલું છે. દરેક માણસ માટે પોતાનું ‘વ્રજ’ પોતાની અંદર જ હોય છે – એને જાણી, માણી અને ઉજવી લેવું. જે સહજ છે એને સનાતન ચાહવું.

Comments (5)

સૈયર મોરી ! – પ્રદ્યુમ્ન તન્ના

હાલી આવતી’તી રાત્ય ઘમ્મરઘોરી, રે સૈયર મોરી !
વળી વીસરી ગાગરની તે દોરી, રે સૈયર મોરી;
.                     કે’ને પાણીડાં શેણે ભરાય ?

બાંધી ઓઢણી મેં કોરીધાકોરી, રે સૈયર મોરી !
તો યે પ્હોંચે નંઈ જળને બિલોરી, રે સૈયર મોરી; -કે’નેo

કૂવા કાંઠે મહૂડી કાંઈ મ્હોરી, રે સૈયર મોરી !
માથે બેઠો’તો આહીરનો ધોરી, રે સૈયર મોરી; -કે’નેo

કરી આંખે અણસારા ચોરીચોરી, રે સૈયર મોરી !
મુંને બોલાવે આમ ઓરી ઓરી, રે સૈયર મોરી; -કે’નેo

હું તો નાગરના ઘરની રૈ’ ગોરી, રે સૈયર મોરી !
ઝટ્ટ નાઠી ગાગર લઈને કોરી, રે સૈયર મોરી. -કે’નેo

– પ્રદ્યુમ્ન તન્ના

ગામના પાદરની વહેલી પરોઢને ચિત્રિત કરતું મજાનું રમતિયાળ ગીત. રાતના અંધારા હજી ઓસર્યા નહીં હોય એવામાં ઘડે બાંધવાની દોરી ભૂલી આવેલી પનિહારી પોતાની ‘કોરીધાકોર’ ચુંદડી ટૂંકી પડે એવા બિલોરી કાચ જેવા પાણી ભરવા મથે છે ત્યારે આહિર જાતિનો આગેવાન ચોરીચોરી એને ઇજન આપી કેડે બોલાવે છે. પણ નાગરની છોરી કંઈ એંઠી થાય? કોરી ઓઢણી અને ઈજ્જતની કોરી ગાગર લઈ એ ઝટપટ પાછી ન નાસી જાય?

Comments (5)

મા – સંદીપ ભાટિયા

sandip bhatia- Maa2
(ખાસ ‘લયસ્તરો’ માટે સંદીપ ભાટિયાનું એક સુંદર ગીત એમના પોતાના અક્ષરોમાં)

*

મારી નીંદરમાં વ્યાપ્યા અંધારાં
મા મારી પાંપણની બારસાખે ટાંગી દે
વારતામાં ટમટમતા તારા

આયખાના બંધબંધ ઓરડામાં
મા મને એકલું જાવાને લાગે બીક
આંગળી ઝાલીને તારાં હાલરડાં ચાલતાં’તાં
ત્યાં લગી લાગતું’તું ઠીક

મેળાની ભીડ મહીં ખોવાયા મા
હવે મારાં સૌ સપનાં નોંધારાં

લખભૂંસ છેકછાક એટલી કરી
કે નથી ઊકલતો એક મને અક્ષર
પાસે બેસાડી તું એકડો ઘૂંટાવે
એ આપ ફરી સોનાનો અવસર

ઝાઝેરું જાણવાની કેડીઓમાં
મા હવે અટવાઈ ઊભા વણઝારા

-સંદીપ ભાટિયા

અંધારું એટલે કાળાશનું હોવું નહીં, અંધારું એટલે સૂરજનું ન હોવું તે. અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી. અંધારું એટલે જીવનના ધનમૂલક પરિબળોની બાદબાકી. ઊંઘમાં વ્યાપ્યા અંધારાં કહીને કવિ કેવો મજાનો કાકુ સિદ્ધ કરે છે! ઊંઘવા મથતા પણ ઊંઘી ન શકતા બાળકની નીંદરમાં વ્યાપેલ આ અંધારું -ઊંઘ નામના પ્રકાશની ગેરહાજરી- તો હવે મા મજેદાર વાર્તાઓના ટમટમતા તારાઓ પાંપણની બારસાખે બાંધે તો જ દૂર થવાનું છે… એક બાળકના મા સાથેના સંબંધની સુંદર પરિભાષા વ્યક્ત કરતું આજે બાળક બનીને માણીએ…

સંદીપ ભાટિયાની એક અદભુત ગઝલ -કાચનદીને પેલે કાંઠે- આપે વાંચી છે? અહીં ક્લિક્ કરો.

Comments (15)

ગનીચાચા જન્મ શતાબ્દિ વર્ષ વિશેષ: ૫ : ખલાસીને

માર હલેસાં માર , ખલાસી !
.            માર હલેસાં માર,
નાવને પાર ઉતાર, ખલાસી !
.            માર હલેસાં માર.

જો  સામે વિકરાળ વમળ છે,
કાળ  સમું  તોફાન પ્રબળ છે,
જ્યાં ઊભો ત્યાં ઊંડાં જળ છે,
.            નાવડી ના લંગાર ,
.                       ખલાસી !…

તારું પાણી બતાવ ગગનને,
દે લપડાક વિરોધી પવનને,
હોડમાં મૂકજે તારા જીવનને,
.              મૃત્યુને પડકાર,
.                     ખલાસી !

લક્ષ્ય ઉપર દે  દૃષ્ટિ બાંધી,
શ્રદ્ધાનો  સઢ  લેજે   સાંધી,
જો  સામેથી  આવે  આંધી,
.         વીજ કરે ચમકાર,
.                    ખલાસી !…

આજ  ભલેને  તારી  હોડી
મજલ કાપતી થોડી થોડી,
યત્ન હશે તો વહેલી મોડી,
.       એ જ ઊતરશે પાર,
.                 ખલાસી !…

-ગની દહીંવાલા

ગનીચાચા જેટલા ઉત્તમ ગઝલકાર હતા એટલા જ સુંદર ગીતકાર પણ હતા. એમનું આ ગીત પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતું ત્યારનું કંઠસ્થ થઈ ગયેલું. ગીતનો લય જેટલો સરળ અને અનવરુદ્ધ છે, ખુમારી એટલી જ છલોછલ. નિરાશાના વાદળ ઊમટી આવ્યા હોય એવા સમયે મોટેથી લલકારવા જેવું આ ગીત ફ્રેમ કરીને રૂમમાં અને પ્રેમ કરીને દિલમાં મઢાવી રાખવા જેવું છે…

Comments (6)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ વિશેષ: ૩ : ખોવાણું રે સપનું

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
                                     મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું, 
                                     મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

ગનીચાચાનું મઝાનું ગીત.

Comments (8)

વર્ષા – નર્મદાશંકર

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.

-નર્મદાશંકર

વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે.

પ્રોષિતભર્તૃકા

(દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

Comments (4)

છોરી પંજાબની – સિતાંશુ યશશ્ચંદ્ર

છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !

ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !

આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…

– સિતાંશુ યશશ્ચંદ્ર

પંજાબી છોકરીનું વ્યક્તિત્વ કાબેલ પીંછીના લસરકાથી આબાદ ઊપસી આવે છે. ગીતનો લય, વિચારનો તંતુ અને વર્ણનની ગરિમા – ત્રણે ક્યાંય ખોટકાતા નથી. ‘તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી’ – પાંચ શબ્દોમાં કવિએ એક આખા અધ્યાય જેટલી વાત કરી દીધી છે ! સરખાવો : કેરલ કન્યા.

(પંચનદ=પંજાબ)

Comments (3)

જળકમળ છાંડી… – નરસિંહ મહેતા

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

લયસ્તરોના વાચકવૃંદને જન્માષ્ટમી મુબારક…!

Comments (10)

નભ વચ્ચે આ કયો ખલાસી… – ઉષા ઉપાધ્યાય

નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!

-ઉષા ઉપાધ્યાય

એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!

(કતરણ=કાપડ, કાગળ, પતરું ઇત્યાદિ કાપતાં પડતો કચરો; ધીવર=ધીમર, માછી)

Comments (5)

આવ, સખી, આવ – નિરંજન ભગત

આવ, સખી, આવ,
          વહી જશું ધીરે ધીરે,
મિલનની નાવ, 
          વિરહને તીરે તીરે !

હો વેળુથી વેરાન બેઉ તટે
          વૈશાખની અગનછટા,
વા પૂરથી પાગલ જલપટે
          આષાઢની સઘન ઘટા;

ધૂપ હો વા છાંવ,
          સહી જશું નત શિરે;
મિલનની નાવ
          વહી જશું ધીરે ધીરે !

– નિરંજન ભગત

સ્નિગ્ધ-સૂર, મોહક ગીત… મનની તૃપ્તિ ! 

Comments (3)

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી (કાવ્યપઠન) -વિવેક મનહર ટેલર

Shyaam taara range
(વિવેકની એક અક્ષુણ્ણ કૃતિ એના હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)

[audio:http://urmisaagar.com/saagar/audio/ShyamTaaraRange-VivekTailor.mp3]

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,
પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,
આયખામાં જેટલાં યે સળ છે;
તારા જ દીધા સૌ વળ છે.
કિયા છેડેથી બાકી તેં રાખી ?
મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,
મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;
કુણ મુંથી તે મોટું બડભાગી ?
વરણાગી, મુંને બ્હાવરી કરીને તેં રાખી,
દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૦૮)

“શ્યામ!” સંબોધન વાંચતા જ આપણી આંખ આગળ ગોપી આવી જઈને આપણને પણ એના રંગમાં એવા રંગી દે છે… કે પછીનું આખું કાવ્ય આપણે ગોપી બની ગયા વગર જાણે માણી જ ન શકીએ ! શ્યામનાં રંગમાં રંગાઈને લથબથ અને તરબતર થયેલી ગોપી અહીં રંગાવાનાં અલૌલિક આનંદની સાથે સાથે વળી “કિયા છેડેથી બાકી તેં રાખી” કહીને રંગાવાની જ મધમીઠી રાવ પણ કરે છે. અને બ્હાવરી તો કેવી, કે દલડાંનાં દરવાજા ને દીવાલો બધુયે ઓગળી ચૂક્યું છે ને તો યે હજી એ બારી ન વાખવાની ઘેલી ચિંતા કરે છે. શું શ્યામે એને પોતાના રંગમાં રંગી છે ?… કે પછી શ્યામનાં રંગમાં એ પોતે પોતાની મરજીથી જ રંગાઈ ગઈ છે? શું એ ફરિયાદ કરે છે કે એણે રંગાવું ન્હોતું તો ય રંગાઈ ગઈ ? જો કે, આવા પ્રશ્નોનાં જવાબો તો રાધા યે આપી ન શકે… એટલે આપણે થોડીવાર માટે ગોપી બની જઈ માત્ર આ કાવ્યનાં રંગમાં રંગાઈએ તો કેવું ?!!

લયસ્તરોનાં સાગરમાં આપણે ઘણાં પ્રિય કવિઓનાં હસ્તાક્ષરોનાં મોતીઓ ભર્યા છે અને એમાં આપણા ઘરનાં જ કવિનાં હસ્તાક્ષરનું મોતી ના હોય એ કેમ ચાલે? ખરું ને મિત્રો?! વળી આ કવિ મહાશય પાસેથી તો એમનાં હસ્તાક્ષરની સાથે સાથે બોનસ તરીકે મેં હક્કથી એનાં સ્વરનું મોતી પણ માંગી લીધું છે (જરા દાદાગીરીથી સ્તો!)… તો ચાલો આજે સાંભળીએ આ કાવ્યનું પઠન, કવિ વિવેક ટેલરના જ અવાજમાં !

Comments (24)

અષાઢે – ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. અષાઢે0

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. અષાઢે0

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ ?
પરથમ મળિયા શું મુખ ના મોડીએ જી. અષાઢે0

-ઉશનસ્

એક નાનું અમસ્તું કાવ્ય પણ કેવું મીઠું ! અષાઢથી ફાગણ સુધી લંબાતી આખી વાતમાં કવિ પ્રેમ, વર્ષા અને વસંતને એક જ તાંતણે કેવી હોંશિયારીથી બાંધી દે છે ! ઘાસના તણખલાંમાં તો ધરતીના શ્વાસ કહી એને તોડવાની ના ફરમાવી કવિ ખરેખર શું કરવું જોઈએ એ પણ તુર્ત જ કહી દે છે. અષાઢના ભીના-ભીના ઘાસમાં તો આડા પડીને એની સુગંધ માણવાની હોય. હું તો સુરતી બોલીમાં વપરાતો ‘પીમળ’ શબ્દ ગુજરાતી કવિતામાં પહેલવહેલી વાર વાંચીને જ આ કવિતાના પ્રેમમાં પડી ગયો…

આખા કાવ્યમાં સવારનો જ મહિમા છે. પરોઢની ખટઘડીએ સૂઈ ન રહેવાનું તો આદિ કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. ઉશનસ્ એમની જ વાતમાં સૂર પુરાવતા હોય એમ કહે છે કે પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ રહીએ તો પ્રકાશ અને વાયુ બંને પાછાં વળી જઈ શકે છે. આત્માને ઉજાળવો હોય કે શ્વાસને સીંચવો હોય, મનુષ્યનું ‘જાગવું’ ખૂબ જરૂરી છે અને એથી વધુ જરૂરી છે અજ્ઞાનની પછેડી માથેથી હટાવવાનું…

Comments (8)

વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ,
.                                                  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો
.                                                  તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ  અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કાળું  ભમ્મર  આકાશ  મને  ઘેઘૂર  બોલાશ  સંભળાવે  નહીં;
મોર  આઘે  મોભારે  ક્યાંક  ટહુકે  તે  મારે  ઘેર  આવે  નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા  લઇને આવે ઉન્માદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી;
કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (9)

વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત – ઉમાશંકર જોશી

                  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. 
                  એવી  વ્હાલપની  વાત રંગભીની.

                          આકાશે વીજ ઘૂમે, 
                          હૈયામાં પ્રીત ઝૂમે,
                  છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની. 
                  વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

                           બાજે  અજસ્ત્રધાર
                           વીણા  સહસ્ત્રતાર
                   સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની. 
                   વર્ષાની   રૂમઝૂમતી  રાત  રંગભીની.

                            ઓ રે વિજોગ વાત! 
                            રંગ   રોળાઈ   રાત,
                    નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની. 
                    વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

વર્ષાની એક રાત… સ્મુતિપટ પર દૃશ્યોની લંગાર લગાડી દે એવી રૂમઝૂમતી રાત ! ગીતની એક પછી એક કડી એક પછી એક પાંદડીની જેમ ખૂલે છે અને વ્હાલપની વાતથી છેક રોળાઈ રાત સુધી લઈ જાય છે.

Comments (4)

વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો – નિરંજન ભગત

                રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
                     મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને 
                     વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

                      મેઘવીણાને કોમલ તારે 
                                           મેલ્યાં વીજલ નૂર,
                      મેહુલાએ ત્યાં જલની ધારે 
                                           રેલ્યા મલ્હારસૂર; 
                      એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
                      સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો 
                      મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !

                      આપણે રે પ્રિય, સામસામે તીર,
                                           ક્યારે ય નહીં મિલાપ;
                      ગાશે જીવનજમુનાનાં નીર 
                                           વિરહનો જ વિલાપ ? 
                      રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

                બિરહમાં બાઢ લાયો !
                રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

કોઈ મને ક્યારે કહેશે -  
                            ગુલાબ મારાં કોણ લેશે ?

– મહેશ દવે

આ ‘ભીનુંભીનું’ વર્ષા કાવ્ય વરસાદનું નામ પણ લીધા વગર લખેલું છે. શ્રાવણનો ભીનો દિવસ એક મીઠી ફાંસની માફક ચારે પ્રહર પ્રિયજનની યાદ અપાવે છે – સવારે, બપોરે, સાંજે અને રાત્રે. ગીતની ભાષા અને યોજના એટલી સરળ છે કે જોડકણાં જેવું લાગે. પણ કવિએ શબ્દોનો એવો તો તાતો પ્રયોગ કર્યો છે કે પ્રેમભીના  હૈયાની રેશમી તરસ અદલ ઉભરી આવે છે. આ ગીત સાથે જ સાહ્યબો મારો ગુલાબનો છોડ છે પણ વાંચો તો ઓર નશો ચડવાની ગેરેંટી છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૧ :અષાઢ – પ્રદ્યુમ્ન તન્ના

આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

        કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
        ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

        ઉઘલ ઉઘલ દળવાદળ પલપલ વરસે મુશળધાર,
        પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ધરે પ્રલયસિંગાર
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢે જળ-ઓછાડ!

         આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
         આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.

– પ્રદ્યુમ્ન તન્ના

વર્ષાનો પૂરેપૂરો ‘પાવર’ એક ગીતમાં પકડવો લગભગ અશક્ય બાબત છે – આ ગીત ન વાંચો ત્યાં સુધી 🙂 લયના એક અદભૂત સંમિશ્રણથી કવિ વરસાદના જોમ અને જુસ્સાને જીવંત કરી દે છે. શબ્દ અને અર્થની પરવા કર્યા વિના ગીત મોટા અવાજે બે વાર વાંચી જુઓ… એ જ એની ખરી મઝા છે !

(સમીરણ=પવન, ઓછાડ=ઓછાયો, ઉઘલ=છલકતું, આકુલ=ગભરાયેલુ)

Comments (7)

લે પૂળો મૂક્યો – રન્નાદે શાહ

સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો

ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે

મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો

બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે,રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો

નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો

-રન્નાદે શાહ

‘લે પૂળો મૂક્યો’ કહીને કવિ જે લય અને ઉપાડ લઈ ગીત જન્માવે છે એ એની અનવરુદ્ધ ગતિના કારણે વાંચતી વખતે શ્વાસ અટકાવી દે એવું મજાનું થયું છે. પંક્તિએ પંક્તિએ શબ્દ-પ્રયોગોનું અલગ-અલગ રીતે પણ એકધારું થતું રહેતું અનવદ્ય પુનરાવર્તન મજાના અર્થવલયો પણ સર્જે છે.

Comments (10)

(ગીત) – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! કોઈo

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! કોઈo

દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રે’વું,
મનનું કૈં મન પર ના લેવું;
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! કોઈo

મોજાંઓની પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે;
એવા ભવસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે !

કોઈ પ્રીત કરી તો જાણે !

-મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

પ્રેમ વિશે આપણે આજ સુધીમાં જે જે કંઈ ધાર્યું છે- શીતળ અગ્નિ, દિલનું ચેન ને રાતની ઊંઘનું હરાઈ જવું, મરીને જીવવું, ડૂબીને તરવું- એ બધી જ અભિવ્યક્તિઓ અહીં એક સાથે દરિયાના મોજાંની જેમ ભરતીએ ચડી આવી છે. પણ જે મજા અહીં છે એ આ ગીતના લયની છે, સંગીતની છે. વાંચતાની સાથે આ ગીત ગણગણાઈ ન જાય તો વાંચવાની રીત ખોટી એમ જાણજો…

Comments (3)

બોલ વાલમના – મણિલાલ દેસાઈ

ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વાલમનાં.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વાલમના.
ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.

– મણિલાલ દેસાઈ

ગુજરાતી ભાષાનું મારું સૌથી પ્રિય પ્રતીક્ષા-ગીત એટલે મણિલાલ દેસાઈનું લોકપ્રિયતાની ચરમસીમા વટાવી ચૂકેલું આ ગીત. આ ગીત નથી, એક મુગ્ધાના મધમીઠાં ઓરતાનું શબ્દચિત્ર છે. ગ્રામ્ય પરિવેશ અહીં એટલી સૂક્ષ્મતાથી આલેખાયો છે કે આખું ગામ આપણી નજર સમક્ષ તાદૃશ થઈ ઊઠે છે. સૂતાં-જાગતાં, રમતાં-કૂદતાં ને રોજિંદા કામ કરતાં- જીવનની કે દિવસની કોઈ ક્રિયા એવી નથી જે વ્હાલમની ભીની ભીની યાદથી ભીંજાયા વિનાની હોય. ઠેઠ ગામને પાદર ઘૂઘરા વાગે તો એમાંય પ્રિયતમના આવણાંનો રણકાર સંભળાય છે. પગે કાંટો વાગે તો પણ વ્હાલમનો વાંક અને પવન છેડતી કરે તો એમાંય પ્રીતમજીનો જ વાંક. પોતાની ને પોતાની ઓઢણી નડે તો એમાંય વેરી વ્હાલો ! પ્રીતની પરાકાષ્ઠા અને પ્રતીક્ષાના મહાકાવ્ય સમું આ ગીત જે આસ્વાદ્ય રણકો વાંચનારની ભીતર જન્માવી શકે છે એ ગુજરાતી કવિતાની જૂજ ઉપલબ્ધિઓમાંની એક છે.

(ગવન=સ્ત્રીઓ દ્વારા પહેરાતું સુતરાઉ કાપડનું છાપેલું ઓઢણું)

Comments (8)

પ્રેમરસ પાને તું – નરસિંહ મહેતા

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0

મારીને  મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.  પ્રેમ0

મેં  ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો  સપને ન આવે. પ્રેમ0

-નરસિંહ મહેતા

Comments (4)

ગૂજરાત મોરી મોરી રે – ઉમાશંકર જોશી

મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમરતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
.             ગૂજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
.             ગૂજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
.             ગૂજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
.             ગૂજરાત મોરી મોરી રે.

નર્મદની ગૂજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગૂજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
.             ગૂજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગૂજરાત
.             ગૂજરાત મોરી મોરી રે.

-ઉમાશંકર જોશી

આજે પહેલી મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે લયસ્તરોના ભાવકમિત્રો માટે ઉમાશંકર જોશીનું આ લોકપ્રિય ગીત એની મૂળ જોડણી સાથે. ગુજરાત રાજ્ય તો મળી ગયું, હવે એને ટકાવી રાખવાનું છે આપણે. આપણું ગુજરાતીપણું અંગ્રેજીની લ્હાયમાં આવનાર પચાસ-સો વર્ષમાં લોપ ન થઈ જાય એની જવાબદારી આપણા  સૌના માથે છે. ગુજરાત સ્થાપના દિને અમારો આજ સંદેશો છે – “બનીએ હજી વધુ ગુજરાતી.”

Comments (7)

એવું કૈં કરીએ – રમેશ પારેખ

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

– રમેશ પારેખ

ઘણા વખતથી બધી ‘સિરિયસ’ કવિતાઓ જ હાથમાં આવે છે. ત્યાં વળી અચાનક આ રમતિયાળ ગીત પર નજર પડી. ર.પા. જ ‘ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે’ એવી વાત કરી શકે. રાત પડે ‘ઈશારો’ કરવા છાપરા પર પથ્થર ફેકવા ને બદલે કવિ તો આખો ચાંદો જ ફેકવાની વાત કરે છે. આશા રાખીએ કે કવિના (ભાવિ) સસરાની ઊંઘ ઊંડી હોય 🙂

આ ગીત સાંભળો, ટહુકો પર.

Comments (16)

કોણ ? – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
.                      તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
.                   તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
.                  તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
.                 તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
.                 તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
.                  તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
.                 તો મન મહીં થરક્યું તે કોણ ?
.              સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

-જયેન્દ્ર શેખડીવાલા

એક પ્યારી અંતરંગ સખીને આજે સપ્તપદીનું પહેલું પગલું પાડતી વેળાએ સસ્નેહ અર્પણ…

Comments (5)

આજ – પ્રહલાદ પારેખ

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
.             આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
.               પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
.           દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
.              મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
.            મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
.               ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
.          હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
.            આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

-પ્રહલાદ પારેખ

ભાવનગરમાં જન્મેલા પ્રહલાદ જેઠાલાલ પારેખ (જન્મ:૧૨-૧૦-૧૯૧૨, મૃત્યુ:૦૨-૦૧-૧૯૬૨) ટૂંકા જીવનગાળામાં અવિનાશી કવિકર્મ કરી ગયા. અનુગાંધીયુગના કવિ. સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો હતો.  આજીવન શિક્ષક. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા એ એમનો મુખ્ય કાકુ. લયમાધુર્ય એ એમનું બીજું ઘરેણું. કવિતા ઉપરાંત વાર્તા, અનુવાદ, બાળસાહિત્ય પર પણ હથોટી.

પ્રસ્તુત કાવ્યમાં રાત્રિના સૌંદર્યને એમણે સ્પર્શક્ષમ પરિમાણ આપી અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરે રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે?

(કાવ્ય સંગ્રહ: ‘સરવાણી’, ‘બારી બહાર’. બાળકાવ્યસંગ્રહ: ‘તનમનિયાં’)

Comments (5)

નદીના પાણીમાં ઊભેલા વૃક્ષના ઠૂંઠાનો ફોટોગ્રાફ જોતાં – સંદીપ ભાટિયા

લીલાશના વણજારા રે
અમે બહુ દોડીને ઊભા
તરસમાં પગ બોળીને ઊભા

કૂંપળના, કલરવના, ફોરમના જે છૂટ્યાં ગામ રહ્યાં એ ઝાંખાઝાંખા દૂર
હૂંફને કાંઠે હજી તો નાખ્યા ડેરા ત્યાં તો કોઈ નથીનાં ઊમટ્યાં ઝળઝળ પૂર.

રાવટી રગદોળીને ઊભા
અમે બહુ દોડીને ઊભા

થડ ઉપર ચડતી કીડીના પગરવનો રોમાંચ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા
દાણા લઈને ઊડતી આવે માળામાં એ સાંજ અમે તો પોઠ ભરીને લાવ્યા’તા

ગઠરિયા સૌ છોડીને ઊભા
અમે બહુ દોડીને ઊભા

-સંદીપ ભાટિયા

કવિતા ક્યાં-ક્યાંથી જન્મ લેતી હોય છે ! આ ગીતનું લાંબુલચ્ચ શીર્ષક વાંચતાં જ આંખ સામે હાથમાં ફોટોગ્રાફ લઈ બેઠેલા કવિનું દૃશ્ય જાણે ખડું થઈ જાય છે. કવિ સંવેદનાનો દ્યોતક છે. અને સંવેદન કઈ ઘડીએ કઈ જગ્યાએ અને કયા પ્રસંગે જેમ સમુદ્રમાં ચંદ્ર તેમ લોહીમાં ખળભળાટ મચાવી દે, કંઈ કહેવાય નહીં. શીર્ષક વાંચીને પછી કવિતામાં પ્રવેશીએ તો કવિએ જે-જે કલ્પનો પ્રયોજ્યા છે તે બધા જ એક પછી એક આંખ સામે ખડા થતા જાય છે અને ગીત પૂરું થતાં સુધીમાં તો જો તમે સારા ચિત્રકાર હો તો કવિએ જે ફોટોગ્રાફ જોઈને આ ગીત લખ્યું હશે એ ફોટોગ્રાફનું હૂબહૂ ચિત્રણ કરી શકો એવું રમણીય વર્ણન અહીં કરાયું છે.

Comments (3)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૮ : ભવ્ય સતાર – સુન્દરમ્

Sundaram

અહોહો ઝનઝન ભવ્ય સતાર !
રણઝણે તાર તાર પર તાર !

અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તેં છેડ્યો કામોદ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીરસિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તોયે મીઠો તુજ મલ્હાર.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
.                   અહોહો ઝનઝન ભવ્ય સતાર ! રણઝણેo

– સુન્દરમ્

કવિશ્રી સુન્દરમ્ ની જન્મ-શતાબ્દી નિમિત્તે આદરેલી સુન્દરમ્-સુધા શ્રેણીનું આજે એક બોનસપોસ્ટ આપીને સમાપન કરીએ. શૃંખલાની પ્રથમ કડી ઈશ્વરાસ્થાસભર હતી, એ જ અન્વયે અંતિમ કડીમાં પણ પ્રભુ સાથે તાદાત્મ્ય સાધવાની કોશિશ કરીએ…

ગાતાંની સાથે ગમી જાય એવું આ ગીત… (ગાતાંવેંત, વાંચતાવેંત નહીં કેમકે આ અદભુત લયબદ્ધ ગીત વાંચવું તો અશક્ય જ લાગે છે!) કવિ સૃષ્ટિમાંથી નીકળીને સમષ્ટિ તરફ વળે છે. અહીં બ્રહ્માંડની સિતાર રેલાઈ રહી છે. જેમ આ સિતાર જેવી-તેવી નથી એમ એમાંથી નીકળતાં સૂર પણ જેવા-તેવા નથી. સિતારમાં તાર-વ્યવસ્થા અન્ય વાજિંત્રોથી થોડી અલગ પ્રકારની હોય છે. ઉપરની તરફ મુખ્ય સાત તાર અને નીચેની બાજુએ તરપના તેર અન્ય તાર… તાર તાર પર તાર કહેવા પાછળ કવિનો આ વ્યવસ્થા તરફ ઈશારો હશે કે પછી તારના રણઝણવાનો નાદધ્વનિ શબ્દ પુનરોક્તિ દ્વારા ત્રેવડાવવા માંગતા હશે? સપ્તતેજના તંતુમાં ફરી એકવાર સિતારની તાર વ્યવસ્થા ઉપસતી નજરે ચડે છે… બાકી ગીત એવું સહજ છે કે એને માણવા માટે ભાવકને અન્ય કોઈ માધ્યમની જરૂર નથી…

(કામોદ=એક રાગ; ક્ષીર=દૂધ; મરાળ=હંસ; પતીજ=વિશ્વાસ; ભૂપ=રાજા; ભૂપ કલ્યાણ= કલ્યાણ રાગ; આસા=એક રાગિણી)

Comments (5)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૫ : મને ફાગણનું એક ફૂલ આપો… -સુન્દરમ્

s2.jpg

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
                  કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
        એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
             મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
        જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
                 મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
            સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
               તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
                    કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

Comments (4)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૨ : રંગ રંગ વાદળિયાં – સુન્દરમ્

Sundaram

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં

હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.

હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.

– સુન્દરમ્

સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.

Comments (6)

સુન્દરમ્-સુધા : બુંદ-૦૧ : કોણ ? – સુન્દરમ્

Sundaram

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’

૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…

કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.

જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…

(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)

Comments (11)

ન ફૂલ ને – નિરંજન ભગત

ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.

અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.

મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.

– નિરંજન ભગત

કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !

Comments (6)

નયણાં – વેણીભાઈ પુરોહિત (લયસ્તરો પર ૧૦૦૦મી પોસ્ટ)

ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.

-વેણીભાઇ પુરોહિત

વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.

જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?

‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.

અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.

(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)

Comments (27)

એક ઘડી – નિરંજન ભગત

પરિપૂર્ણ  પ્રણયની  એક  ઘડી, 
                જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.

એના  સહજ  સરલ  સૌ  પ્રાસ,
જાણે      જમુનાતટનો   રાસ;
એનો    અનંતને   પટ   વાસ,
                અણજાણ વિના આયાસ જડી.

એનો   એક   જ   અંતરભાવ,
બસ   ‘તુહિ, તુહિ’નો    લ્હાવ,
એ  તો રટણ રટે : પ્રિય આવ,
                આવ, આવ અંતરા જેમ ચડી !

 – નિરંજન ભગત

છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.

Comments (2)

એવું એકાદ કોઈ ગામ હોય ! -કરસનદાસ લુહાર

એવું એકાદ કોઈ ગામ હોય…!
.           ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
.             અને નક્શામાં જેનું ના નામ હોય !

સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
.                    સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
.                    હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
.                  સૂરજની ખોજ અવિરામ હોય !
.                    એવું એકાદ કોઈ ગામ હોય !

ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
.              ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
.                  ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
.               જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
.                      એવું એકાદ કોઈ ગામ હોય !

-કરસનદાસ લુહાર

ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?

Comments (7)