નભ વચ્ચે આ કયો ખલાસી… – ઉષા ઉપાધ્યાય
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
જાળ ગૂંથીને ઊભો થતાંમાં
ખેસ જરા ખંખેરે,
પલક વારમાં ગોરંભાતાં
નભને ઘન વન ઘેરે,
ફર-ફર ફર-ફર ફોરાં વરસે
જાણે કતરણ ખેરે,
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
-ઉષા ઉપાધ્યાય
એકધારા વરસતા વરસાદની જેમ અનવરુદ્ધ લય સાથે છમ્…છમ્… નાચતું આ ગીત ગાયા વિના વાંચવું અશક્ય છે. જળની જાળનો પ્રયોગ જેટલો અપૂર્વ છે એટલું જ મનહર છે માછીમારની પરિભાષામાં રચાયેલું આ ગીત… એને એમ જ વરસવા દઈએ? છત્રી-રેઈનકોટ ફેંકીને આવ્યા છો ને?!
(કતરણ=કાપડ, કાગળ, પતરું ઇત્યાદિ કાપતાં પડતો કચરો; ધીવર=ધીમર, માછી)
પંચમ શુક્લ said,
August 22, 2008 @ 8:11 AM
અસલના જમાનાનું ગીત હોય એવી ગૂંથણી.
આંતર-પ્રાસ, લય અને શબ્દો બધું જ અદ્બુત.
sudhir patel said,
August 22, 2008 @ 8:30 AM
ત્રમઝૂતટ વરસતા વરસાદનો અનુભવ કરાવતું ગીત!
અભિનંદન, ઉષાબેનને!
સુધીર પટેલ.
Pinki said,
August 22, 2008 @ 9:08 AM
સુંદર લયબદ્ધ વરસતું ગીત……..
pragnaju said,
August 22, 2008 @ 4:37 PM
ત્રમઝૂટ વરસે નભથી જ્યારે
જાળ ધીવરની ભાસે,
ફંગોળી ફેલાવી નાખી
મહામત્સ્ય કો ફાંસે,
અરે ! પલકમાં મત્સ્ય ધરાનું
આભે ખેંચી જાશે !
નભ વચ્ચે આ કયો ખલાસી
જળની જાળ ગૂંથે છે ?!
વાહ
ઉષાનું ભાવભીંજવતું મધુરું ગિત્
Girish Desai said,
August 23, 2008 @ 9:19 AM
આનુ નામ તે કવિતા
ઉષા બહેન,
મારા હાર્દિક અભિનંદન