હંકારી જા – સુંદરમ્
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા. …મારીo
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. …મારીo
– સુંદરમ્
ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે.
કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2’ જેવા વીસેક કાવ્યસંગ્રહો.
જ્યશ્રી said,
December 5, 2006 @ 9:40 PM
મારુ ખૂબજ ગમતુ ગીત…
ઊર્મિસાગર said,
December 7, 2006 @ 9:18 PM
નિશાળમાં રાગળા તાણી તાણીને કેટલું ગાતા’તા તે યાદ આવી ગયું…