‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
મનહરલાલ ચોક્સી

છોરી પંજાબની – સિતાંશુ યશશ્ચંદ્ર

છોરી પંજાબની છે, ફુટડી છે, ગોરી છે
હો !

ચાલે તો ચાલે જાણે ધરતી ટટ્ટાર થઈને,
ચુન્નીનાં જલ ખાબકતાં ટેકરીની ધાર્ય થઈને,
તાપણાં જાળવતાં લોચન, શિયાળુ અંધાર થઈને,
અષાઢે લથબથ પાછી આસોમાં કોરી છે !

આવડે છે શું શું એને ? થોડું થોડું વાંચતા યે,
વંટોળે વણતૂટેલા વૃક્ષ જેવું નાચતાં યે,
હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

વ્હાલ અને વેર એના પંચનદે લહેરાતાં,
ઠંડા આકાશ ઝૂકી હૂંફ લેવા વીંટળાતા,
વૈશાખી ડમ્મર એની છાતીએ પોરો ખાતા,
તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી છે…

– સિતાંશુ યશશ્ચંદ્ર

પંજાબી છોકરીનું વ્યક્તિત્વ કાબેલ પીંછીના લસરકાથી આબાદ ઊપસી આવે છે. ગીતનો લય, વિચારનો તંતુ અને વર્ણનની ગરિમા – ત્રણે ક્યાંય ખોટકાતા નથી. ‘તીખાં અમરતની ભંગૂર માટી-કટોરી’ – પાંચ શબ્દોમાં કવિએ એક આખા અધ્યાય જેટલી વાત કરી દીધી છે ! સરખાવો : કેરલ કન્યા.

(પંચનદ=પંજાબ)

3 Comments »

  1. વિવેક said,

    September 17, 2008 @ 2:27 AM

    મસ્ત મજાનું ગીત… સિતાંશુભાઈ પરાવાસ્તવથી હટીને વાસ્તવમાં આવે છે ત્યારે પણ અદભુત કામ કરે છે. પણ સાચું કહું? મને તો ત્રણ જ લીટીમાં ધવલે કરેલું આ કવિતાનું વિશ્લેષણ વધારે ગમી ગયું..

  2. Pravin Shah said,

    September 17, 2008 @ 4:39 AM

    ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.

    આ એક લાઇન પંજાબી છોકરીનું આબેહુબ વર્ણન કરે છે.

    સુંદર રચના !

  3. pragnaju said,

    September 17, 2008 @ 9:47 AM

    હાથવગાં સુખમાં ઝાઝું આવડે છે રાચતાં યે,
    ઘઉંના એક છોડ જેવી સહજ એ કિશોરી છે.
    સરસ પંક્તીઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment