હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.
– ખલીલ ધનતેજવી

કોણ ? – જયેન્દ્ર શેખડીવાલા

ધારો કે આંખ હો કુંવારી કન્યકા
.                      તો પાંપણે ફરક્યું તે કોણ ?

ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામ
.                   તો હોઠ પરે મલક્યું તે કોણ ?

ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
.                  તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?

ધારો કે મહેક્યું તે આષાઢી આભ
.                 તો મન મૂકી ગહેક્યું તે કોણ ?

ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
.                 તો સપનામાં વરસ્યું તે કોણ ?

ધારો કે વરસ્યું તે નિંદરનું રાજ
.                  તો ઝબકીને તરસ્યું તે કોણ ?

ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
.                 તો મન મહીં થરક્યું તે કોણ ?
.              સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

-જયેન્દ્ર શેખડીવાલા

એક પ્યારી અંતરંગ સખીને આજે સપ્તપદીનું પહેલું પગલું પાડતી વેળાએ સસ્નેહ અર્પણ…

5 Comments »

  1. pragnaju said,

    April 25, 2008 @ 8:46 AM

    કોણ ?-
    ધારો કે ગહેક્યું તે જોયાનું સુખ
    તો સપનામાં વરસ્યું તે કોણ ?
    મધુરું ગીત માણતાં ગીત ગુંજન
    મુકુલ યાદ આવ્યો-
    ધારો કે અમથું અમથું કશું પણ ન ધારીએ
    ધારો કે જે બન્યું હતું તે પણ વિચારીએ
    પણ તમને જો ઉદાસ હવેલીની બારીએ
    ઊભેલાં જોઈએ તો બીજું શું વિચારીએ ?
    ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
    તો મન મહીં થરક્યું તે કોણ ?
    .સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?
    મનમાં જગદીશનો ગણગણાટ્—
    ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા
    વીતી ગયા પણ આ માંડેલી વારતાનું શું?
    ધારો કે મલક્યું તે અમથું ગુલાબ
    તો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ?
    કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
    જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
    કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

  2. ભાવના શુક્લ said,

    April 25, 2008 @ 1:12 PM

    ‘કોણ’ ના જવાબ શોધવાની જરુર ના પડે તેવી નાજુક નમણી રચના!!!!

  3. ધવલ said,

    April 25, 2008 @ 8:25 PM

    બહુ નમણા કલ્પનો ! …. અને “ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન” એ મઝાની પંક્તિ થઈ છે 🙂 🙂

  4. ઊર્મિ said,

    May 2, 2008 @ 9:31 AM

    અરે વાહ… આટલી મજાની કવિતા અને એ આજે પહેલી જ વાર વાંચી !

    ધારો કે તરસ્યું તે પૈણ્યાનું મન
    . તો મન મહીં થરક્યું તે કોણ ?
    . સખી ! નજરુંમાં સરક્યું તે કોણ ?

    ખૂબ જ મજા આવી ગઈ દોસ્ત… જો કે હવે તો ખબર પડી ગઈ છે કે ‘કોણ’… 🙂

    મને તો જગદીશ જોષીની પેલી કવિતા પણ અત્યારે યાદ આવી ગઈ…
    “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?”

  5. Jayshree said,

    May 21, 2015 @ 6:44 PM

    આહા… વાહા… ક્યા બાત હૈ..!! મને તો આ કવિતા જોઇને ફરી પરણવાનું મન થઇ ગયું 🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment