તેજ પ્રવેશ – રન્નાદે શાહ
ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ,
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ –
તોય હવે આ ધામ ?
રામ, કહો, ક્યાં રામ ?
પાંપણને પગથાર હજીયે સુનકારો ફગફગતો,
ચોક વચાળે લંબી તાણી, મુંઝારો ટળવળતો
કોણ રમે આ આટાપાટા ? રહું હવે ના શેષ
ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ
ક્યાંય હવે છે ધામ ?
રામ, હવે તો રામ.
ચલ રે મનવા, ચકરાવાને છોડી ઊડીએ દૂર,
પડછાયાના લશ્કર દોડે થઈને ગાંડાતૂર
તગતગતાં અંધારા મેલી કરીએ તેજ પ્રવેશ
શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ
હવે કશું ના કામ
રામ, હવે ભૈ રામ !
– રન્નાદે શાહ
સંસારના સેંકડો ઘાથી ઘવાયા પછી જાગતા વૈરાગ્યનું ગીત. બધું છોડીને ચાલી નીકળીએ તો પણ સુનકારા અને મુંઝારા પીછો નથી છોડતા ને પરિણામે પરમધામપ્રાપ્તિ થતી નથી. ચોર્યાસી લાખના ચકરાવામાંથી નીકળીને દૂર ઊડી શકાય એ ઘડીએ જ તેજ પ્રવેશ શક્ય છે.
વાત જરાય નવી નથી પણ અંદાજ-એ-બયાં મેદાન મારી જાય છે. બે અંતરાની સાંકડી ગલીમાં વૈરાગ્યની વાતની ગતિ સ્પર્શી જાય એવી થઈ છે. અને ધામ અને રામના ત્રણ અંતરામાં કે-બે શબ્દોની ફેરબદલથી કવિ ઊંચું નિશાન તાકી શક્યા છે. વાહ !