ગીત – વિનોદ ગાંધી
તોળ્યું તો તરણાંના જેવું માપ્યું તો છે માટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
તાણીતોસી તારણ કાઢ્યું
. એનો શો વિશ્વાસ ?
માખણ નીચે ઠરી રહ્યું ને
. ઉપર તરતી છાશ,
પાંદડીઓને ઉપર મૂકી નીચે સુગંધ દાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
ઉપર પાકું ભીતર કાચું
. એમાં શું ટકવાનું?
સ્વયમ્ ન પગટે એ જ્યોતે
. ના અંધારું ઘટવાનું,
ઊંડા પર્વત, ઊંચી ખીણો, વચ્ચે સીધી ઘાટી,
ઊંડોઊંડો દરિયો એની છીછરી કેમ સપાટી ?
– વિનોદ ગાંધી
તોલમાપ કરવાની આપણી પ્રકૃતિ અને પાયો પાકો કર્યા વિના જ બાંધકામ કરી દેવાનો આપણો સ્વભાવ અહીં ગીતના લયમાં સરસ રીતે ઉપસી આવ્યા છે. વસ્તુને માપી શકાય પણ એના તત્ત્વને નહીં એ આપણે જાણવા છતાં જાણતા નથી. તરણાંને આપણે જોઈએ છીએ ત્યારે માટીમાં રહેલા મૂળને ઉવેખીએ છીએ. દરિયાની સપાટીને જોઈએ છીએ ત્યારે એનું ઊંડાણ અનુભવતા નથી. જ્યાં સુધી આપણે આપણા માંહ્યલાને પાકો નહીં કરીએ ત્યાં સુધી આ અંધારું ઘટવાનું નથી.
pragnaju said,
November 6, 2008 @ 3:34 PM
સુંદર તરન્નુમમાં મૂકવા જેવું ગીત
ઉપર પાકું ભીતર કાચું
. એમાં શું ટકવાનું?
સ્વયમ્ ન પગટે એ જ્યોતે
. ના અંધારું ઘટવાનું,
વાહ્